સુપર શ્રીમંતો વધુ ટેક્સ આપે તો ગરીબી મટી શકે ખરી?

વર્ગમાં શિક્ષક હાજર હોય કે ન હોય, છતાં કેટલાક તોફાની ટપુડા એની જાત પર ગયા જ સમજો. કેટલાક તો શિક્ષકને હાજર જોઈને વધુ ભૂરાયા થાય- વધુ તોફાને ચઢે અને એક દિવસ અચાનક સમગ્ર દ્ર્શ્ય્ પલટાઈ જાય. કલાસના તોફાની ટપુડાઓ ડાહ્યા-ડમરા થઈ જાય -’નો તોફાન-મસ્તી’..નિયમિત હોમ વર્ક કરીને આવે.એટલું જ નહીં, શિક્ષકને સામેથી વધુ ને વધુ નવું શીખવાડવા કહે ત્યારે તો શિક્ષકો સુધ્ધાંને આશ્ચર્યના ચોરસ ચોરસ ચક્કર આવવા માંડે. એમને સમજાય નહીં કે આ તોફાનીઓમાં આવો હ્રદયપલટો આવ્યો ક્યાંથી ?

આવો જ સિનારિયો આજકાલ સરકાર અને શ્રીમંતો વચ્ચે સર્જાયો છે. આમ તો કોઈ પણ દેશની સરકાર હોય, એની ફરજ છે કમાણી કરતા નાગરિકો પાસેથી કર ઉઘરાવી દેશનું કામકાજ ચલાવવું- સુશાસન કરવું. બીજી તરફ, નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે કે કમાણીનું સુનિયોજન કરીને ટેકસ બચાવવો બન્ને પક્ષ આ જાણે છે છતાં બન્ને એક યા બીજી રીતે આ રમતના નિયમોનું પાલન કરવાનું ટાળે છે. સરકાર વધુ કરવેરા ઝીંકે છે અને સામે વેપારી-ઉદ્યોગપતિઓ કરચોરી કરે છે. સરકાર અને ખાસ કરીને ખમતીધર વેપારીઓની આ વર્ષો જૂની રમત છે-ટક્કર છે. હમણાં આમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. જગતનાં વિભિન્ન રાષ્ટ્રોમાં ફેલાયેલી ભૂખમરાની સમસ્યા તથા જગતના ધનકુબેરો-ગરીબો વચ્ચે વધતી જતી આવકની ખાઈના ખબર-અંતર રાખતી જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ ઑક્સફામ’ છેલ્લા આંકડા-અહેવાલ લઈને આવી છે, જે ચોંકાવનારા છે.

‘ઑકસફામ’ કહે છે કે કોવિડ મહામારીના આ છેલ્લાં બે વર્ષ દરમિયાન, વિશ્વમાં અબજોપતિની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ભારતમાં અબજોપતિની સંખ્યા વધીને ૧૪૨ થઈ છે અને એમની સંપત્તિ રૂપિયા ૨૩.૧૪ લાખ કરોડ વધી છે. ‘ઑક્સફામ’ અનુસાર, વિશ્વના ૧૦ ધનિક એવા છે , જે છેલ્લાં બે વર્ષથી રોજના ૯ હજાર કરોડ રૂપિયા કમાય છે અને એ જો રોજ આડેધડ ૭.૫ કરોડ પણ વાપરે તો પણ એમની સંપતિ આગામી ૮૪ વર્ષ સુધી ખતમ ન થાય ! બીજી તરફ , આ જ સમયગાળામાં ભારત જેવા દેશમાં ૪ કરોડ ૬૨ લાખ લોકો ભીષણ ગરીબી અને ભૂખમરામાં ધકેલાયા છે. આમ અમીરી-ગરીબી વચ્ચેની આવી આર્થિક અસમાનતા કોઈને પણ માત્ર અકળાવનારી જ નહીં પણ હચમચાવનારી છે. વિસ્મય જગાડે એવા આ બધા આંકડા – વિગતો પ્રગટ થઈ રહી છે એમાં બીજા એક સમાચારે દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે અને આર્થિક નિષ્ણાતોને પણ વિચાર કરતાં કરી મૂક્યાં છે. ખરી આવક છુપાવી પોતાના દેશમાં કરચોરી કરે અને જ્યાં ‘ટેક્સ-હેવન’ની સુવિધા હોય એવા દેશમાં પણ આવક રળવા યુક્તિ-પ્રયુક્તિ કરવા માટે મોટાભાગના ધનિકો વગોવાયેલા છે.

