ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ(sunrizers hyderabad)ની ટીમ શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(ipl)માં આઇપીએલની સૌથી મજબૂત ગણાતી ટીમોમાંની એક એવી મુંબઇ ઇન્ડિયન્સ (mumbai indians) સામે જ્યારે મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો યોગ્ય સંયોજન ચકાસવાનો રહેશે કે જેનાથી સતત બે હાર પછી જીત મેળવીને પોઇન્ટ ટેબલ(point table)માં પોતાનું ખાતું ખોલાવી શકાય. ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઇઝર્સને લાગે છે કે અહીંની પીચ ફાવી નથી અને તેથી જ ટીમ 150 રન જેવા નીચા લક્ષ્યાંકને પણ આંબી શકી નથી.
પહેલી બે મેચમાં ટીમને જે રીતે લક્ષ્યાંકનો પીછો કરવામાં મુશ્કેલી પડી તેનાથી એવું લાગે છે કે અંતિમ ઇલેવનની બેટિંગમાં ઉંડાણની ઘટ અને મજબૂત વૈકલ્પિક ભારતીય ખેલાડીઓની ઉપલબ્ધતા ન હોવા જેવી નબળાઇઓ ખુલ્લી પડી ગઇ છે. ટીમની અંતિમ ઇલેવનની પસંદગી સામે પણ સવાલો થઇ રહ્યા છે. જોની બેયરસ્ટો અને રિદ્ધિમાન સાહાના રૂપમાં બે વિકેટકીપરને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાની સાથે સાહાને ઓપનીંગમાં ઉતારવાનો ઉદ્દેશ સફળ થયો નથી.
સૌથી મહત્વની વાત એ છે કે તેમની પાસે ડગ આઉટમાં કેદાર જાદવ જેવો અનુભવી ખેલાડી હોવાની સાથે પ્રિયમ ગર્ગ તેમજ અભિષેક શર્માના રૂપમાં બે પ્રતિભાશાળી યુવા ખેલાડી હોવા છતાં તેમના કરતાં સાહાને વધુ તક આપવામાં આવી રહી છે. કેદાર અને અભિષેકની સાથે ટીમ ઉતરે તો તેમને સ્પિન બોલિંગમાં પણ બે વિકલ્પ મળી શકે છે.
રોહિત શર્મા, ક્વિન્ટોન ડિ કોક, સૂર્ય કુમાર યાદવ, ઇશાન કિશન જેવા મુંબઇ ઇન્ડિયન્સના ટોપ ઓર્ડરને ધ્યાને લેતા ભુવનેશ્વર અને ટી નટરાજન સિવાય કોઇ અન્યને મેદાનમાં ઉતારવાનું વિચારી શકાય તેમ નથી, કારણકે આ ટોપ ઓર્ડર સામે સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કૌલ જેવા વૈકલ્પિક ઝડપી બોલર એટલા પ્રભાવક જણાતા નથી.