Business

સાઈબર ચાંચિયાઓની સુપર લૂંટ

હવે છરો- બંદૂક ધરીને લૂંટના જમાના ગયા. ઘરની દીવાલમાં બાકોરું પાડી ધાડ કોઈ પાડતું નથી. લુટારુ હવે સદેહે આવતા નથી- દેખાતા પણ નથી. ડિજિટલના આ જમાનામાં એ તમારા બૅન્ક અકાઉન્ટમાં  ગુપચુપ પ્રવેશી  સિફતથી એવી લૂંટ ચલાવે છે કે ધોળે દિવસે તમને કોઈ રાતે પાણીએ નવરાવી રહ્યું  છે એનો અણસાર સુધ્ધાં આવે એ પહેલાં તમારી તિજોરી સફાચટ્ટ  થઈ જાય. આ પ્રકારની  કમ્પ્યુટર  કળામાં ‘હેકર’ તરીકે ઓળખાતા નિષ્ણાત ભલભલી વિરાટ કંપનીઓનાં બૅન્ક ખાતામાં પ્રવેશી લાખો-કરોડોની રકમ હડપ કરી જાય અથવા તો એના હિસાબ-કિતાબની મહત્ત્વની માહિતી ‘કિડનેપ’ કરી જાય- તફ્ડાવી   જાય પછી એને બાનમાં રાખી તગડી રકમની ખંડણી માગે. તમે ન આપો તો તમારા બધા જ ડિજિટલ ડેટા- માહિતી વેરવિખેર કરી નાખે. કહો કે એ રીતે નષ્ટ કરી નાખે કે કંપનીનું રીતસર ઊઠમણું જ થઈ જાય. સામાન્ય રીતે તો આવી ડિજિટલ ધાડ  કે એ પછી સાઈબર અપરાધીઓને ચૂકવવામાં આવતી જબરી ખંડણીની વાત જાહેરમાં આવતી નથી. આમ છતાં , આ છેલ્લાં દોઢ-બે વર્ષ દરમિયાન જે જે સાઈબર ખંડણીના આંકડા બહાર આવ્યા છે એ ખરેખર અવાક કરી મૂકે તેવા છે.

ઉદાહરણ તરીકે, સાન ફ્રાન્સિસ્કોની એક યુનિવર્સિટીએ એના ડેટા- સંઘરેલી માહિતી બચાવવા માટે  ૧.૧૪  મિલિયન ડોલર ચૂકવવા પડયા. એ જ રીતે, આંતરરાષ્ટ્રીય કરન્સીની લેતી-દેતી કરતી ‘ટ્રાવેલેક્સ’ નામની કંપનીએ  સાઈબર ખંડણીખોરોને ૨.૨૩ મિલિયન ડોલર ગણી આપવા પડયા હતા.

આવા તો બીજા ઘણા કિસ્સા છે પણ આ બધામાં  આજ સુધી સૌથી વધુ ખંડણી કોઈએ ચૂકવી છે ‘CWT ગ્લોબલ’ નામની અમેરિકન  ટ્રાવેલ  એજેન્સીએ. જગતભરમાં બ્રાન્ચ ધરાવતી આ નામી ટ્રાવેલ કંપનીનાં  ૩૦ હજારથી વધુ  ક્મ્પ્યુટર્સ પર  કબજો જમાવીને એનો ધંધો ચોપટ કરી નાખવાની ધમકી આપીને સાઈબર ચાંચિયાઓએ અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક  ખંડણી વસૂલી છે. એ રકમ છે ૪.૫ મિલિયન ડોલર અર્થાત આશરે  ૩૩ કરોડ રૂપિયા!આ સાઈબર લુટારુઓ વિશ્વની આર્થિક બજારની બરોબર ખબર રાખે છે. જાણીતા કમ્પ્યુટર ઉત્પાદકો – ટ્રાવેલ એજન્સીઓ- ઈન્ટરનેશનલ ફિલ્મ – ટીવી સ્ટુડિયો-કોસ્મેટિક કંપનીઓ  ઉપરાંત ફૅશન હાઉસ પણ  એમના શિકાર બને છે.

તાજેતરમાં જ આ ડિજિટલ ધાડપાડુઓ ઈટલીની એક જાણીતી ડ્રેસ કંપની  પર ત્રાટક્યા છે. પુરુષોનાં વસ્ત્રો તૈયાર કરતી ‘બૉગી મિલાનો’  નામની બહુ મશહૂર બ્રાન્ડ પર એમણે જબરો સાઈબર ઍટેક કર્યો છે. ૩૪ દેશમાં ૧૯૦થી વધુ ફૅશન સ્ટોર્સ ધરાવતી આ કંપનીને પેલા સાઈબર ચાંચિયાઓ તરફ્થી ધમકી મળી છે કે ‘અમે માગેલી રકમ તાત્કાલિક પહોંચાડો, નહીંતર…’  જો કે એ ખંડણીની રકમ કેટલી છે એનો આંક સાઈબર ક્રાઈમ સેલ તેમ જ  ફૅશન કંપનીવાળા તરફ્થી ગુપ્ત રાખવામાં આવ્યો છે પણ જાણભેદુઓ કહે છે કે એ રૅન્સમ-ખંડણીની રકમ કદાચ અગાઉના બધા જ રેકોર્ડ તોડી નાખે તો નવાઈ નહીં.

