સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ૧૯મી માર્ચે ભારતીય સમય અનુસાર સવારે ૦૩:૨૮ વાગ્યે ફ્લોરિડાના તટ પર ઉતર્યા. બંને જણા મૂળ અવકાશયાનમાં પ્રોપલ્શન સમસ્યાઓના કારણે સ્પેસ સ્ટેશનમાં ફસાઇ જવાને કારણે પૃથ્વી પર પાછા ફરી શક્યા નહોતા. તેઓ તો માત્ર ૧૦ જ દિવસમાં પાછા આવી જવાના હતા, પણ ટેક્નીકલ ફોલ્ટને કારણે તેઓ પાછા આવી શક્યા નહોતા. એક સમયે તો તેઓના પાછા ફરવાની આશા જ રહી નહોતી. સુનિતાએ ૭ વાર સ્પેસવોક કરી છે. સુનિતા નાસા તરફથી સ્પેસમાં કુલ ૬૦૬ દિવસ વિતાવનારી વિશ્વની બીજા નંબરની મહિલા છે.
પેગે વ્હિટસન ૬૭૫ દિવસ સાથે પ્રથમ ક્રમે છે. સુનિતા વિલિયમ્સનો જન્મ યુક્લિડ ઓહાયોમાં થયો હતો. તેમનાં પિતા ડૉ. દીપક પંડ્યા મહેસાણા જિલ્લાના જુલાસન ગામના વતની હતા. સુનિતાની માતા ઉર્સુલિન સ્લોવેનિયાના હતા. તેના પતિ માઇકલ વિલિયમ્સ અમેરિકાના મરીન કોર્પ્સના નિવૃત્ત સ્ટાર જનરલ હતા. અવકાશમાં સુનિતા અને વિલ્મોર ખોરાકમાં પીઝા, રોસ્ટેડ ચીકન, શ્રીમ્પ કોકટેઇલ્સ, બાફેલુ અનાજ, મીલ્ક પાવડર, અને માછલી ખાતા હતા. તેમની પાસે ૫૩૦ ગેલન પાણી હતું. તેથી બંને જણા પોતાનો પરસેવો અને યુરિન રિસાઇકલ કરીને પીતા હતા. સુનિતા એ સ્ત્રી શક્તિનું તાદૃશ દૃષ્ટાંત છે. તેથી વિશ્વની બધી જ સ્ત્રીઓએ (અને વિશેષત: ભારતીય નારીઓએ) ગૌરવની લાગણી અનુભવવી જોઇએ! આ પવિત્ર પૃથ્વી પર આપનું સ્વાગત છે!
સુરત- ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઈશ્વર-અલ્લાહ તેરો નામ
RAMZAN- તહેવારનો અંગ્રેજી અક્ષર આપણે હિન્દુ ધર્મના RAMની યાદ અપાવે છે. DIWALI- તહેવારના આ અંગ્રેજી અક્ષર આપણો સૌને મુસ્લિમ ધર્મના ALI અર્થાત્ અલ્લાહની યાદ અપાવે છે. ઈશ્વર અલ્લાહ તેરો નામની મહિમા અપરંપાર છે. યાદ કરતા રહો. ભારતમાતાના આ સંતાનોની સંસ્કૃતિ, સંસ્કાર એની પરંપરા સદીઓ પુરાણી છે. હિન્દુ મુસ્લિમ સમાજની ભાઈચારાની શુભ ભાવના આજદિન સુધી સલામત છે.
અકબંધ રહી છે. હાલ મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ મહાપર્વમાં હિન્દુભાઈઓની સાથે હાથ મિલાવી, ગળે લગાડી, મુખ મીઠું કરાવે છે. પ્રેમથી બધુ ભુલીને એકબીજાનો આદર કરે છે. એજ રીતે હિન્દુ ભાઈઓ પણ આવી રસમ દિવાળીમાં નવા વર્ષે નિભાવી જાણે છે. એ સાથે પ્રેમથી શુભ ભાવના શુભકામના વ્યક્ત કરે છે. આપણા ભારત દેશની તાસીર છે ગંગાજમની તસવીર છે. ઈન્સાનિયતથી બીજો કોઈ મોટો ધર્મ નથી. ઈન્સાનિયત સૌથી મહાન ધર્મ છે. ઈન્સાન બનો. મુસ્લિમ ધર્મના બિરાદરોને આવનારી પવિત્ર રમઝાન માસની ઈદની મુબારક, ખુશ રહો, આબાદ રહો.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
