Business

સુહાગન સ્ત્રીઓનો તહેવાર: વટ સાવિત્રિ-વ્રત

અલુણા વ્રત, (ગૌરી વ્રત) જે કુંવારી કન્યાઓ દ્વારા ઉજવાય છે. પાંચ દિવસનું આ વ્રત નાની નાની બાળાઓ અને કુંવારી યુવતીઓ, મીઠા વગરનો ફરાળ કરીને પાર્વતી માતાને પ્રાર્થના કરે છે. અમોને મન મનોહર, ઉત્તમ સુખ આપનારો, સંસ્કૃતિ પૂજક જીવનસાથી મળે. બધી બાળાઓ ઘર આંગણે ઉત્સાહથી ઉંબરો પૂજતી દેખાય છે. બાળપણથી જ દીકરીઓ ધર્મ અને સંસ્કૃતિ સુસંગત વર્તન શીખે છે. વટપૂર્ણિમા વ્રત આ સુહાગન સ્ત્રીઓનો તહેવાર છે. અખંડ સૌભાગ્યવતી રહેવા માટેનું પવિત્ર વ્રત છે. વટપૂર્ણિમા પરણેલી દરેક સ્ત્રી આ વ્રત શ્રધ્ધા અને વિશ્વાસથી કરે છે. પોતાના પતિને દીર્ઘાયુષ્ય મળે, સમૃધ્ધિ, ઐશ્વર્ય, વૈભવ સુખ અને આરોગ્યનો લાભ થાય એવી પ્રાર્થના બ્રહ્મ સાવિત્રીદેવીને સુહાગનો કરે છે. શ્રધ્ધાનું ફળ મળે છે.

જેષ્ઠ સુદ તેરસથી વટસાવિત્રિ વ્રતારંભ થાય છે અને જેષ્ઠ પૂનમના દિવસે વ્રત પૂર્ણ થાય છે. ત્રણ દિવસ ઉપોષણ કરવાનું હોય છે. ઉપોષણમાં ફલાહાર કરાય છે. ત્રણ દિવસનું ઉપોષણ શકય ના હોય તો ફકત પૂનમના દિવસે ઉપોષણ કરવુ. માંદગી હોય તો ઉપોષણ ન કરવું. પતિ પત્નીની જોડી અવિરત સુખી રહે, પતિની સમૃધ્ધિ માટે પત્નીનો સહકાર મળે અને પાનીના સુખ માટે પતિ પરાક્રમ કરે, બંને એકબીજાના પૂરક બને અને સંસારનું સુખ મેળવે. પત્ની પોતાના પતિ સાથે, સાસુ સસરા અને પરિવારના માણસોની કાળજી રાખે, ગૃહસ્થીને ખિલવે, દરેક પરિસ્થિતિમાં પતિને સાથ સહકાર આપે અને સંસાર સુખ મળે એ જ આ વ્રતનો હેતુ છે.

પૂનમના દિવસે સ્નાનાદિ ક્રિયા આટોપીને સાડી પહેરીને, સર્વ પૂજા સાહિત્ય લઇને બ્રહ્મસાવિત્રિની પૂજા કરવા માટે વટવૃક્ષ પાસે જવાનું હોય છે. ઘરના વડિલોને તથા પતિને નમસ્કાર કરીને પૂજા સ્થાને જઇને પુરોહિતના કહેવા પ્રમાણે શ્રધ્ધા અને શાંતીથી બ્રહ્મ સાવિત્રિનું પૂજન કરીને બ્રહ્મસાવિત્રિભ્યાં નમ: બોલવું. બ્રાહ્મણનું પૂજન કરવું દાન દક્ષિણા આપવી. આવેલી સુહાગનોનું પૂજન કરવું, લાલ ચાંદલો કરવો અને વડના વૃક્ષ પર સુત્રવેપન કરવું એટલે શુભ્રધાગો લપેડવો, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર અથવા સોળ પ્રદક્ષિણા ધાગા સાથે કરવી.