 અહીં એ પણ જાણી લો કે આ સાઈબર ખંડણીના ધંધામાં આજે વર્ષે દહાડે ૧૦ અબજ પાઉન્ડની ઊથલપાથલ થાય છે અને ૧ પાઉન્ડ = આશરે ૧૦૩ રૂપિયા. હવે કુલ રકમ તમે ગણી લો! બાય ધ વૅ, આ બધી રકમની લેતી-દેતી વર્ચ્યુઅલ કરન્સી (આભાસી નાણું )  ‘ક્રિપ્ટો’ માં થાય છે અને આવી ક્રિપ્ટો કરન્સીના ભાવ ફાટીને એવા ધુમાડે ગયા છે કે સોના-ચાંદી-પ્લેટિનમ કે પછી કોઈ તગડી કંપનીના શૅર કરતાંય એનાં રોકાણમાં જબરું વળતર આપે  છે, પરંતુ આપણી સરકાર ક્રિપ્ટોને સત્તાવાર ચલણ તરીકે સ્વીકારવું કે નહીં એની અવઢવમાં છે.

ઓન લાઈન ..ઓ મેરે  જીવન -સાથી

અગાઉ આપણા પાડોશી-સ્વજન કે મિત્રોને અચૂક પૂછતા : ‘કાં તમે ઢીંકણું કે ફ્લાણું કરી આવ્યાં ? અમે તો કરી આવ્યા !’ઉદાહરણ તરીકે :  તમે હૃતિકની નવી ફિલ્મ જોઈ આવ્યા? અમે તો ક્યારની જોઈ લીધી !…તમે રસી  લઈ આવ્યા? અમે તો આજે  વહેલી સવારે લઈ આવ્યા !   આમાં વાતની જાણ કરવા કરતાં ‘પોતે  હંમેશાં પહેલાં’ એવી મગરૂબી છલોછલ્લ છલકે…આવા પોરસ પાછળ ‘અમે લઈ ગયા..તમે રહી ગયા’ એ દેખાડવાના  પેંતરા વધુ હોય છે.જો કે હવે તો આવી ‘મગરૂબી’ અત્યારના કોરોના -કાળમાં ઓનલાઈન વધુ ને વધુ  ઝળકવા માંડી છે. ખાસ કરીને જાણીતી  ડેટિંગ  ઍપ્સ  અને ડેટિંગ સાઈટસ પર… જીવનસાથી પસંદ કરવા -પરિચય કેળવવા આવી ઍપ – સાઈટ પર એકમેક વિશે માહિતી લેવા- આપવા ઉપરાંત બે સવાલ વિશેષ પુછાય :

‘તમને કોરોના થયો હતો ? તમે કોવિડ પ્રતિકારક વૅક્સિનના ડૉઝ લીધા?’ આનો જવાબ અનુકૂળ આવે તો વાત આગળ વધે.  અનેક જુવાનિયા તો પોતાના સોશ્યલ મીડિયાના ‘સ્ટેટસ’ માં   જ વૅક્સિન વિશેની જાહેરમાં જાણકારી આપી દેવા લાગ્યા છે.  આમ આ કોરોના રસી જ  એમનું ‘સ્ટેટસ’ સિમ્બોલ – સામાજિક મોભાનું  પ્રતીક બની ગયું છે.‘કોફી એન્ડ બૈજલ ‘ નામની એક જાણીતી ડૅટિંગ સાઈટે પોતાના ૧૫૦૦ જેટલા મેમ્બર્સનો સર્વે કર્યો તો એમાંથી ૪૩ % યુવાન-યુવતીઓએ સ્વીકાર્યું કે  વૅક્સિન લીધેલી વિજાતીય વ્યક્તિ પર એ ડૅટિંગ માટે   પહેલી પસંદગી ઉતારે  છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આજની યુવા પેઢી એના સંભવિત ભાવિ જીવનસાથીની હેલ્થને પણ એટલી જ પ્રાથમિકતા આપે  છે! કોરોના ઉપરાંત, આજના જુવાન હૈયાંઓ રાજકીય રીતે પણ વધુ સજાગ થયા છે.

