Entertainment

સુપરસ્ટાર અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ, પીડિત પરિવાર કેસ પાછો ખેંચવા તૈયાર થયો

હૈદરાબાદમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયરમાં નાસભાગના મામલામાં હવે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી રહી છે. પોલીસે આજે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી, જે બાદ હવે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. જે અભિનેતા અને તેના ચાહકો માટે મોટો આંચકો છે. આ કેસ 4 ડિસેમ્બરે પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ સાથે સંબંધિત છે, જેમાં 35 વર્ષીય મહિલા (રેવતી)નું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

ઘટના બાદ મહિલાના પરિવારે અભિનેતા અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. અલ્લુ અર્જુન પર પોલીસને જાણ કર્યા વિના થિયેટરમાં પહોંચવાનો આરોપ છે. જેના કારણે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા થઈ શકી ન હતી. જ્યારે લોકોને અલ્લુ અર્જુનના થિયેટરમાં આવવાની જાણ થઈ ત્યારે સુપરસ્ટારને જોવા માટે લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ જેના કારણે ભાગદોડ મચી ગઈ અને એક મહિલાનું મોત થઈ ગયું. અભિનેતા વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટના બાદ સત્તાવાળાઓએ સંધ્યા થિયેટરના સંચાલક અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સામે કેસ નોંધ્યો હતો. દરમિયાન અભિનેતાએ મહિલાના મૃત્યુના કેસમાં નોંધાયેલી એફઆઈઆરને રદ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. અલ્લુ અર્જુન અને તેની ટીમે પણ મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ મૃતક રેવતીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને મળ્યા હતા. અભિનેતાએ 25 લાખ રૂપિયાની મદદ આપવાનું પણ વચન આપ્યું હતું.

હવે બીજી તરફ મહિલાના પતિએ કેસ પાછો ખેંચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અલ્લુ અર્જુનની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. આ કેસમાં મૃતક મહિલાના પતિએ અભિનેતાનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે તે કેસ પાછો ખેંચવા તૈયાર છે. સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત સામે વાંધો ઉઠાવ્યો છે. અભિનેતાએ દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. કપડાં બદલવાની પણ છૂટ આપી ન હતી. એક વીડિયોમાં એક્ટર ઘરમાંથી નીચે ઉતરીને પાર્કિંગમાં આવે છે. ત્યાં તેનો નોકર દોડતો આવે છે અને ચા-પાણી આપે છે. વીડિયોમાં તે ચા પીતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની સ્નેહા રેડ્ડી જોવા મળે છે. અલ્લુ તેની પત્નીને સમજાવે છે. આ પછી પોલીસ તેમને પોતાની સાથે લઈ જાય છે.

Most Popular

To Top