સુરત: રાંદેર ઉગત રોડ ઉપર દિવાળીની રાત્રે અચાનક 8-10 ઝુંપડા સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહી પણ ઝૂંપડાની આગ બાજુમાં આવેલા EWS આવાસમાં પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ભંગારના 3 ગોડાઉનને પણ લપેટમાં લીધા હતા.
ઘટનાની જાણ થયા બાદ ત્રણ ફાયર સ્ટેશનના જવાનો દોડી ગયા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર મોઢ સાહેબે જણાવ્યું હતું કે લગભગ તમામ સ્ટેશનના ફાયટર વ્યસ્ત હતા. એવામાં ભીષણ આગનો કોલ મળ્યો હતો. કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.
ફાયર ઓફિસર મોઢ સાહેબે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 10:57 ની હતી. ઝુંપડા સળગી રહ્યા હોવાનો કોલ મળતા જ પાલ, અડાજણ અને મોરા ભાગળ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે ત્રણેય સ્ટેશનની 10 જેટલી ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગની જ્વાળાઓ બાજુમાં આવેલા EWS આવાસ અને ભંગારના ગોડાઉનને લપેટમાં લીધી હતી.
વધુમાં જણાવ્યું હતું કે લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ ભીષણ આગ કાબુમાં આવી હતી. જોકે આગને લઈ અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આવાસના લોકો ઘર છોડી રોડ પર ઉતરી પડયા હતા. આ આગમાં 10 ઝુંપડા, ત્રણ ભંગારના ગોડાઉન બળી ને ખાખ થઈ ગયા હતા. રાત્રીના બે વાગ્યા સુધો લોકોએ ફાયર ને સતત સહકાર આપી આગને કાબુમાં લેવામાં સહભાગી બન્યા હતા.