Entertainment

સુનીલ દત્ત અને સંઘર્ષ…જાણે એકબીજાના પર્યાય બની ગયા હતા

ગૂગલમાં સુનીલદત્ત (Sunil Dutt) સર્ચ કરશો તો તેની ઓળખ લોકસભા સાંસદ તરીકે અંકિત થયેલી છે. આ ખોટું છે. તેઓ ફિલ્મ અભિનેતા, નિર્માતા અને નરગીસજીના પતિ, સંજય દત્તના પિતા હતા એ જ ઓળખ સાચી છે. રાજકારણ તેમણે પૂરી સભાનતા (Actor) અને પ્રતિબધ્ધતા સાથે કર્યું પણ તે તો તેમના ઉત્તરાર્ધ સમય સાથે જોડાયેલું છે. હા, તેમની એ ક્ષમતા તરીકે મનમોહનસીંઘે તેમને કેન્દ્રિયમંત્રી પણ બનાવ્યા હતા. મૂળ તેઓ કોંગ્રેસી હતા અને કોંગ્રેસ સાથેનો સંબંધ દેશના ભાગલા વખતે પાકિસ્તાનમાં રહી ગયેલું નક્કાખુર્દ વતન છોડીને ભારતમાં હિજરતી તરીકે આવી ગયા ત્યારનો હતો. આઝાદી પહેલાના અવિભાજીત ભારતના પંજાબીઓમાં મુસ્લિમધેષ પ્રબળ ન હતો કારણ કે એક સહિયારી જિંદગી જીવ્યા હતા.  સુનીલદત્ત નરગીસને (Nargis) પરણી શક્યા તે પણ એ કારણે જ. જો કે નરગીસ  પણ એવા હિન્દુ-મુસ્લિમ ભેદમાં માનતા ન હતા. તેમના પ્રથમ પ્રેમી  રાજકપૂરનું વતન પણ મૂળ તો અવિભાજીત ભારત (પછી પાકિસ્તાન)માં જ  હતું. તે પણ પંજાબી જ હતા.

સુનીલ દત્તે જીવનના આરંભથી જ ખૂબ સંઘર્ષ જોયો હતો. પાંચ વર્ષના  હતા ત્યારે જ પિતા ગુમાવેલા. 18માં વર્ષે દેશના ભાગલાએ છિન્નભિન્ન કર્યા ને ભારત આવી યમુના નદીકિનારાનાં મંડોલી ગામે મુકામ થયો. ત્યાંથી લખનૌ ગયા પણ એ દરમ્યાન તેઓ ભણતા રહ્યા મુંબઈ આવી જયહિંદ કોલેજમાં અંડરગ્રેજ્યુએટ તરીકે જોડાયા ને ‘બેસ્ટ’માં નોકરી કરી. તેમની કારકિર્દી ત્યારે બદલાવી શરૂ થઈ જ્યારે રેડિયોમાં નોકરી મળી. ઉર્દૂ તેમને સહજ હતી એટલે આ જોબ મળેલો. 1955માં ‘રેલવે પ્લેટફોર્મ’  ફિલ્મથી તેમની અભિનેતા તરીકે કારકિર્દી શરૂ થઈ.

તે વખતે સુનીલને  રેડિયો, સિલોન પર લિપ્ટન કી મહેફીલ’ નામનો કાર્યક્રમ કરતા હતા અને  રમેશ સંગલે તેમને સાંભળ્યા. ‘શિકસ્ત’ ફિલ્મ વેળા દિલીપકુમાર વિશે કાર્યક્રમ કરવા સુનીલદત્ત સેટ પર આવેલા. એ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રમેશ સેગલ હતા. રમેશજીએ જ બલરાજ દત્તને સુનીલદત્ત નામ આપેલું  કારણ કે ત્યારે બલરાજ સાહની પણ જાણીતા હતા.‘મધર ઈન્ડિયા’ ફિલ્મ  મુખ્ય ત્રણ પાત્રોના અભિનયને કારણે જ જાણીતી બની-નરગીસ દત્ત,  કનૈયાલાલ, સનીલ દત્ત. સુનીલદત્ત કોઈ ગ્રેટ અભિનેતા નહોતા પણ ઝૂઝારુ  અભિનેતા જરૂર હતા અને સાહસપૂર્વક લઈ શકતા. જે કરવું નક્કી કરે તેમાં  પાછળ નહીં પડતા.

