Business

સુએઝની નહેર સમસ્યા પણ બનતી આવી છે

સુએઝની નહેરમાં સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી તેના યોજનોમાં ગણી શકાય તેવા ઉકેલના અંતરમાં એક ગજ આગળ વધી હોવાના હેવાલ આ લખાય છે ત્યારે મળે છે. સુએઝની નહેરને રુંધી રહેલા રાક્ષસી જહાજને થોડું ખસેડવામાં મદદ મળી છે. આ કટોકટી નિવારવામાં ભરતી-ઓટ નાયક – ખલનાયકની ભૂમિકા ભજવે છે.

આ જહાજ નહેરમાં ફસાયાને પાંચમે દિવસે વૈશ્વિક વેપાર – ધંધા પર અસર પડવા માંડી છે. વિશ્વનો ૧૦ થી ૧૫ ટકા જળ વ્યવહાર સુએઝની નહેર મારફતે થાય છે અને આ જહાજ ફસાવાથી વિશ્વના કાર પાર્ટસ, કોફી, ફર્નિચર, ટોઇલેટ પેપર, કપડાં, પગરખાં, કસરતના સાધનો, ઇલેકટ્રોનિકસના પુરવઠા પર અસર પડવા માંડી છે.

‘એવરગિવન’ નામનું આ ૨,૨૪,૦૦૦ ટનનું જહાજ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતાં ઊંચું છે અને તેમાં ૧૮,૫૦૦ થી વધુ કટેનર હોવાનો અંદાજ છે. અને કેટલાક કન્ટેનર ખાલી કરવા પડશે, કયારે થશે તેનો અનદાજ લગાવાઇ રહ્યો છે અને અત્યારે તો દર કલાકે ૪૦ કરોડ ડોલરનું નુકસાન થઇ રહ્યું છે.

સુએઝની નહેર આ ઘટનાને કારણે રાતોરાત ફરી સમાચારમાં આવી ગઇ. આ પહેલા સુએઝની નહેર માટે યુદ્ધો ખેલાયાનો ઇતિહાસ છે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી સુએઝની નહેરનું બાંધકામ ઇ.સ. ૧૮૫૯ થી ઇ.સ. ૧૮૬૯ વચ્ચે થયુ. પણ આ નહેર ઇજિપ્તના ફારોરન્ટાની એનોર્સેટ – ત્રીજા (ઇ.સ. પૂર્વે ૧૮૮૭-૧૮૪૯) ના શાસન કાળમાં સુએઝની નહેરનું બાંધકામ થયું તે વખતથી એક યા બીજા સ્વરૂપે આ નહેર અસ્તિત્વમાં હતી, પણ વિધિવત્‌ શરૂઆત આજથી દોઢ સદી પહેલા થઇ.

આ પહેલા હિંદી મહાસાગરથી પશ્ચિમ પ્રશાંત મહાસાગર જવા માટે આફ્રિકાની કેપ ઓફ ગૂડ હોપ થઇને પસાર થવું પડતું હતું જેને કારણે ૭૦૦૦ કિલોમીટરનો ચકરાવો કાપવો પડતો હતો. ૧૯૩ કિલોમીટર લાંબી સુએઝની નહેર બંધાતા યુરોપ – એશિયા વચ્ચેનો જળ વ્યવહાર ખૂબ સરળ થઇ ગયો. એટલેંટિક મહાસાગર અને હિંદી મહાસાગર તેમજ પશ્ચિમ પેસિફિક મહાસાગર વચ્ચેના અંતરને દૂર કરતી આ નહેર વિશ્વના એક સૌથી પ્રવૃત્ત જળમાર્ગ તરીકે અસ્તિત્વમાં છે. પણ આ નહેર હંમેશાં સરળ જળમાર્ગ રહી છે.

વિધિવત્‌ બંધાયા પછી રાજકીય નાણાંકીય અને ટેકનીકલ સમસ્યાઓને કારણે આ નહેર પાંચવાર બંધ રહી છે. છેલ્લીવાર આઠ વર્ષ બંધ રહ્યા પછી ૧૯૭૫ ના જૂનમાં તે ફરી ખૂલી હતી.

ઇજિપ્તના ફારોહ એનોર્ટોસ – ત્રીજાના શાસનમાં આ નહેરનું બાંધકામ શરૂ થયું હતું. પછીના રાજાઓએ પણ નહેર બનાવવાના અને સુધારવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. યુરોપ અને એશિયા વચ્ચેનો દરિયાઇ વેપાર ઘણા દેશોમાં અર્થતંત્ર માટે મહત્વનો નિવડતા ૩૦૦ વર્ષોથી આ નહેરને સાકાર કરવાના સક્રિય પ્રયાસો ચાલે છે.

નેપોલિયને પણ આ નહેર બાંધવાનું ભગિરથ કાર્ય કર્યુ હતું પણ માપ લેવામાં મોટી ભૂલ થવાથી તેણે ઇ.સ. ૧૭૯૯ માં આ કામ બંધ રાખવું પડયું હતું. ઇ.સ. ૧૮૦૦ ના દાયકાની મધ્યમાં ફ્રેંચ રાજદ્વારી અને ઇજનેર ફર્ડિનાન્ડ દ’ લોસેસે ઇજિપ્તના વાઇસરોય સૈયદ પાશાને નહેરનાં બાંધકામને ટેકો આપવા સમજાવ્યા હતા.