એકમેકને રાજકીય  પ્રશ્નો પૂછતા થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, ‘ઓકે ક્યુપિડ’ નામની વિખ્યાત  આંતરરાષ્ટ્રીય  ડૅટિંગ ઍપ દ્વારા કરવામાં આવેલાં ૧૦ લાખ લોકોમાંથી ૨૯ % મહિલાએ કહ્યું કે એમને જલદ જમણેરી વિચારધારા ધરાવતાં પુરુષો પસંદ નથી. એ લોકો  સાથે આવી મહિલાઓ સભાનપણે ડૅટિંગ કરવાનું ટાળે છે. એ જ રીતે , ૨૫ % પુરુષ જમણેરી કે ડાબેરી રાજકીય વિચારસરણી ધરાવતી સ્ત્રીને જલદી કાઠું આપતા નથી. હવે આપણે ત્યાં પણ ભણેલીગણેલી લગ્નોત્ત્સુક યુવતી અને યુવાન જીવનસાથીની પસંદગીમાં પોતાની  રાજકીય વિચારધારાને   મહત્ત્વ આપવા લાગ્યા છે. ‘ઓકે ક્યુપિડ’ દ્વારા ભારતમાં કરવામાં આવેલા સર્વેનું તારણ કહે છે કે  રાજકીય મતમતાંતર લીધે ૩ માંથી ૧ યુવાન કે યુવતી લગ્નની વાતચીત આગળ ચલાવવાને બદલે પડતી મૂકે છે.

ઈશિતાનું ઈત્યાદિ……ઈત્યાદિ

#  કોરોના વાઈરસને ફેલાતો  અટકાવવા  વધુ ને વધુ લોકો ઝડપથી રસીકરણ કરાવે એ માટે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાયડને એક  ઝુંબેશ ઉપાડી છે . એને વધુ વેગવંતી બનાવવા ત્યાં કેવી જાતભાતની ઈનામી યોજનાઓનાં  આયોજન  થઈ રહ્યા છે એની એક ઝલક ‘ઈશિતા’એ  તમને ગયા સપ્તાહની કૉલમ (૧૩ જૂન્-૨૦૨૧) -માં આપી હતી. અત્યારે ત્યાં લોટરીનાં તોતિંગ ઈનામો  પણ અપાઈ રહ્યાં છે. આ બધા વચ્ચે જે વયસ્ક વ્યક્તિ વૅક્સિનેશન કરાવશે એને ગાંજા-ચરસયુક્ત સિગારેટ કે જોઈન્ટ મફતમાં ‘દમ મારો દમ’ મારવા મળશે એવું સત્તાવાર રીતે જાહેર થયું છે. આપણે ત્યાં તો આવી છૂટ ન આપી શકાય છતાં રસીકરણને પ્રોત્સાહન આપવા આપણે ત્યાં ‘ફૂલ નહીં તો ફૂલની  પાંખડી’  રૂપે અરુણાચલના સુબનસરી જિલ્લામાં જે લોકો રસી મુકાવશે એમને સ્થાનિક સત્તાવાળા તરફ્થી મફતમાં  ૨૫ કિલો ચોખા મળશે. એ જ રીતે  બે સરકારી બૅન્કે એવી જાહેરાત કરી છે કે   રસી લીધી હશે એ ખાતેદાર જો અમારે ત્યાં ફિક્સ ડિપોઝિટ ઍકાઉન્ટ ધરાવતો હશે તો એને અમે વધુ વ્યાજ આપીશું તો સૌરાષ્ટ્ર્ યુનિવર્સિટીએ   એવો પ્રસ્તાવ મૂક્યો છે કે જે વિદ્યાર્થી વૅક્સિનેશન કરાવે એમને પરીક્ષામાં વધારાના પાંચ માર્ક આપવા!

# આજે તો હવે ટેલિફોન ડિરેકટરીનું બહુ મહત્ત્વ રહ્યું નથી, પરંતુ વર્ષો પહેલાં પોતાને ત્યાં ફોન હોય અને પોતાનું નામ એમાં છપાય એ પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતું. પોતાનું નામ બધાને બરાબર નજરે ચઢે એટલે શિકાગોના એક શખ્સે પોતાનું નામ સત્તાવાર બદલીને એવું રાખ્યું કે  ટેલિફોન ડિરેકટરીમાં એનું નામ સૌથી છેલ્લે આવે અને બધાનું ધ્યાન પણ ખેંચાય. એનું બદલેલું નવું નામ હતું : Zeke Zzzypt….!

  • * ઈશિતાની એલચી *
  • સંત હોય કે વિદ્વાન ,બધાના મગજમાં
  • મૂર્ખામી માટે થોડી જગ્યા તો હોય જ છે!!

Most Popular

To Top