સુરત: (Surat) સુમુલ ડેરીના (Sumul Dairy) વ્યવસ્થાપક મંડળની અંતિમ ચૂંટણી (Election) વેર-ઝેરથી ભરેલી રહી છે. સરકાર નિયુક્ત પ્રતિનિધિ તરીકે નિઝરના યોગેશ ચુનીલાલ રાજપુતની વરણીને હાઇકોર્ટમાં લઇ જઇ રદ કરાવનાર નિઝરના વર્તમાન ડિરેક્ટર (Director) ભરત સુદામ પટેલ સામે ગત ટર્મમાં ડિરેક્ટર હોવા છતા પુત્રને સુમુલમાં નોકરી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરી રાજપુતે, ભરત પટેલને ગુજરાત સહકારી અધિનિયમ 1961ના નિયમ 165 મુજબ 32(બી) તથા 33(3) હેઠળ ગેરલાયક ઠેરવવા માંગ કરી છે. ભરત પટેલ વિરૂધ્ધ રાજ્યના સહકાર કમિશનર,સહકાર સચિવ, જિલ્લા રજિસ્ટાર, સુમુલના ચેરમેન અને એમડી ને ફરિયાદ કરી માંગ કરવામાં આવી છે. રાજપુતે હોદ્દાનો દુરૂપયોગ કરી પુત્રને નોકરીએ રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સહકારી કાયદામાં સ્પષ્ટ જોગવાઇ છે કે પિતા હોદ્દા પર હોય ત્યારે સીધી લીટીના કે લોહીના સંબંધ ધરાવનાર કુટુંબના સભ્યને નોકરીએ રાખી શકાય નહીં.
સુમુલના ચાર વર્તમાન અને ચાર માજી ડિરેક્ટરોના પરિવારજનો નોકરી કરી રહ્યા છે
સુમુલ ડેરીની વ્યવસ્થાપક કમિટિની 31મીએ બેઠક મળે તે પહેલા સીનિયર ડિરેક્ટર ભરત સુદામ પટેલ સામે કરવામાં આવેલી ફરિયાદ ચોક્કસ પક્ષને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી છે. તેવુ સુમુલમાં ચર્ચાઇ રહ્યુ છે. સુમુલ ડેરીના વર્તમાન બોર્ડમાં કાર્યરત ચાર ડિરેક્ટરોના પુત્રો-ભત્રીજા-ભાણીયા નોકરી કરી રહ્યા છે. તેનો કોઇ ઉલ્લેખ ફરિયાદમાં કરવામા આવ્યો નથી.
ભરત પટેલના પુત્રને અમુલ ડેરીમાંથી સુમુલમાં લાવવામાં આવ્યા હતા
ભરત પટેલ વતી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના પુત્રની કોઇ સીધી ભરતી સુમુલમાં થઇ નથી. તેમના પુત્ર હાઇલી ક્વોલિફાઇડ છે અને દેશની પ્રસિધ્ધ અમુલ ડેરીમાં નોકરી કરતા હતા. ચાલુ નોકરી દરમિયાન તેઓ ઓપન મેરિટ ઇન્ટરવ્યૂમાં સંપૂર્ણ સરકારના નિરીક્ષણ હેઠળ સિલેક્ટ થયા હતા.ભરત પટેલની ટર્મ જે ટેન્યોરમાં પુરી થઇ હતી. તે સમયગાળામાં તેમના પુત્રની પસંદગી થઇ હતી. એટલે આ કેસમાં 76-બી લાગૂ પડતી નથી.