સુરત: સાત દાયકાઓ પછી સુમુલ ડેરીનું નામ બદલાશે. સુમુલ હવે સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે. સુમુલની બાજીપૂરા પ્લાન્ટમાં રવિવારે મળેલી સામાન્ય સભામાં નવા નામને સભાસદો તરફથી મંજૂરી મળી છે. હવે સુરતના જિલ્લા રજીસ્ટ્રારને સામાન્ય સભાનો ઠરાવ મોકલાશે.
- સુમુલ હવે સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે ઓળખાશે
- ઓર્ગેનિક લેબ માટે 16 કરોડ અને સંઘના ચલથાણ ટીએચઆર પ્લાન્ટ માટે 27 કરોડની સહાય મળી: માનસિંહ પટેલ
સંઘના પ્રમુખ માનસિંહ પટેલે સુમુલની 71 મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દેશના પ્રથમ સહકારમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બાજીપુરા ખાતે દેશનું પ્રસ્થાન સહકાર સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમની ફલશ્રુતિરૂપે રાજ્ય સરકાર તરફથી ઓર્ગેનિક લેબની ભેટ મળી છે. આ માટે અંદાજિત 16 કરોડની સહાય મળી છે. સંઘના ચલથાણ ટીએચઆર પ્લાન્ટમાં 27 કરોડ અંગેની વાત કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ સુડીકો. બેન્કના ચેરમેન નરેશ બી.પટેલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને કરતા 27 કરોડ જેટલી માતબર રકમ સુમુલને મળી છે જેનો લાભ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મળ્યો છે.
ગુજરાત સમગ્ર દેશને સહકારી ક્ષેત્રે નવી દિશા આપી શકે એમ છે: સહકારી આગેવાન
સહકારી આગેવાન ભીખાભાઇ. ઝ. પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશને સહકારી ક્ષેત્રે નવી દિશા આપી શકે એમ છે ત્યારે સુરત અને તાપી જિલ્લો સમગ્ર રાજ્યમાં સહકાર ક્ષેત્રે મોડેલ રૂપ બને તેવી કામગીરી કરવાની જવાબદારી બધાની છે. અમિત શાહની ઉપસ્થિતમાં યોજાયેલા સહકારી સંમેલન માટે સુમુલના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ ડિરેક્ટરો અને પાર્ટીના બંને જિલ્લાના પ્રમુખોને પણ આ સફળ કાર્યક્રમ યોજવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા. સામાન્ય સભામાં કૃષિ, ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલ, સુરત ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન નરેશ પટેલ, સુરત એપીએમસી અને ડિસ્ટ્રીકટ બેંકના વાઇસ ચેરમેન સંદીપ દેસાઈ, સુરત જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભીખાભાઈ ઝ.પટેલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમણ અંબેલાલ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ તમામ સુગર ફેક્ટરીઓના પ્રમુખો અશ્વિન પટેલ, સમીરભાઈ, રાકેશ પટેલ, કિરીટભાઈ, ધારાસભ્ય મોહન ઢોળીયા, ફ્રૂટ એન્ડ વેજીટેબલ ફેડરેશન બારડોલીના પ્રમુખ રાજુભાઈ તથા સુરત અને તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 50,000 લિટરથી વધારી એક લાખ લીટર કરવાની મંજૂરી મળી : માનસિંહ પટેલ
સુમુલના ચેરમેન માનસિંહ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સહકારમંત્રી અમિત શાહના પ્રયત્નોને અને સી.આર.પાટીલની રજૂઆતને પરિણામે સુમુલ ડેરીના નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટની કેપેસીટી દૈનિક 50,000 લિટરથી વધારીને એક લાખ લીટર સુધી કરવાની મંજૂરી મળી શકી છે. સુમુલ દ્વારા ચલથાણ ખાતે ફોર્ટિફાઇડ આટાનો પ્રોજેક્ટ પણ શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુમુલ ડેરી દ્વારા આવનારા વર્ષોમાં દૈનિક 18 લાખ લિટરથી દૂધ ઉત્પાદન વધારીને 25 લાખ લીટર કરવામાં આવનાર છે. સંઘ દ્વારા સેક્સ સીમેન ડોઝ અને એમ્બ્રિયો ટ્રાન્સફરના પ્રકલ્પોના સફળ પરિણામો મેળવી શક્યા છે.
સરકારે ઓર્ગેનિક લેબ અને ટીએચઆર પ્લાન્ટ માટે અંદાજિત 43 કરોડની સહાય આપી: મુકેશ પટેલ
રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, જમીન વિહોણા પરિવારોને સુમુલ ઘરબેઠા રોજગારી પૂરીઓ પાડે છે. સરકાર દ્વારા ઓર્ગેનિક લેબ અને ટીએચઆર પ્લાન્ટ માટે અંદાજિત 43 કરોડ જેટલી સહાય કરવામાં આવી છે તેમજ તાપી જિલ્લા માટે વ્યારા સુગર ફેક્ટરીને 30 કરોડની સહાય કરવામાં આવી છે. ઓક્ટોબર 22 સુધીમાં આ સુગરને કાર્યરત કરવાનું આયોજન છે. રાજ્ય સરકાર ખેડૂતોને પાકમાં ડ્રોનથી જંતુનાશક દવાના છંટકાવ માટે સહાય કરશે. સુરત જિ.પં. દ્વારા પશુપાલક પરિવાર માટે પરિવાર દીઠ 10,000ની સહાય પશુ ખરીદવા માટે સુમુલ ડેરીના માધ્યમથી આપવામાં આવશે. ગત વર્ષે 100 કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન સુમુલ અને સુડીકો બેકના માધ્યમથી સુરત અને તાપીના પશુ પાલકોને આપવામાં આવી છે.
2021-22માં સુમુલનું વેચાણ 13.85 ટકા વધી 4078 કરોડ થયું : માનસિંહ પટેલ
સુમુલની 71 મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિત્તવર્ષ ૨૦૨૧-૨૨માં કુલ વેચાણ રૂ. ૪૦૭૯.૪૫ કરોડ થયું છે. જે ગત વર્ષ કરતા ૪૯.રર કરોડ (૧૩.૮૫ ટકા) વધુ છે. દૂધ અને દુધની બનાવટોના વેચાણ જેમ કે આઈસ્કીમમાં ૯૬.૨૮%, દહીંમાં ૩૩.૬૧%, છાશમાં ૨૩.૫૪%, દુધમાં ૧૨.૫૯% વધારો નોંધાવ્યો છે. ગત વર્ષમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, કાચોમાલ, પેકિંગ મટીરીયલ વગેરેના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં પશુપાલકોને ભાવફેર પેટે રૂ. ૯ર પ્રતિ કીલોફેટ આપવામાં સફળ રહ્યા છે. સુમુલડેરી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પશુપાલકોને રૂ. ૨૧.૮૦ કરોડની સહાય, સબસીડી પહોચાડવામાં સફળ રહી છે. જે ગત વર્ષ કરતા રૂ. ૭.૫૯ કરોડ વધુ છે. સુમુલ દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ભારત સરકારના કુપોષણ નિવારણ અભિયાન હેઠળ પોષણયુક્ત પ્રોડકટ પૂરી પાડી ૩૧૦૮૦ જેટલા બાળકોને સ્વસ્થ બનાવી કુપોષણ મુક્ત કર્યા છે. પશુ ખરીદવા માટે સુમુલ-સુડીકો દૂધગંગા પશુલોન યોજના અંતર્ગત ૭૧૪૨ લાભાર્થીને રૂ. ૪૬.૮૪ કરોડની વ્યાજમુક્ત લોન આપવામાં આવી છે.