સુમન કલ્યાણપૂરની વાત આવે એટલે લતાજીએ તેમને આગળ ન વધવા દીધા એમ કહી કેટલાંક લોકો સુમન કલ્યાણપૂરની પ્રતિભા વિશે ભર્યાભર્યા શબ્દોમાં ગીતોના ઉદાહરણો આપે છે. હકીકતે આ બે જૂદા મુદ્દા છે. લતાજી ઉત્તમ પાર્શ્વગાયિકા છે. લોકોએ એમ કહ્યું હશે કે સુમન કલ્યાણપૂર લતાજી જેવું ગાય છે પણ કોઇએ એમ નથી કહ્યું કે લતાજી સુમર કલ્યાણપૂર જેવું ગાય છે. લતાજી શ્રેષ્ઠ હતા અને દરેક સંગીતકારો જ નહીં, દરેક અભિનેત્રીઓ પણ ઇચ્છતી કે તેમના માટે લતાજી જ ગીતો ગાય. ત્યારની મ્યુઝિક કંપનીઓ પણ લતાજીનો જ આગ્રહ રાખતી અને ધારો કે લતાજીએ કયારેક સંગીતકારો પર દબાણ સર્જયું છે. ગાયિકા તરીકે મહાન હોય તેમણે ઉદાર રહેવું જ જોઇએ એવીકોઇ શરત નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે લતાજી શ્રેષ્ઠ હોવાથી બધા તેમની પાસે જ ગવડાવવા ઇચ્છતા હતા. એક ઓ.પી. નૈયર સિવાય. સુમન કલ્યાણપૂરે ગાયેલા અનેક ગીતો એવા છે જે માટે લતાજીને પ્રથમ વિચારાયા હોય અને સુમન કલ્યાણપૂર ગાતા હોય તો તેમની પાસે લતાજીની શૈલીમાં ગાવાનો આગ્રહ રખાતો.
પરંતુ સુમન કલ્યાણપૂર પ્રતિભાશાળી નહોતા એવું નહીં કહી શકાય. ઢાકામાં 28 જાન્યુઆરી 1937માં જન્મેલાના પિતા મેંગ્લોરના હેમાડી ગામના હતા. તેઓ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની ટોપ પોસ્ટ પર હતા અને તેમને ઢાકામાં લાંબો સમય નોકરી કરવાની આવેલી. પાંચ બહેનો અને એક ભાઇમાં સૌથી મોટા સુમન કલ્યાણપૂરનું કુટુંબ 1943માં મુંબઇ સ્થાયી થયું પછી તેમનું સંગીત પ્રશિક્ષણ શરૂ થયું. પૂણેની પ્રભાત ફિલ્મ્સના સંગીત દિગ્દર્શક પંડિત કેશવરાવ ભોવેના કુટુંબ સાથે તેમના કુટુંબને ધરોબો હતો. સુમન કલ્યાણપૂરે ફકત શોખથી જ ટ્રેનિંગ શરૂ કરેલી પણ પછી ગંભીર થતા ગયા અબ્દુલ રહેમાન ખાન, ગુરુજી માસ્ટર નવરંગ વગેરે પાસે વધુ તાલીમ મેળવી. સુમન કલ્યાણપૂરની અટક હેમાડી પણ રામાનંદ કલ્યાણપૂર સાથે 1958માં પરણ્યા પછી કલ્યાણપૂર અટક કાયમી બની.
