સુરત: સુરત શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગુરુવાર ઉનાળાની સીઝનના સૌથી ગરમ દિવસ રહ્યો હતો. પારો 42 ડિગ્રી રહ્યો હતો. શુક્રવારે પણ સવારથી જ અસહ્ય તાપ પડી રહ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોને લૂ હેરાન કરી રહી છે તો ઘરમાં પણ લોકોને શાંતિ નથી. આકરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં આખા આખા દિવસના શટડાઉન આપવામાં આવી રહ્યાં છે. લિંબાયત, ડિંડોલી, ગોદાડરા તેમજ અડાજણ અને રામનગર સહિતનાં વિસ્તારોમાં શટડાઉન આપવામાં આવતા લોકો આખો દિવસ ગરમીમાં હેરાન થયા હતાં.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા માર્ચ મહિનામાં લોકો રૂપિયા નહીં ભરે, અને કનેકશન લોસ થાય તેવા ભયનાં કારણે માર્ચ મહિનાનાં શટડાઉનને એપ્રિલ મહિનામાં ડાયવર્ટ કરવાની વિચિત્ર સિસ્ટમ અમલી બની છે. જેનાં કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી લોકો કાળઝાળ ગરમી વચ્ચે હેરાન થઇ રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં સિટી સર્કલના વિસ્તારોમાં જોવા જઇએ તો લિંબાયત, ડિંડોલી, ગોડાદરા, અડાજણ તેમજ રામનગર વિસ્તારમાં સવારે 10 વાગ્યાનાં ટકોરે વીજ કનેકશન બંધ કરી દેવામાં આવ્યાં હતાં અને સાંજે 5 વાગ્યા સુધી વીજલાઇન બંધ રહેતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા હતાં. અડાજણમાં તો રાત્રિના 11 વાગ્યે પણ અડધો કલાક માટે પાવરકાપ કરી દેવાયો હતો, જેના લીધે દિવસભરના થાકેલા અને કંટાળેલા લોકોએ રાત્રે ઉંઘવા પહેલા પણ હેરાન થવું પડ્યું હતું. દિવસ દરમિયાન લોકો ગરમી અને ઉપરથી વીજકાપનાં કારણે હેરાન થયા હતાં. જેટકોનાં શટડાઉનનાં કારણે જયારે અડાજણ વિસ્તારમાં મેઇન્ટેન્સની કામગીરીનાં ભાગરૂપે વીજકાપ રહ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. 42 ડિગ્રી ગરમી વચ્ચે સૌથી ખરાબ હાલત ભૂલકાંઓ તેમજ વયસ્ક લોકોની થઇ હતી.
એપ્રિલમાં આ હાલત છે તો મે મહિનામાં શું થશે? લોકોની ચિંતા વધી
ગુરુવારે હવામાં 25 ટકા ભેજની સાથે 6 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. રાજ્યમાં બે દિવસથી ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થયા છે. અને આ પવન શરૂ થતાની સાથે જ ગરમીનો પારો ગુરુવારે 42 ડિગ્રીએ પહોંચતા રેકર્ડ બ્રેક ગરમી અનુભવાઈ હતી. ગુરૂવારે શહેરમાં કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત થયા હતા. એપ્રિલ મહિનાની ગરમીનો મિજાજ જોઈને મે મહિનાની ગરમી કેવી રહેશે તેનો અનુમાન લગાવી શકાય છે. મે મહિનામાં ઉનાળો લોકો માટે અસહનીય બની શકે છે.
10 વર્ષમાં બે વખત પારો 43 ને પાર રહ્યો
છેલ્લા 10 વર્ષમાં એપ્રિલ મહિનામાં ચાર વખત ગરમીનો પારો 42 ડિગ્રીએ કે તેથી વધારે નોંધાયો છે. જેમાં વર્ષ 2015 માં 42.2 ડિગ્રી, વર્ષ 2017 માં 43 ડિગ્રી, વર્ષ 2019 માં 43.6 ડિગ્રી અને અત્યારે 2022 માં 42 ડિગ્રી નોંધાયું છે. આ સિવાયના વર્ષોમાં ગરમીનો પારો 42 ડિગ્રીની નીચે રહ્યો હતો. 1952 માં એપ્રિલ મહિનામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીનો મિજાજ વધારે આકરો જોવા મળી રહ્યો છે. તેમાયે છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો વધતો વધતો આજે બે વર્ષનો રેકર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનાનો અત્યારસુધીનો રેકોર્ડ વર્ષ 1952 માં નોંધાયો હતો. જેમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.