ઇ.સ. ૧૮૫૮ માં યુનિવર્સલ સુએઝ શિપ કેનલ કંપનીને સુએઝની નહેર બનાવવાનું અને ૯૯ વર્ષના પટ્ટે તેનું સંચાલન કરવાનું સોંપાયું. ભાડા પટ્ટો પુરો થઇ ગયા પછી નહેરનો વહીવટી ઇજિપ્ત સરકારને આપવાનો હતો. આ નહેર બાંધવાનું કામ પણ કંઇ સરળ ન હતું.
એક તરફ નાણાંકીય સમસ્યાઓ આવી તો બીજી બાજુ બ્રિટન અને તુર્કીએ આ નહેરમાં રોડાં નાંખવાના ચાલુ રાખ્યા છતાં ઇ.સ. ૧૮૬૯ માં આ નહેર આંતરરાષ્ટ્રીય વપરાશ માટે તૈયાર થઇ ગઇ.

નહેરની કંપનીમાં ફ્રેંચ અને બ્રિટીશરોનો હિસ્સો મોટો હતો. ૧૯૩૬ ની એક સંધિના ભાગ રૂપે બ્રિટીશરોએ પોતાના દરિયાઇ અને સંસ્થાનવાદી હિતોને કેન્દ્રમાં રાખી સુએઝ કેનલ ઝોનમાં પોતાની સંરક્ષણાત્મક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું. ૧૯૫૪ માં ઇજિપ્તના રાષ્ટ્રવાદીઓનાં દબાણને પગલે ઇજિપ્ત – બ્રિટન વચ્ચે સાત વર્ષની સંધિ થઇ અને બ્રિટિશ દળો ત્યાંથી હઠાવી લેવાયા.

ઇ.સ. ૧૯૫૬ માં ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ નાસરેનાઇલ નદી પર બંધ બાંધવા માટે સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કર્યું. પરિણામે સુએઝ કટોકટી ઊભી થઇ અને બ્રિટન, ફ્રાંસ અને ઇઝરાયલને વાંકુ પડયું તેથી તેમણે ઇજિપ્ત પર આક્રમણ કર્યું. ૧૯૫૭ માં સંયુકત રાષ્ટ્ર સંઘે દરમ્યાનગીરી કરતાં આ સંઘર્ષનો અંત આવ્યો. દુનિયાના ઇતિહાસમાં સંયુકત રાષ્ટ્રસંઘનું શાંતિરક્ષક દળ સૌથી પહેલા અહીં ગોઠવાયું હતું.

કબજો કરનારા દળો પાછા ખેંચાયા છતાં સંયુકત રાષ્ટ્ર સંઘનું સૈન્ય ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે શાંતિ સ્થાપવા સિનાઇમાં ગોઠવાયું. ૧૯૬૭ માં તાસરે શાંતિરક્ષક દળને સિનાઇમાંથી ચાલ્યા જવાનો હુકમ કરતાં બંને દેશો વચ્ચે નવો ભડકો થયો હતો. ઇઝરાયલે સિનાઇ પર કબજો જમાવતા ઇજિપ્તે સુએઝ નહેર પર કબજો જમાવ્યો હતો. અને નહેર તમામ પ્રકારના વહાણવટા માટે બંધ કરી દીધી હતી. ૧૯૭૫ ના જૂનમાં બંને દેશો વચ્ચે કરાર થતાં સુએઝની નહેર ફરી ખુલ્લી મૂકાઇ હતી. જોકે તે પહેલા ૧૯૭૩ માં ઇજિપ્ત અને સિરીયાની આગેવાની હેઠળ આરબ દેશોએ ઇઝરાયલ પર હુમલો કરતા નહેર ભડકે બળતી હતી.

આજે સુએઝની નહેર પૂર્વ અને પશ્ચિમ વચ્ચે તમામ પ્રકારના વેપાર માટે જીવનરેખા બની ગઇ છે અને વૈશ્વિક વેપારનો ૧૦ ટકા માલ અહીંથી પસાર થાય છે અને રોજનો ૯.૫ અબજ ડોલરનો માલ લઇ સરેરાશ ૫૦ વહાણો અહીંથી પસાર થાય છે. તેમાં ક્રુડ તેલથી માંડીને ઝડપથી નાશ પામે તેવી જણસો પણ હોય છે.

અત્યારે ચીનથી નેધરલેન્ડજમાં એવર ગિવન જહાજે નહેરને રૂંધી નાંખતા નહેરની બંને બાજુ બસો-બસો જહાજો મોં વકાસીને ઊભા છે. કેટલાક દેશોએ આગાહી કરી છે કે આ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો તેલના ભાવમાં ભડકો થશે. આ ઘટનાને પરિણામે એ પણ પ્રશ્ન જાગ્યો છે કે માનવ જાતે ભવિષ્યમાં સાંકડા દરિયાઇ માર્ગ પર કયાં સુધી આધાર રાખવો?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top