1952થી તેઓ આકાશવાણી પર ગાતા થયા અને 1953માં (લાતાજીની જેમ જ) મરાઠી ફિલ્મ ‘શુક્રાચી ચાંદની’માં ગાવાની તક મળી. તે વખતે શેખ મુખ્તાર ‘મંગુ’ નામની ફિલ્મ બનાવી રહયા હતા અને તેના માટે ત્રણ ગીત ગવડાવ્યા. એ ફિલ્મના સંગીતકાર ઓ.પી. નૈયર હતા. સુમનજીએ ગાયેલા ત્રણમાંથી ફકત એક જ ગીત તેમણે ફિલ્મમાં રાખ્યું- ‘કોઇ પુકારે ધીરેસે તુઝે’ ખેર! આ ફિલ્મથી તેમનો હિન્દી ફિલ્મ સંગીતમાં પ્રવેશ થયો. એ પછી તરત જ નૌશાદે ‘દરવાજા’માં પાંચ ગીત ગવડાવ્યા. તલત મહેમૂદ સાથે આ ફિલ્મમાં તેમનું એક ડયુએટ હતું. ‘એક દિલ દો હે તલબગાર બડી મુશ્કિલ હે! સુમન કલ્યાણપૂર પાસે પછી તો રોશન (ગરજત બરસત સાવન આયો રે’ બરસાત કી રાત), સચિન દેવ બર્મન(છોડો છોડો મોરી બૈયાં- ‘મીયાં બીવી રાજી’) કલ્યાણજી-આણંદજી (તુમ્હી મેરે મીત હો- હેમંતકુમાર સાથે, ‘પ્યારે પંછી) દત્તારામ (ના જાને કહાં તુમ થે- મન્નાડે સાથે, ઝિંદગી એક ખ્વાબ) ખૈયામ (પરબતોં કે પેડો પર- રફી સાથે ‘શગુન’) ચિત્ર ગુપ્ત (બહુત હસીન હૈ તુમ્હારી આંખે રફી સાથે ‘આધી રાત કે બાદ’) સહિત અનેક સંગીતકારો સાથે યાદગાર ગીતો ગાયા. આમ છતાં કહેવું જોઇએ કે લતા-આશાની પ્રશંસા કરનારા સુમન કલ્યાણપૂરની પ્રશંસાથી બને તો દૂર રહેતા. ખાસ કરીને ફિલ્મ પત્રકારો. એટલું જ નહીં એક સમયે એચએમવીએ ફિલ્મોના પ્રેમગીતોનો ચાર કેસેટનો સેટ બહાર પાડેલો. એમાં 50 યુગલ ગીત હતા અને કુલ 7 ડયુએટ્સમાં જ સુમન કલ્યાણપૂર હતા. એ આલબમનાં કવર પર ગાયકોના ફોટા હતા પણ તેમાં સુમન કલ્યાણપૂર નહોતા.
સુમન કલ્યાણપૂર સાથે એવું અનેક વાર બન્યું છે કે લતાજી માંદા હોય યા કોઇક કારણે ઉપલબ્ધ ન હોય યા સંગીતકાર કે રફી, મુકેશ, મન્નાડે સાથે સંબંધ બગડયા હોય તો એટલો વખત જ સુમનજીને ગીતો મળે. તેઓ જાણતા હતા કે મોકો મળે ત્યારે ઉત્તમ ગાવું કારણ કે તેમના ગીતોની તુલના લતાજી સાથે જ થવાની હતી. આનો લાભ પણ હતો ને ખોટ પણ. તમે ‘જહાંઆરા’નું ‘બાદ મુદ્દત કે યે ઘડી આયી’ સાંભળો. રફી સાથેનું એ ગીત લતાજીનું ગાયેલું જ લાગશે. એવું તમને ‘દિલ એક મંદિર હે’ કે ‘જુહી કી કલી મેરી લાડલી’ (બંને દિલએક મંદિર’)માં ય લાગશે. પણ એમાં તેઓ શું કરે? એવા ગીતોમાં તમે ‘દિલે બેતાબ તો સીનેસે લગાના હોગા’ (પાલકી). રાત સુહાની જાગ રહી હે ધીરે ધીરે ચૂપકે ચૂપકે (જિગરી દોસ્ત) સહિત ઘણા છે.
આમ છતાં ફિલ્મોમાં પાર્શ્વગાયિકા છો તો સ્પર્ધામાં છો. લતાજીએ ઉદાર થવું જોઇતું હતું એમ ન કહી શકાય અને તેમના ગાયેલા ગીતોની લાલસા તો ત્યારે શું આજે ય રહે છે. આશા ભોંસલેને તરફેણ કરનારા ઓ.પી. નૈયર મળ્યા. અરે શારદાને શંકર મળ્યા, અનુરાધા પૌડવાલને ગુલશનકુમાર મળ્યા. સુમન કલ્યાણપૂર સાથે એવું થયું નથી ને તો પણ તેઓ અનેક ગીતો વડો ચાહકો સર્જી શકયા છે. અને બીજી જરા જૂદી વાત કે લતાજી, આશાજીએ પતિ વિનાનું જીવન ગુજાર્યું છે એટલે કે સીધી કૌટુંબિક જવાબદારી વિના પાર્શ્વગાયનમાં રહ્યા છે. સુમન કલ્યાણપૂરે કુટુંબ પણ સંભાળ્યું છે. આજે તેમની દિકરી ચારુલ અગ્નિ અમેરિકામાં વસે છે અને દિકરીની દિકરી ઐશાની મુંબઇમાં એનજીઓ સંભાળે છે. સુમનજીએ હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી, કન્નડમાં પણ ગીતો ગાયા છે. અને હા, મહારાષ્ટ્ર સરકારે તેમને લતા મંગેશકર એવોર્ડથી નવાજયા છે. એ એવોર્ડ લતાજીનું ગૌરવ તો છે ને સમાંતરે સુમન કલ્યાણપૂરનું પણ બન્યું છે.