Columns

સુંદર ત્વચા માટે કેવો આહાર લેશો?

આપણી ત્વચા એ આપણા સ્વાસ્થ્યનો ‘રિપોર્ટ કાર્ડ’ છે. આપણા સ્વાસ્થ્યની દરેક વિગત આપણી ત્વચા પરથી ખબર પડી જાય છે. ડૉકટરો પણ આપણો ચહેરો જોઈને કહી નથી દેતા કે વિટામિનની, આયર્નની, કેલ્શિયમની ખામી લાગે છે! આપણાં સગાંવહાલાંઓ પણ ચહેરો જોતાં જ કહી દે છે ને કે “આજે તબિયત ઠીક લાગતી નથી.” ચહેરાની ફીકાશ, લાલાશ, પીળાશ, કાળાશ – દરેક રંગ સ્વાસ્થ્યની કોઈ ને કોઈ ખામી અને ખૂબીને ચિત્રિત કરે છે એટલે જો ત્વચા સ્વસ્થ રાખવી હોય તો સ્વાસ્થ્ય સરસ રાખવું પડે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવો જરૂરી બને.

તો આવો આજના આ લેખ દ્વારા જાણીએ કે સ્વસ્થ ત્વચા મેળવવા કેવો ખોરાક ખાશું? નીચે મુજબના ખાદ્યપદાર્થો ત્વચાને સુંદર, સ્વસ્થ અને યુવાન દેખાવામાં મદદ કરી શકે.
ગાજર
બીટા કેરોટિનથી ભરપૂર ગાજર વિટામિન A ને એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વોનો ખજાનો છે. આ એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો શરીરમાંની અશુદ્ધિઓનો નિકાલ કરી લોહીને શુદ્ધ કરે છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ ત્વચા તરફ થતાં ત્વચા સુંદર અને લવચિક બને છે. આથી, રોજિંદા આહારમાં સલાડ તરીકે અથવા જ્યુસ તરીકે કાચા ગાજરનો ઉપયોગ કરવો હિતાવહ છે.

બેરીઝ
સ્ટ્રોબેરી, ફાલસા, શેતૂર, બ્લેકબેરી, ક્રેનબેરી જેવાં ખટ્ટમીઠાં ફળો કિડનીને સાફ રાખે છે. જેના પરિણામે શુદ્ધ લોહીનું પરિભ્રમણ ત્વચા તરફ થાય છે અને ત્વચા તેજસ્વી બને છે. વળી, બેરીઝમાં રહેલા ફ્લોરોસન્ટ તત્ત્વો સૂર્યપ્રકાશના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. સિઝન પ્રમાણે ઓછામાં ઓછી એક મુઠ્ઠી બેરિઝ દિવસ દરમિયાન લઈ શકાય.
લો ફેટ દૂધ ઉત્પાદનો
ખૂબ વધુ ચરબી ધરાવતાં દૂધના પનીર, ચીઝ જેવા ઉત્પાદનો વધુ ચીકાશ ધરાવતા હોઈ ત્વચાને વધુ તૈલી બનાવી ખીલ કરી શકે પરંતુ મલાઈ ઉતારેલું સ્કીમડ દૂધ કેલ્શિયમનો સ્ત્રોત છે અને કેલ્શિયમ ત્વચાની સ્થિતિસ્થાપકતા માટે અનિવાર્ય છે. આથી રોજ 300 થી 400 ML જેટલું દૂધ લેવાવું જ જોઈએ.

પાણી
ત્વચાના શુદ્ધિકરણ, ચમક અને તેજ માટે પાણી એ સૌથી અગત્યનું અનિવાર્ય પરિબળ છે. પૂરતા પ્રમાણમાં પાણી લેવાથી શરીરમાંથી યોગ્ય અંતરાલમાં મળ અને મૂત્ર દ્વારા અનાવશ્યક પદાર્થોનો નિકાલ થતો રહે છે અને શરીરમાંથી અશુદ્ધિઓ દૂર થવાથી ત્વચા આપોઆપ ચમકી ઊઠે છે. આ અંકે આપણે શું ખાવાથી ત્વચાના સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે તે જોયું. હવે આવતા અંકે શું ન ખાવાથી ત્વચામાં થતાં બગાડને અટકાવી શકાય તે જાણીશું.
નટસ
બદામ, કાજુ, અખરોટ જેવા સૂકામેવા વિટામિન E અને એન્ટી ઓક્સિડન્ટના ભરપૂર ખજાના છે. અખરોટ મોટા પ્રમાણમાં વિટામિન E ધરાવે છે જે ત્વચાને સોફ્ટ રાખે છે. વળી, બદામ કોપરથી ભરપૂર છે જે ત્વચા પરના ખીલ તથા કાળા ડાઘથી દૂર રાખે છે. તો ઝીંકનો મોટો સ્ત્રોત એવા કાજુ ત્વચાને ઇન્ફેક્શનથી અને સોજો આવવાથી બચાવે છે. એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર પિસ્તા ત્વચાને ચમકીલી રાખવામાં મદદરૂપ થાય છે.

attractive caucasian woman eating lettuce

લીલી ભાજી
લીલી ભાજી કેલ્શિયમ, મેગ્નેશિયમ ઉપરાંત વિટામિન Kનો સ્ત્રોત છે. વિટામિન K લોહી શુદ્ધ કરે છે અને ત્વચા તેજોમય બનાવે છે.
કઠોળ
કઠોળ દ્વારા આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટિન મળી રહે છે, જે ત્વચાને થતાં નુકસાનને રિપેર કરવા, નવા કોષોનું સર્જન કરવા અને જૂના – મૃત કોષોના નિકાલ માટે આવશ્યક છે. આ માટે રોજના આહારમાં 20 – 25 ગ્રામ જેટલું કઠોળ(રાંધ્યા પહેલાંનું માપ) લેવાવું જ જોઈએ.

પપૈયાં
પપૈયાં ત્વચા માટે ઉપયોગી એવાં વિટામિનો ઉપરાંત પાચક રસ ‘પેપેઇન’ ધરાવે છે. આ પેપેઇન ત્વચાના કોલેજન (ત્વચાનો એક ભાગ છે, જે ત્વચાને મજબૂત અને સ્થિતિસ્થાપકતા આપે છે. જે ઉંમર વધતાં ઘટતી જાય છે) ને સ્થિતિસ્થાપકતા આપે છે. જેના પરિણામે ત્વચામાં ચમક આવે છે. પપૈયાંનો ત્વચા પર લગાડવાને બદલે ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. સગર્ભા સ્ત્રીઓ તથા માસિકસ્રાવ દરમ્યાન વધુ પડતા રક્તસ્ત્રાવની તકલીફ હોય તો ડાયટિશ્યનની સલાહ બાદ સેવન કરવું. દિવસ દરમ્યાન 200 ગ્રામ જેટલું પપૈયું જમવા પહેલાં સલાડ તરીકે ખાઈ શકાય. આમ કરવાથી કબજિયાતની તકલીફમાં રાહત રહે છે. જેના પરિણામે પણ ત્વચા શુદ્ધ રહે છે. ઘણી વાર કબજિયાતને કારણે ત્વચા પર દાણા ઉપસી આવે છે.

Most Popular

To Top