રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી એક નવી શરૂઆત કરી છે અને હવે ‘બ્રહ્માસ્ત્ર’ છોડીને પણ તે નવી જ શરૂઆત કરશે. છેલ્લે તેની ‘સંજુ’ રજૂ થયેલી એટલે કે 4 વર્ષ પછી તે પ્રેક્ષકો સામે આવશે. આ 4 વર્ષ ફિલ્મોદ્યોગ માટે પણ બહુ જુદા પસાર થયા છે અને રણબીરે જોયું છે કે 3 ખાનસ્ટારના ઘટતા પ્રભાવ વચ્ચે જેની પર સૌથી વધુ આશા રાખવામાં આવી છે, તે સ્વયં રણબીર છે. તેણે પૂરી લગનથી ‘બ્રહ્માસ્ત્ર’ માટે કામ કર્યું છે. આ ફિલ્મમાં તે અને આલિયા નિર્માતા તરીકે પણ જોડાયા છે. ફિલ્મ હજુ સપ્ટેમ્બરમાં રજૂ થવાની છે પણ ‘બ્રહ્માસ્ત્ર’ના ટ્રેલરે લોકોમાં નવી આશા જગાડી છે. આ ફિલ્મ એ રીતે પણ ખાસ ગણાશે કે આલિયા સાથેના લગ્ન પછીની તે પહેલી ફિલ્મ છે.
આ પહેલા ‘એ દિલ હે મુશ્કિલ’માં આલિયા હતી પણ કોઇની નજરે ય ચડે તેવી ન હતી. કારણ કે અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય જ તેમાં મુખ્ય હતી. ‘બ્રહ્માસ્ત્ર’માં તે બંને પહેલીવાર ઓનસ્ક્રિન કીસ કરતાંય નજરે ચડશે. હકીકતે તેમના બંનેના જીવનમાં આ ફિલ્મ ખૂબ મહત્વની છે. શરૂમાં તે અયાન મુખરજી અને રણબીર માટે મહત્વાકાંક્ષી ફિલ્મ હતી પણ પછી અયાન – રણબીર – આલિયા ત્રિપુટીની મહત્વાકાંક્ષા બની ગઇ છે. અયાને આ ફિલ્મ માટે રણબીરને ‘સંજુ’ પહેલા પૂછેલું અને તે વખતે તેણે ના પાડેલી તો ગુસ્સે ય ભરાયેલો. રણબીર – અયાન – આલિયા આ ફિલ્મ વડે સાઉથની ફિલ્મોનો પ્રતિકાર કરશે અને હિન્દી ફિલ્મોદ્યોગ માટે પણ એક માપંદડ રચશે.
હકીકતે આ ફિલ્મ હોલિવુડની સુપરહીરો ફિલ્મ સામે એક ઇન્ડિયન મોડલ રજૂ કરે એવી શકયતા છે. એટલે પોસ્ટરમાં પણ રણબીર પાછળ શિવનો મોટો આકાર અને ત્રિશુળ દર્શાવાયુ છે. એવું લાગે છે કે રણબીર તેની નવી મેગાસ્ટાર ઇમેજ માટે તૈયાર થઇ ગયો છે. તે એ માટે કેપેબલ પણ છે. તમે જોશો તો વિત્યા 5 વર્ષમાં તેણે કુલ 3 ફિલ્મો પર જ કામ કર્યું છે અને તેમાંની એક ‘શમશેરા’ છે. તે સહઅભિનેત્રીની પસંદગીમાં પણ કાળજી રાખે છે. એટલે ‘શમશેરા’માં ત્રિધા ચૌધરી અને વાણી કપૂર છે. તો ‘એનિમલ’ કે જે ગેંગસ્ટર ડ્રામા છે, તેમાં રશિમકા મંદાના છે. અન્ય એક વાત કે રણબીરની આ ત્રણે ફિલ્મમાં સિનીયર સ્ટાર્સનું મહત્ત્વ છે. ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, ‘શમશેરા’ માં સંજય દત્ત અને ‘એનિમલ’માં અનિલ કપૂર. રણબીર અત્યારે લવરંજનની જે ફિલ્મમાં કામ કરે છે, તેમાં તો ડિમ્પલ કાપડિયા પણ છે. એટલે કે ‘બ્રહ્માસ્ત્ર’ સહિત ગણો તો 2 ફિલ્મમાં ડિમ્પલ છે. રિશી કપૂરના ચાહકો માટે રણબીર સાથે ડિમ્પલની હાજર ઇમોશનલ બનાવશે.
દિપીકા – આલિયા સાથે તે ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં જો આવ્યો તો સંબંધ સાચવવાની તેની રીત જોવી પડશે પણ કેટરીના કૈફને તે બહુ યાદ નથી કરતો તે એ પણ જાણે છે કે તે R.K. કુટુંબનો છે અને એ કુટુંબની પ્રતિષ્ઠા પ્રમાણે કામ કરે છે. હા, તે દાદા રાજકપૂર નહીં, પિતા રિશીકપૂરની રીતે આગળ વધ્યો છે. જેમાં અભિનય જ કેન્દ્રમાં હોય. જેમને રણબીરમાં રસ છે તે આવતા મહિને રજૂ થનારી ‘શમશેરા’થી જ જોશે કે તે કોણ છે, કેવો છે. રણબીર કંપલીટ પ્રોડકશન કવોલિટી પર ધ્યાન આપે છે. આ રીત કદાચ તેણે આમીરખાનમાંથી અપનાવી છે. જે ઉત્તમને અપનાવે તેને સફળતા બાબતે કોઇ રોકી શકતું નથી. •