ગાંધીનગર : રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછત અંગે ઉઠેલી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા રાજ્યસ્તરે મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવી છે. પુરવઠા વિભાગના અગ્રસચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં આ કમિટી કામ કરશે. સાથે જ રાજ્યના દરેક જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મોનીટરીંગ કમિટીઓ બનાવવામાં આવી છે.
આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી અને નાગરિકોએ અફવાઓથી દોરાવાની જરૂર નથી. દરેકને સરળતાથી ગેસ ઉપલબ્ધ રહે તે માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં ઉઠેલા પ્રશ્નના જવાબમાં પુરવઠા મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એલપિજી ગેસની સ્થિતિ પર સરકાર સતત નજર રાખી રહી છે. હાલ રાજ્યમાં અંદાજે ૪.૧૬ લાખ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ છે અને ગૃહિણીઓ, સંસ્થાઓ તેમજ હોસ્પિટલોને ગેસ સરળતાથી મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.