સની લિઓન અત્યારે અભિષેક કપૂરની ‘ઓહ માય ઘોસ્ટ’ (OMG) સાથે નવી કારકિર્દીની તૈયારી કરી રહી છે. ‘રોક ઓન’, ‘કાઇપો છે’, ‘કેદારનાથ’, ‘ચંડીગઢ કરે આશિકી’ જેવી ફિલ્મોના દિગ્દર્શકની ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકા કરી રહી છે. આ ફિલ્મમાં એક એકલી સ્ત્રી તેની 2 મિત્રો સાથે નાના ગામમાં પહોંચે છે અને ત્યાં તેઓ એક ખરેખરા ભૂત સાથે કનેકશન હોવાનું શોધી કાઢે છે અને પોતાના દાદાની રહસ્યમય લિગસીની તેમને જાણ થાય છે. સની મુખ્ય ભૂમિકામાં છે અને આ નહીં બીજી કેટલીક ફિલ્મોમાં પણ તે મુખ્ય અભિનેત્રી છે.
હા, તેમાંની બધી ફિલ્મો હિન્દી નથી પણ તેને આનંદ એ વાતનો છે કે તેને મુખ્ય હીરોઇન તરીકે ફિલ્મો મળી રહી છે. આમાં ‘કોકાકોલા’, ‘હેલન’, ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ સિવાયની ફિલ્મો તેલુગુ, મલયાલમ, કન્નડ ભાષાની છે. સની એક સમયે પોર્ન સ્ટાર હતી અને તે કારણે જ આજે પણ આખા ભારતમાં તેની એક ઓળખ છે. બસ, તેનો જ લાભ તેને મળી રહ્યો છે. તેને હતું કે પોર્ન સ્ટાર હોવાથી ફિલ્મો નહીં મળશે અથવા મળશે તો મુખ્ય અભિનેત્રી તરીકે નહીં મળશે, પણ ધીમે ધીમે તે તેના ટાર્ગેટ તરફ આગળ વધી રહી છે. તેનું કારણ એ જ છે કે તે એક સમજદાર વ્યકિત તરીકે વર્તન કરે છે. તેનામાં ખોટી અછકલાઇ નથી. મલ્લિકા શેરાવત માર ખાઇ ગઇ, પણ સની દરેક ફિલ્મે આગળ વધી રહી છે.
હા, તેને એ ચિંતા જરૂર છે કે તેના સંતાનો તેને ભૂતકાળની ઇમેજ આધારે ન ઓળખે. તે અત્યારે 3 બાળકોની મા છે. સની લિયોનની પોર્નોગ્રાફિક ફિલ્મોની સંખ્યા પણ ઘણી મોટી છે, જે હજુ પણ જોવાયા કરે છે. આ ફિલ્મોને તે ભુંસી શકે તેમ નથી પણ તે એવી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરે છે, જે તેની નવી ઇમેજને બહાર લાવે. તેની ચારેક વેબ સિરીઝ પછી હમણાં ‘અનામિકા’ આવી હતી.
સની સતત કામ કરવામાં માને છે. એટલે મ્યુઝિક વિડીયોમાં પણ કામ કરે છે ને TV પર હોસ્ટ તરીકે પણ દેખાયા કરે છે. બાકી, અત્યારે તે કુલ 9 ફિલ્મોમાં વ્યસ્ત છે. આમાંની 2 જ ફિલ્મોમાં તે ગીત પૂરતી મહેમાન છે. સની એકટ્રેસ તરીકે પોતાનું સ્ટેટસ બનાવવા માંગે છે અને એટલે અન્ય ભાષાની ફિલ્મોમાંય કામ કરે છે. શરત એ જ કે તેમાં તે મુખ્ય અભિનેત્રી હોવી જોઇએ. ‘જિસ્મ – 2’થી શરૂ થયેલી કારિકર્દીમાં તે ‘જિસ્મ’ને કેન્દ્રમાં રાખી આગળ નથી વધી. કારણ વિના બોલ્ડ દૃશ્યો માટેય તૈયાર થતી નથી. સની મૂળ તો પંજાબણ છે એટલે જ પાછી પડે તેમ નથી. 41 વર્ષની થઇ છે, પણ તેણે બોડી અને બ્યુટી સાચવી છે. •