સની દેઓલ તેના મોટા દિકરા કરણ દેઓલને ટ્રાય કરી જોયો પણ તે નિષ્ફળ ગયો. હવે તે બીજા દિકરા રાજવીરને અજમાવશે. સનીએ હીરો તરીકે પૂનમ ઢીલ્લોન સાથે કામ કર્યું છે અને એ પૂનમની દિકરી પાલોમા હવે ફિલ્મોમાં હીરોઈન બનવા જેટલી મોટી થઈ ચૂકી છે. તો રાજવીર-પાલોમા હવે જોડી તરીકે સાથે ચમકશે પણ આ વખતે નિર્માતા કે દિગ્દર્શક સની દેઓલ નથી બલ્કે રાજશ્રી પ્રોડક્શન આ બંનેને તક આપશે. દિગ્દર્શક અને અન્ય કલાકારો હજુ નક્કી થવા બાકી છે.
આમીરખાન હવે સ્પેનીશ ફિલ્મની રિમેકમાં ?
આમીરખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ હવે રજૂ થવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે તે હવે નવી ફિલ્મ માટે તૈયાર થયો છે. તેની પાસે ઘણી ઓફર છે પણ કોના માટે તૈયાર થાય તે ખબર નથી. સંભળાય રહ્યું છે કે તે સ્પેનીસ ફિલ્મ ‘કંપનિયન્સ’ની રિમેક માટે વિચારી રહ્યો છે અને તેનું દિગ્દર્શન ‘શુભ મંગલ સાવધાન’ના દિગ્દર્શક R.S.પ્રસન્નાને સોંપાય એવું ધારવામાં આવે છે. આમીર જોકે હજુ સ્પષ્ટ નથી અને ફરી કોઈ રિમેક માટે તૈયાર થાય કે નહીં તે ખબર નથી પણ હવે તે નવી ફિલ્મ સ્વીકારવા તૈયાર જરૂર છે.
ઋતિક – દિપીકાની ‘ફાઈટર’નું શૂટિંગ જૂનથી શરૂ
ઋતિક રોશન અને દિપીકા પાદુકોણની જોડી આ જૂનથી તેમની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. સિધ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘ફાઈટર’માં તેઓ જોડી તરીકે આવશે. ગયા વર્ષે ઋતિકના જન્મદિવસે આ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ હતી. 26 જાન્યુઆરી, 2023માં રજૂ થનારી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પછી ફિનીશ થાય ત્યાં સુધી એક પછી બીજા શિડયુલમાં સાતત્યથી આગળ વધશે.
રણબીરને કપૂર ‘આનંદ’ મળશે ?
રાજેશ ખન્ના – અમિતાભ બચ્ચન અભિનિત ‘આનંદ’ ફિલ્મ લોકો ભુલ્યા નથી. ઋષિકેશ મુખર્જીનું દિગ્દર્શન, ગુલઝારના સંવાદ, યોગેશ-ગુલઝારના ગીતો અને સલીલ ચૌધરીનું સંગીત અવિસ્મરણીય હતું. એ ફિલ્મના નિર્માતા એન.સિપ્પી હતા અને હવે તેમનો પુત્ર સમીર રાજ સિપ્પી ‘આનંદ’ની રિમેક બનાવવા તૈયાર થયો છે. રાજેશખન્ના-અમિતાભ જેવું અત્યારે છે કોઈ ? શું એ પ્રકારની પટકથા શક્ય છે ? સમીર સિપ્પીએ હજુ કોઈ વાતનો ફોડ નથી પાડયો. ‘આનંદ’ની રિમેક અત્યારે તો અશકય લાગે છે પણ નિર્માતાને કોણ રોકી શકે? એમ કહેવાય છે કે રણબીર કપૂરને રાજેશખન્ના વાળી ભૂમિકા સોંપાશે. કાંઈ નક્કી નથી.