જો કે કેટલાક અતિ શ્રીમંતો એવા છે, જેમની ‘આવક અધધધ છે છતાં એ લાકો ઘણો ઓછો ટેક્સ ચૂકવે છે’ એવી ફરિયાદ અવારનવાર થતી રહે છે. અત્યાર સુધી આવી ફરિયાદના જવાબ કે ખુલાસા મળતા કે થતાં નહોતા પણ તાજેતરમાં ‘ઑકસફામ’ના વિચારમાં મૂકી દે એવા આર્થિક અસમાનતાના આંકડા પ્રગટ થયા પછી વિશ્વના ટોચના ૧૦૨ અબજોપતિઓએ ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WCF) ને એક પત્ર લખીને એ મતલબની અપીલ કરીને કહ્યું છે : હા,અસમાન કર-વ્યવસ્થાને લીધે અમે બીજાની સરખામણીએ વધુ ધનઉર્પાજન કરીએ છીએ માટે જો અમને વધુ ટેક્સ ચૂકવવા કહેશો તો એ અમે સ્વેછાએ આપવા તૈયાર છીએ..’ ૧૦૨ અમીરોની સામેથી વધુ કર ચૂકવવાની આવી બાંહેધરી સહેજે બધાને નવાઈ પમાડે .

જો કે આ શ્રીમંતોના આવા વધારાના ટેક્સથી શું શું થઈ શકે એની પણ હમણાં ગણતરી કરવામાં આવી છે. એક અડસટ્ટા મુજબ વધારાના કરવેરા દ્વારા ૨.૫૨ ટ્રિલિયન ડોલર (આંકડા પર ૧૨ મીંડાવાળી રકમ!) જેટલું ફંડ એકઠું થઈ જશે, જેનાથી દુનિયાની પ્રત્યેક વ્યક્તિને વૅક્સિન આપી શકાશે.એટલું જ નહી બે અબજથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢી શકાશે ઉપરાંત અસંખ્યોને ભૂખમરામાંથી ઉગારી શકાશે. નવાઈની વાત એ છે કે સ્વેચ્છાએ વધુ કર ચૂકવવાના આ પત્રમાં અમેરિકા-કેનેડા- બ્રિટન-ફ્રાન્સ-ડેનમાર્ક ઈત્યાદિ જેવા અનેક દેશોના શ્રીમંતોએ હસ્તાક્ષર કરી સહમતિ દર્શાવી છે પરંતુ નવાઈની વાત એ છે કે એમાં આપણા સૌથી અમીર મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે પછી અન્ય ધનાઢ્ય વ્યક્તિઓનાં નામ સુદ્ધાં નથી.  

હકીકતમાં તો સામેથી વધુ કરવેરા ચૂકવવાની વાત સાવ નવી નથી. ‘હા, અમારા જેવા શ્રીમંતોએ વધુ ટેક્સ ચૂકવવો જોઈએ અને સરકાર કહેશે તો અમે આવા ટેકસ આપવા તૈયાર છીએ.’ એ પ્રકારની વાત આજથી ત્રણેક વર્ષ પહેલાં વિશ્વના પ્રથમ પાંચ અમીરોમાં આવે એવા અમેરિકાના સૌથી સફ્ળ ઈનવેસ્ટર- રોકાણકાર વૉરેન બફેટ તેમ જ ‘માઈક્રોસોફટ’ના બિલ ગેટ્સે કરી હતી. બફેટ તેમ જ બિલનું કહેવું અને માનવું છે કે અમીર -ગરીબની આવક- બચત અને રોકાણ વચ્ચેની અસમાનતાને લીધે ગરીબ વધુ ગરીબ અને પૈસાવાળા વધુ ધનવાન થતાં જાય છે.

