સુરત: શહેરમાં વેક્સિનેશન (Vaccination) માટે લોકોને હવે રીતસર વલખાં મારવા પડી રહ્યા છે. ખાસ કરીને જેઓને વેક્સિનનો પ્રથમ ડોઝ (First dose) લીધા બાદ 84 દિવસ થઈ ગયા છે તેઓને બીજો ડોઝ (Second dose) લેવા માટે પડાપડી કરવી પડી રહી છે. અને પ્રથમ ડોઝ લેનારાઓને પણ તકલીફ તો પડી જ રહી છે. જેથી હવે આ રવિવારે (Sunday) મનપા દ્વારા જેઓને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ માટે ખાસ આયોજન કરાયું છે. જેઓને વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાને અઢી મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે તેમજ કો-વેક્સિન (Covaxine) લેનારાઓને પ્રથમ ડોઝ લીધાને એક મહિનાનો સમય થઈ ચુક્યો છે અને બીજો ડોઝ લેવા માટે પડાપડી કરી રહ્યા છે તેવા લોકો માટે આ રવિવારે ખાસ વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આવતીકાલે એટલે કે, શુક્રવારે અંદાજીત 20,000 લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં કુલ 115 સેન્ટરો પરથી વેક્સિન આપવામાં આવશે. જે પૈકી 8 સેન્ટરો સગર્ભા સ્ત્રીઓ માટે અલાયદા રાખવામાં આવ્યા છે. આ તમામ સેન્ટરોની યાદી મનપાની વેબસાઈટ પર મુકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 23,525 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 12761 લોકોને પ્રથમ ડોઝ અને 10764 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ શહેરમાં બીજી લહેર આવી ત્યારે સાઉથ આફ્રિકન અને યુકેના સ્ટ્રેનના 2 જ કેસ હતા અને તેઓના નજીકના સંપર્કમાં આવેલા તમામના સેમ્પલો પુણેની લેબમાં મોકલાયા હતા અને તેના રિઝલ્ટ આવતા પણ એક મહિનાનો સમય લાગ્યો હતો. જેથી હવે વાયરસના આ મ્યુટન્ટને જલદીથી ઓળખી શકાય તે માટે સુરતમાં જ જીનોમ સિકવન્સિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેથી હવે તાકીદે રીપોર્ટ મળશે. હાલમાં શહેરમાં મનપા દ્વારા પ્રતિદિન 8 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં માત્ર સાત-આઠ જ પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા છે અને આ પોઝિટિવ આવતા તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે પણ મોકલાઈ રહ્યા છે.
સ્કૂલોમાં સતત બીજા દિવસે 3500 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ, એક પણ કેસ નહીં મળ્યો
શહેરમાં ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ થઇ ચૂકી હોય સાવચેતીના ભાગ રૂપે મનપા દ્વારા તમામ સ્કુલોમાં ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે એક પણ કોરોના પોઝિટિવ વિદ્યાર્થી મળ્યો નહોતો. બીજા દિવસે પણ 57 સ્કુલોના 3495 વિદ્યાર્થીઓ્નું ટેસ્ટિંગ કરાયું હતું પરંતુ એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.