ભરૂચ: પાલેજ રેલવે સ્ટેશન (Railway Station) નજીક રેલવે ફાટક બી-૧૯૭ પાસે કોઠી વાતરસા ગામના યુવાને માલગાડી નીચે પડતું મૂકી આપઘાત (Suiside) કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે (Saturday) સવારે ૬ વાગ્યાના અરસામાં પાલેજ રેલવે સ્ટેશન ડાઉન ટ્રેક પરથી પસાર થતી માલગાડી નીચે રાહુલ હીરા પરમાર (ઉં.વ.૨૭) એ અગમ્ય કારણોસર માલગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ રેલવે પોલીસમથકના એ.એસ.આઈ. વસંતભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતક રાહુલના મૃતદેહને પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કડોદરામાં 19 વર્ષીય પરિણીતાનો આપઘાત
પલસાણા: મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના ગોળદે અને હાલ પલસાણાના કડોદરા ખાતે નૂરી મીડિયાની પાછળ બાલાજી ગ્રીન સિટી ઘર.નં-4માં રહેતા સાગર રમેશ સોનવણેની પત્ની નિકિતાબેન (ઉં.વ.19)એ ગતરોજ બપોરે અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખાની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
ભાલોદમાં અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત
ઝઘડિયા: ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી આ વાહનચાલક નાસી છૂટ્યો હતો. આ વાહન રેતીવાહક ટ્રક હોવાની પૂરી સંભાવના જણાય છે. શનિવારે ઝઘડિયાના ભાલોદ ગામે થયેલા અકસ્માતમાં મરણ પામનારી આ વૃદ્ધા ચંચળબેન અંબાલાલ પરમાર મેઇન રોડ નજીક બેન્ક પાસે ઊભેલાં હતાં. એ વાહનચાલકે મહિલાને અડફેટમાં લેતા વૃદ્ધાનું મોત થયુ હતું. અકસ્માત સર્જી નાશી છૂટેલું આ વાહન ઓવરલોડ રેતી ભરીને જતું હોવાની ચર્ચાઓ જાણવા મળી છે.