આને રોકવા માટે સરકારે અમારા જેવા ‘સુપર રીચ’ પાસેથી વધુ ટેક્સ વસૂલ કરવો જોઈએ. ખાસ કરીને અમારી એસ્ટેટ – જાગીરની ખરીદી પર.’ વૉરેન બફેટે તો પોતાની ઑફિસના એક કર્મચારીની તેમ જ પોતાની આવક તેમ જ બન્નેના ટેક્સ માળખા સરખાવીને બધાને દર્શાવ્યું કે પેલા કર્મચારી કરતાં પોતાને કેટલો ઓછો ટેક્સ ભરવો પડે છે! કોઈ પણ દેશની પ્રજાના સામાજિક-સાંસ્કૃતિક કે તબીબી-વિજ્ઞાન કે પછી કોઈ પણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પહેલી જરૂર ધનની પડે.આર્થિક રીતે સક્ષમ હો તો જ ઝડપી પ્રગતિ શક્ય છે. જયારે જેતે દેશના સત્તાધીશ આર્થિક રીતે પહોંચી ન શકે ત્યારે દાન તરીકે મળતા ધન પર વિશેષ આધાર રાખવો પડે. કોવિડ-કાળના અપવાદને બાદ કરતાં એકંદરે આપણો દેશ આર્થિક દ્રષ્ટિએ મજબૂત થતો જાય છે. અબજપતિઓની સંખ્યા વધી રહી છે છતાં એમના દ્વારા અપાતાં દાનની રકમ બીજા દેશોના શ્રીમંતોની રકમની સરખામણીએ જોઈએ તેટલી પ્રોત્સાહિત કરે તેટલી નથી.

થોડા સમય પહેલાં ભારતીય દાનવીરો વિશે થયેલાં ‘હુરુન ઈન્ડિયા’ના એક સર્વે મુજબ ૨૦૨૧-૨૨માં અંબાણી-અદાણી ગ્રુપ કમાણીમાં આગળ રહ્યું પણ દાનમાં એ બન્ને પાછળ રહ્યા. એમની સરખામણીએ તો ‘વિપ્રો’ના અઝીમ પ્રેમજી સૌથી અવ્વ્લ રહ્યા. આ દિલદાર ઉદ્યોગપતિએ રોજના સરેરાશ રૂપિયા ૨૭ કરોડનું દાન કરીને કુલ રૂપિયા ૯૭૧૩ કરોડની અધધધ રકમ પરોપકારનાં કાર્યોમાં આપી છે ! -અને છેલ્લે, અત્યારે વિશ્વના સૌથી અમીર અને અમેરિકાના ઈલેક્ટ્રિક કાર ‘ટેસ્લા’ તથા ‘સ્પેસX’ કંપનીના સર્વેસર્વા અલગારી ઉદ્યોગપતિ એલન મસ્ક આ વર્ષે ૧૧ અબજ ડોલર એટલે કે 85000 કરોડ રૂપિયાનો ટેક્સ ભરશે. અમેરિકન કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી વધુ ટેકસ ભરવાનો જેમના નામે આ રેકૉર્ડ સર્જાશે એવા આ એલન કહે છે : ‘ યેસ, મારા જેવા અલ્ટ્રા રીચ પર સરકાર હ્જુ સુપર ટેક્સ નાખશે તો એ પણ હું ભરવા તૈયાર છું, બૉસ..! ‘ આમ બધાની ઈચ્છા- ઈરાદા તો શુભ છે , પણ વોશિંગ્ટન કહો કે દિલ્હી અભી દૂર હૈ!

Most Popular

To Top