Entertainment

‘સની’ ડેઝ આર હ્યર અગેન!

બોક્સ ઓફિસ પર જેના દમ પર ફિલ્મો ચાલી શકે તેવા બધા જ સ્ટાર્સ અત્યારે 60 વર્ષ પર પહોંચેલા છે. હકીકતે તો ફિલ્મોદ્યોગ માટે આ ટ્રેજેડી કહેવાય. તેઓ કેમ નવા પેદા ન કરી શક્યા? જે સ્ટાસનો દમ છે તે 60નાં છે અને તમે જુઓ કે એ બધાએ એક્શન ફિલ્મોમાં જ કામ કરવું પડે છે. આ પણ ટ્રેજેડી જ છે પરંતુ તેનો ઉપાય ન મળે ત્યાં સુધી તો જે છે એ પ્રકારની ફિલ્મો અને સ્ટાર્સ જ સફળ થાય તેવી પ્રાર્થના ફિલ્મ જગતવાળા કરી રહ્યા છે. આ અઠવાડિયાની પ્રાર્થના સની દેઓલ માટે છે જે 60 નહીં 67 વર્ષનો બુઝુર્ગ છે. અલબત્ત, એ વાતની દાદ દેવી જોઇએ કે 67માં વર્ષે પણ તે પ્રેક્ષકોનો હીરો છે અને તેના નામે આખી ફિલ્મ ચલાવી શકો છો. સનીએ સ્ટાર તરીકે ટકી રહેવા સલમાન, શાહરૂખ જેવા કોઇ નુસખા નથી કર્યા. ફિલ્મો રજૂ થવાની હોય ત્યારે પણ તે વધુ પડતો પ્રચાર નથી કરતો કે પછી ઇદ, દિવાળી, ક્રિસમસે પોતાની ફિલ્મ રજૂ થાય તેવા આયોજન નથી કરતો. તે આજે પણ રિયલ સ્ટાર છે. સનીની ટીકા અને પ્રશંસા એક સાથે થઇ શકે છે. ટીકા વધેલી ઉંમરને કારણે છે ને પ્રશંસા થિયેટરમાં ભીડ કરી શકવાની ક્ષમતાને કારણે છે. સની જ શું તેનો ભાઈ બોબી પણ ઉંમરના ઉત્તરાર્ધમાં છે અને અત્યારે ફુલ ડિમાંડમાં છે. સનીની અત્યારની ઇમેજ ‘ગદર’થી બનેલી છે એટલે કે નવો રાષ્ટ્રવાદ જેમાં પાકિસ્તાન સામેની ધૃણા અપેક્ષિત છે, તેને તેણે પડદા પર રજૂ કર્યો છે. ‘જાટ’ ફિલ્મમાં એવું છે કે નહીં તે ખબર નથી પણ ભરપૂર હિસાં છે અને આ વખતે તેણે હેન્ડપંપ નથી ઉખાડ્યો. પંખો ઉપાડ્યો છે. લાગે છે સની નવા શસ્ત્રોનાં શોધક તરીકે ફેમસ થઇ જશે. જે હાથે તે હથિયાર. ઢાઈકિલો કા હાથ પણ હથિયાર જ હતો. સનીની 2024માં એક પણ ફિલ્મ રજૂ ન થઇ હતી છતાં ‘ગદર-2’ની ચર્ચામાં તે રહ્યો હતો અને અત્યારે ‘જાટ’થી ચર્ચામાં છે. આ ફિલ્મ વડે સાઉથનો જ ગોપીચંદ માલીનેની નામનો દિગ્દર્શક હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહ્યો છે. સની હોય એટલે નવા વિલનની શોધ કરવી પડે અને આમાં રણદીપ હુડા વિલન તરીકે સનીની ટક્કરમાં છે. સનીને ફિલ્મમાં લો એટલે હીરોઇનો પાછળ પણ નિર્માતાએ બહુ પૈસા ખર્ચવા નથી પડતા અને સંગીત માટે ય ઓછા ખર્ચે ચાલી જાય છે. સની પર અનેક નિર્માતા એટલે જ દાવ લગાડે છે. અત્યારે શાહરૂખ, સલમાન, રિતિક વગેરે પાસે એકાદ-બે ફિલ્મ છે જ્યારે સની પાસે 10-12 ફિલ્મો છે. ‘અપને-2’ વડે તે કુટુંબની ફિલ્મને આગળ વધારી રહ્યો છે તો બોર્ડર-2માં જે.પી. દત્તાની ‘બોર્ડર’ જેટલા સ્ટાર્સ નથી, સંગીત નથી તો દિગ્દર્શક અનુરાગ સિંઘને ભરોસો છે કે સની છે તો ફિલ્મને વિશ્વસનીય રીતે આગળ વધારી શકાય છે. સનીને હનુમાન તરીકે જોવો પણ રસપ્રદ બનશે કારણ કે વર્ષો સુધી તો દારાસિંઘનો જ ટ્રેડમાર્ક હતો. રણબીર રામ હોય અને તેનાથી ઘણો મોટો સની હનુમાન હોય તે પણ ઇન્ટ્રેસ્ટીંગ તો કહેવાશે.
સનીની આ બધી ફિલ્મો જૂદી રીતે પ્રેક્ષકોને બાંધી રાખે તેવી છે. ‘બાપ’ નામની ફિલ્મમાં તે સંજય, જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી વગેરે સાથે આવે છે. દરેક ફિલ્મો જોવાનું કારણ બને એવી છે. તેની પાસેની ‘સૂર્યા’માં તે નિવૃત્ત પોલીસ અધિકારી બની ભૂતપૂર્વ પત્નીનાં અચાનક મૃત્યુની તપાસ કરે છે. સની પાસે હજુ પણ લોકોને રસ પડે તેવા વિષયોવાળી ફિલ્મો છે અને ‘જન્મભૂમિ’ તો અયોધ્યાના રામંદિરનાં કોર્ટકેસ આધારિત છે. આમીરની ‘લાહોર 1947’માં ફિલ્મનો દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ જ ‘ફત્તેહસિંઘ’માં સનીને ફતેહસિંઘ બનાવ્યો છે. સનીને સારા દિગ્દર્શકો પસંદ કરે છે કારણ કે, તે બોક્સઓફિસની ગેરંટી પણ આપે છે અને ફિલ્મને ઓથેન્ટિક બનાવે છે. સનીની ટીકા કરો કે પ્રશંસા અત્યારે તે બોક્સ ઓફિસ સેન્સેશન છે. તો ગાય શકે છે. ‘મેં જટ યમલા પગલા દીવાના….’ •

Most Popular

To Top