SURAT

સુરતમાં ધો. 8ની વિદ્યાર્થીનીનો આપઘાતઃ પિતાનો સ્કૂલ સંચાલકો પર ગંભીર આક્ષેપ

સુરતઃ શહેરમાં ધો. 8ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. સ્કૂલ સંચાલકોએ બાકી ફીની વસૂલાત માટે બે દિવસ વિદ્યાર્થીનીને ટોઈલેટ પાસે ઉભી રાખી હોવાના લીધે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. વિદ્યાર્થીની આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી હતી. ફીની વસૂલાત માટે વિદ્યાર્થીનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોઈલેટ પાસે ઉભી રાખી હતી. ધો. 8માં ભણતી વિદ્યાર્થીની સાથે અનેકો વાર સ્કૂલ સંચાલકો દ્વારા આવો અમાનુષી વ્યવહાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનોએ સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્કૂલ સંચાલકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. હાલ આ મામલે ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શું કહ્યું વિદ્યાર્થીનીના પિતાએ?
વિદ્યાર્થીનીના પિતા રાજુ ખટીકે કહ્યું કે, ઉત્તરાયણ પહેલાં મારી દીકરીની એક્ઝામ હતી. પરંતુ સ્કૂલ સંચાલકોએ તેણીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી. ક્લાસની બહાર તેણીને ઉભી રાખવામાં આવી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા કહ્યું હતું. ત્યાર બાદ મારી દીકરી સ્કૂલ જવા ના પાડતી હતી. આખરે તેણીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું. સ્કૂલ સંચાલકો બાળકોને ટોર્ચર કરે છે. કોઈ મજબૂરી હોય તો ફી ભરવામાં મોડું થાય તે સમજતા નથી.

Most Popular

To Top