વલસાડ : વલસાડના (Valsad) તિથલ દરિયામાં ડૂબી રહેલા એક વૃદ્ધને જીઆરડી (GRD) જવાને સમય સૂચકતા વાપરી બચાવી લીધા હતા. જેમના પરિવારની (Family) માહિતી વલસાડ પોલીસને (Police) મળતા તેમને તેમના બે દીકરા અમદાવાદ (Ahmedabad) લઈ ગયા છે. તેમના પુત્રએ પોલીસને જણાવ્યું કે, તેઓ ભૂલવાની બિમારીને કારણે આવું કરી રહ્યા છે. અગાઉ પણ તેમને ત્રણ વખત દરિયામાં ડૂબતા બચાવી લેવાયા છે.
- વલસાડના દરિયામાં આપઘાત કરવા આવેલા અમદાવાદના વૃદ્ધનો આ ચોથો પ્રયાસ હતો
- ભૂલવાની બિમારીને કારણે વૃદ્ધને અગાઉ ત્રણ વખત દરિયામાં ડૂબતા બચાવી લેવાયા હતા
ત્રણ દિવસ અગાઉ તિથલ દરિયા કિનારે ફરજ બજાવી રહેલા એક જીઆરડી જવાને વૃદ્ધને દરિયામાં ડૂબતા જોયા હતા. જેના પગલે જવાન દરિયામાં કૂદી પડ્યો અને ગોવર્ધન નામના વૃદ્ધને બચાવી લેવાયા હતા. આ જવાને વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા અને તેના પરિવારની શોધખોળ કરી હતી. જેમાં તેઓ અમદાવાદના રહીશ હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તેના પરિવારજનોને જાણ કરાઈ હતી.
ગોવર્ધનભાઈ વલસાડ હોવાનું જાણતા તેના પુત્રો વલસાડ આવી પહોંચ્યા હતા. તેમણે પોલીસને જણાવ્યું કે તેમના પિતા થોડા થોડા સમયે બધી વસ્તુ ભૂલી જાય છે. તેમને જુગારની પણ લત છે. તેઓ અગાઉ આ જ રીતે દીવના દરિયામાં, દમણના દરિયામાં અને મુંબઈના દરિયામાં પહોંચી ગયા હતા. જોકે ત્રણેય વખતે તેમને કોઈકે ડૂબતા બચાવી લીધા હતા. ત્યારબાદ વલસાડમાં પણ તેમના ચોથા પ્રયાસમાં પોલીસે તેમને બચાવી લીધા છે. વલસાડ પોલીસે આ વૃદ્ધને તેના પરિવારજનોને સોંપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બોરિયાછ ગામે કૂવામાં ડુબી જતા મહિલાનું મોત
વાંસદા: વાંસદા તાલુકાના બોરિયાછ ગામે ચીચફળીયા ખાતે રહેતા સવિતાબેન રમેશભાઇ ગાયકવાડ (ઉ.વ.આશરે 52 ) બોરિયાછ ગામના રહીશ શંકરભાઇ લખુભાઇ ચવધરીના ખેતર તરફ આવેલા કુવામાં પડતાં તેમનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરનારના પુત્ર બિપીન રમેશભાઈ ગાયકવાડે વાંસદા પોલીસથી ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.