સુરત : મૂળ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અને હાલમાં સચિન વિસ્તારમાં મામાના દિકરા સાથે રહેતા કિશોરે હતાશામાં આવી જઈને ફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. અઠવાડિયા પહેલા કિશોર દિલ્હીથી નોકરીની શોધમાં સુરત આવ્યો હતો. તેને નોકરી નહીં મળતા હતાશ થઈ ગયો હતો. તેણે પરિવારને સંબોધીને પાંચ પાનાની સ્યુસાઈટ નોટ લખી હતી.
સિવિલ હોસ્પિટલ અને સચિન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના કલ્યાણપુર ગામનો વતની રામલખન નથુપ્રસાદ શ્રીનિવાસ (17 વર્ષ) હાલમાં સચિન સુડા સેક્ટર -3 માં મામાના દીકરા પિન્ટુ સાથે રહેતો હતો. રામલખન મંગળવારે બપોરે પોતાના રૂમમાં પંખા સાથે રૂમાલ બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
રામલખન તેના ગામમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. તેના પિતા નથુપ્રસાદ શિક્ષક છે. રામલખને અધવચ્ચેથી અભ્યાસ છોડી દિલ્હી ખાતે રોજગારી માટે ગયો હતો. પણ ત્યાં તેને નહીં ફાવતા રામલખન સુરતમાં રહેતા મામાના દિકરા પિન્ટુને ફોન કરીને સુરત આવવાની ઇચ્છા દર્શાવી હતી. તેથી પિન્ટુએ તેને સુરત બોલાવી લીધો હતો. રામલખન અઠવાડિયા પહેલા જ સુરત આવ્યો હતો. સુરત આવ્યા બાદ રામલખને સુરતમાં વિવિધ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નોકરી માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ રામલખનની ઉંમર નાની હોવાથી નોકરી મળતી ન હતી. પિતાની આવક ઓછી હોવાથી આર્થિક રીતે મદદરૂપ થવા રામલખને અભ્યાસ છોડીને નોકરી શોધવાનું શરૂ કર્યું હતું. પણ નોકરી નહીં મળતા તે હતાશ થઈ ગયો હતો. રામલખનને ત્રણ બહેન અને એક નાનો ભાઈ છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.
‘પતા હે આપ મુઝસે બહોત પ્યાર કરતે હે, લેકિન મુઝે માફ કર દેના, મેં આપકા સાથ છોડકે જા રહા હું’
રામલખને આત્મહત્યા કરતા પહેલા પિતા સહિતના સંબંધીઓને સંબોધીને સ્યુસાઈટ નોટ લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે ‘પાપા મુઝે પતા હે આપ મુઝસે બહોત પ્યાર કરતે હો, શાયદ હીં દુનિયામાં કોઈ ઇતના પ્યાર કરતા હોગા. પાપા મુઝે માફ કર દેના, મે આપકા સાથ છોડકે જા રહા હું, પાપા મે આપકા બહુત બડા આભારી હું” “મેં મેરી મોત કા જીમ્મેદાર ખુદ હું. મૈં પુલિસ ઓર અપને ઘરવાલો સે હાથ જોડકર બિનતી કરતા હું કિ પિન્ટુ ભૈયા કો કોઈ કુછ નહીં બોલેગા, નહી તો મે મર કે ભી અપની આત્મા કો શાંત નહી કર પાઉંગા” તેની આવી સ્યુસાઈટ નોટ વાચીને પોલીસની આંખમાં પણ પાણી આવી ગયું હતું.