તેમની પંજાબીયત તેમની ચાલમાં પણ વર્તાતી. ‘મધર  ઈન્ડિયા’ના સુનીલદત્ત ‘મિલન’ના પ્રેમી તરીકે પણ લોકચાહના પામ્યા અને  ‘મુઝે જીને દો’ના સંવેદનશીલ ડાકુનું જ રૂપ વિસ્તરતીને રેશ્મા ઔર  શેરા’નાં શેરારૂપે જોવા મળે છે. બી.આર.ચોપરાના તેઓ ફેવરીટ રહ્યા. 1956માં તેમની ‘એક હી રાસ્તા’માં સુનીલ દત્ત આવ્યા પછી  ‘સાધના’,‘ગુમરાહ’,‘વક્ત’, ‘હમરાઝ’ જેવી ફિલ્મોમાં સુનીલદત્ત છે. બિમલ રોય જેવા દિગ્દર્શકે ‘સુજાતા’માં નૂતન સામે તેમને અધીરની  યાદગાર ભૂમિકા આપેલી. સુનીલદત્તની નરગીસ સાથે ક્યારેય જોડી ન બની. નરગીસની જોડી રાજકુમાર, દિલીપકુમાર સાથે જ યાદગાર રહી છે. સુનીલદત્ત-નૂતનની જોડી ખાસ કહી શકાય. તેઓ ‘ખાનદાન’માં પણ પ્રેક્ષકોને ગમેલા.

સુનીલદત્ત ટાઇપકાસ્ટ થવાથી બચ્યા તે સહુથી મોટી વાત છે એટલે જ ‘પડોશન’માં પોતાની ઈમેજથી સાવ વિરુધ્ધની ભૂમિકા ભજવી હતી. ‘વક્ત’ તેમની મહત્વની ફિલ્મ પણ રાજકુમાર, બલરાજ સાહની, રહેમાન સામે તેઓ પૂરક જ લાગ્યા હતા. આ સુનીલ દત્તની 1970 પછીની  ફિલ્મોનો ભાગ બની ગયા હતા પરંતુ ‘મુઝે જીને દો’ પછી 1971માં જ  તેમણે ‘રેશમા ઔર શેરા’ બનાવી. ‘મુઝે જીને દો’ પહેલાં 1963માં તેઓ  ‘યે રાસ્તે હે પ્યારકે’ બનાવી ચુક્યા હતા પણ ‘રેશમા ઔર શેરા’ પછીની  ત્રણે ફિલ્મો કોઈ ખાસ ન હતી. એવું લાગે છે કે નરગીસના પ્રભાવે તેઓ  સારા વિષયો પર ફિલ્મો બનાવવાનું સાહસ કરી શકેલા. હા, ‘રોકી’ વડે  તેઓ દિકરા સંજયદત્તને હીરો તરીકે રજૂ કરી શક્યા ને પછીના વર્ષોમાં  ફિલ્મોના બદલે સમાજસેવાના અભિગમ સાથે રાજકારણ તરફ વળ્યા.

સુનીલદત્તના જીવનમાં નરગીસનું આવવું એક મોટા વળાંક સમું હતું. રાજકપૂર સાથે નરગીસનો પ્રેમ જગજાણીતો હતો. સુનીલદત્ત નરગીસને પરણે તો સુનીલદત્તના હીરો અને વ્યક્તિ તરીકેના ઈગોને પણ ઘા થાય તેમ હતો, પણ નરગીસ સાથે તેમણે એવી રીતે લગ્નજીવન જીવ્યું કે જેનાથી પછી નરગીસના વ્યક્તિત્વની પણ નવી ઈમેજ ઊભી થઈ. રાજકપૂરે ‘સંગમ’માં નરગીસ-રાજકપૂર-સુનીલદત્ત વચ્ચેનો સંઘર્ષ બહુ જૂદી રીતે દર્શાવ્યો છે. પરંતુ હજુ આ ત્રણનું જીવન બીજી ફિલ્મો માટે કથાસામગ્રી  બની શકે તેમ છે સંજય દત્તે પિતા સુનીલદત્તના જીવનમાં કેવા પ્રશ્નો ઊભા  કર્યા તેની ય જૂદી કહાણી છે. ‘સંજુ’માં તે આવી શકી નથી. અપરાધીપુત્રને છોડાવવા સુનીલદત્તે દેખાવો કરવા પડેલા તેમાં માત્ર ને માત્ર પિતા હતા. 

‘મધર ઈન્ડિયા’માં અપરાધપુત્રને મા મારી નાંખે છે એવું પિતા-પુત્ર વચ્ચેનું  દૃશ્ય એ વખતે ફરી શક્ય હતું. ખેર, જેમ ગાંધીજીની જિંદગીમાં હરિલાલ  છે તેમ સુનીલદત્ત માટે સંજયદત્ત છે. અલબત, સંજય દત્તે પોતાની સાથે લડેલી લડાઈ વળી એક જૂદી કહાણી છે. 1947એ ઊભી કરેલી સરહદની પેલી પારથી આવેલા સુનીલદત્ત એક ન ભુલી શકાય તેવું વ્યક્તિત્વ છે. ભારત આવ્યા ત્યારે હિજરતી તરીકેનો સંઘર્ષ પછી અભિનેતા બનવાનો  સંઘર્ષ નરગીસના પતિ તરીકેનો ને પછી સંજયદત્તના પિતા તરીકેનો સંઘર્ષ. એ બધા વચ્ચે તેઓ એક સફળ જિંદગીય જીવ્યા. સુનીલદત્તને નમન!

Most Popular

To Top