કોલકાતા(Culcutta) : ભારતના સ્ટાર ફૂટબોલર (Football) સુનિલ છૈત્રીના (Sunil Chetri ) અપમાનનો વીડિયો (Video) સામે આવ્યો છે. કોલકત્તાના એક રાજકારણી દ્વારા સન્માનીય ફૂટબોલર સુનિલ છૈત્રીનું સ્ટેજ પર અપમાન કર્યાનો વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ સુનિલ છૈત્રીના ચાહકો ગુસ્સે ભરાયા છે. ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ વીડિયો જોઈને પોતાની લાગણીઓને વ્યક્ત કરતા અપમાનજનક એવા શબ્દોનો ઉચ્ચાર કર્યો છે.
ખરેખર ઘટના એવી છે કે રવિવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ડ્યુરાન્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં બેંગલુરુ એફસીનો વિજય થયો હતો. બેંગલુરુ એફસીએ મુંબઈ સિટી એફસીને 2-1થી હરાવી હતી અને પહેલી વાર ડ્યુરાન્ડ કપ ટાઈટલ જીત્યો હતો. જોકે, આ મેચ બાદ એવોર્ડ સેરેમનીમાં જે બન્યુ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મેચ કરતાં વધુ ચર્ચા એક વીડિયો દ્વારા કરવામાં આવી હતી જે મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીનો છે.
મેચ બાદ જ્યારે ટ્રોફી આપવામાં આવી રહી હતી ત્યારે બેંગલુરુ એફસીના કેપ્ટન સુનીલ છેત્રી સ્ટેજ પર હાજર હતા. અહીં ફોટો સેશન થયું હતું તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર બન્યું એવું હતું કે, અહીં વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી રહી હતી. ટ્રોફી આપનારમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એલ.ગણેશન પણ સામેલ હતા. જ્યારે ટ્રોફી આપવામાં આવી ત્યારે સુનિલ છૈત્રી ટ્રોફી પકડી ઉભા હતા ત્યારે તેમની બાજુમાં એલ.ગણેશન પણ ઉભા હતા. પરંતુ સુનિલ છૈત્રી આગળ હોવાના લીધે ગણેશન કેમેરામાં આવી રહ્યાં નહોતા. તેથી એલ. ગણેશને સુનિલ છૈત્રીને ખભાથી પકડી સાઈડ પર ખસેડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પર ફેન્સ ગુસ્સે થઈ ગયા છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકોએ રાજ્યપાલની ટીકા કરી છે. રાજ્યપાલે ફોટો પડાવવાની લાલચમાં મહાન ખેલાડી સાથે ગેરવર્તણૂંક કરી હોવાની, આ રીતે મહાન ખેલાડીઓ સાથે વર્તન નહીં કરાય તે મુજબની કોમેન્ટ ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ ઘણી સેલિબ્રિટીઓએ પણ તેના પર કોમેન્ટ કરી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ લખ્યું કે આ શરમજનક છે.