આજના સમયે વટવૃક્ષ મળવો મુશ્કેલ છે. તો ઘરમાં જ ચોખાની ઢગલી પર સોપારી મુકીને, કાગળ પર વટવૃક્ષનું ચિત્ર દોરીને પૂજામાં મુકી શકાય છે. શ્રધ્ધાથી તેને જ વટવૃક્ષ સમજવું ગ્રાહય છે. હાથ પર સુત્ર વેપન કરીને ધાગો પૂજામાં મુકી દેવાનો. આ વ્રત સુહાગનો માટેનું છે. પુરોહીત વ્રતની કથા વાંચશે તે શ્રવણ કરવાની હોય છે અને પતિ સાથે એક નિષ્ટ રહીને પતિવ્રતધર્મ પાળવાનો સંકલ્પ કરવાનો હોય છે અને અમારી પતિ-પત્નીની જોડી સાત જન્મ સુધી એક જ રહે એવી બ્રહ્મસાવિત્રિને પ્રાર્થના કરવાની હોય છે. જેમના વરદાનથી તમારે પતિ પત્નીનું મનોરથ પૂર્ણ થાય છે. લગ્ન એ પ્રેમનું બંધન છે તે છૂટવું ન જોઇએ.

વટસાવિત્રિ કથાનો સારાંશ: દ્યુમત્સેનનો પુત્ર સત્યવાનની પ્રિય પત્ની સાવિત્રિ પતિવ્રતા હતી, પણ સત્યવાન અલ્પાયુષી હતો. એનો મૃત્યુ સમીપ છે એમ જાણીને સાવિત્રિએ ત્રણ રાત્રિનું સાવિત્રિ વ્રત કર્યું. ત્રીજા દિવસે સત્યવાન જંગલમાં ગયો. માથામાં અસહય દુખાવો થવાથી તે સાવિત્રિના ખોળામાં માથું મુકીને સુઇ ગયો તેના પ્રાણ હરણ કરવા યમદૂતો આવ્યા પણ સાવિત્રિના પતિવ્રત પ્રકાશથી યમદૂત પાછા ગયા અને સ્વયં યમધર્મ આવ્યા અને સત્યવાનના પ્રાણ લઇને જવા લાગ્યા. તો તે પતિવ્રતા નારી યમધર્મના પાછળ ચાલવા લાગી અને યમધર્મ જોડે સાવિત્રિનો સંવાદ થયો. યુકતવાદમાં યમરાજે સાવિત્રિને એક વરદાનમાં સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા અને સાવિત્રિ ઐશ્વર્યવાન પુત્રવતી થઇ અને સત્યવાન સાથે અનેકો વર્ષ સંસાર સુખ માણ્યું. એવી આ કથા પતિવ્રતા નારીનું મહત્વ સમજાવે છે. પતિ-પત્નીનું એકત્વ કાયમ રહે એ જ કથાસાર છે.

આ કલીયુગમાં પતિ પત્ની એકબીજાને સમજીને સુમેળથી રહે. એક બીજાની સમસ્યાનો સમજીને ઉકેલ લાવે તો નારી સદા સુહાગન રહેશે. અખંડ સૌભાગ્યવતી રહેશે અને સંસાર રથના બંને પૈંડા સુરક્ષિત રહેશે. ઘટસ્ફોટનો યમદૂત દંપતિને વિખુટા ન પાડે માટે સાવિત્રિની જેમ પતિવ્રત ધર્મ પાળવાનો સંકલ્પ નારીએ કરીને પોતાનો પરિવાર અખંડ રાખવાનો પ્રયત્ન એજ વટ સાવિત્રિ વ્રતની પૂર્ણાહુતી છે. બ્રહ્મસાવિત્રિભ્યાં નમ: પતિ પરમેશ્વર મારો. હું તેની સાવિત્રિ! યુગ યુગ સાથે રહે શું એજ અમારી કિતરી!!

Most Popular

To Top