દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થા સુમુલ ડેરીએ હોળી અને ધૂળેટીના તહેવારો પહેલાં પશુપાલકો માટે ખુશીની સમાચાર આપ્યા છે. ડેરીએ ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયા અને ભેંસના દૂધમાં 10 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ ગાયના દૂધનો ભાવ 830 રૂપિયા કિલો ફેટનો હતો, જે હવે 850 થઈ ગયો છે. ભેંસના દૂધનો ભાવ 870 થી વધારીને 880 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સુરત અને તાપી જિલ્લાની અંદાજે 2.50 લાખ પશુપાલકોને સીધો લાભ પહોંચાડશે. સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલએ જણાવ્યું કે, ભાવ વધારાથી પશુપાલકોને વાર્ષિક લગભગ 50 કરોડ અને માસિક આશરે 4 કરોડની વધારાની આવક મળશે, જે ગ્રામ્ય અર્થતંત્રને મજબૂતી આપશે.
ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે ઘાસચારા ખત્મ થઈ ગયા હતા, જેના કારણે પશુપાલકોના દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હતો. આવા મુશ્કેલ સમયમાં સુમુલ ડેરીએ ભાવ વધારો કરીને પશુપાલકોને આર્થિક ટેકો આપ્યો છે, જેને “સંજીવની સમાન” નિર્ણય તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. હોળી-ધૂળેટી પહેલા આ જાહેરાતથી ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના અને મધ્યમ શ્રેણીના પશુપાલકો આ વધારાને તહેવારી બોનસની જેમ લઈ રહ્યા છે. તેમનું માનવું છે કે આ નિર્ણય તેમના જીવન ધોરણમાં સુધારો લાવશે અને તહેવારોનો ઉત્સાહ બમણો કરશે. જયેશ પટેલે ઉમેર્યું કે, ભાવ વધારો માત્ર આવક વધારવાનો જ ઉપાય નથી, પરંતુ પશુપાલકોને પ્રોત્સાહિત કરીને દૂધના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ લાવે છે. સુમુલ ડેરીના આ પગલાથી સ્થાનિક પશુપાલન વ્યવસાય મજબૂત બનશે અને આ ક્ષેત્રના લોકોને ટકાઉ આર્થિક આધાર મળશે.
| દૂધ | જૂનો ભાવ | નવો ભાવ |
| ગાયનું દૂધ | 830 | 850 |
| ભેંસનું દૂધ | 870 | 880 |