જો તમે દરરોજ હાઇવે પર કાર ચલાવો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે જો કોઈ કાર ચાલક હાઇવે પર અચાનક કોઈ ચેતવણી વિના તેના વાહનને બ્રેક લગાવે છે, તો તેને રોડ અકસ્માતના કિસ્સામાં બેદરકારીભર્યો ગણી શકાય.
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે જો હાઇવે પર વાહન ચાલકો રસ્તાની વચ્ચે રોકવાનો ઇરાદો ધરાવે છે, તો તેમણે તેમની પાછળ આવતા વાહનોને ચેતવણી સૂચકાંકો આપવા પડશે. આવા જ એક કેસમાં ચુકાદો આપતા કોર્ટે આરોપી કાર ચાલકને દોષિત ઠેરવ્યો છે. જેમણે હાઇવે પર વાહન ચલાવતી વખતે કોઈ પૂર્વ સિગ્નલ આપ્યા વિના વાહન રોક્યું હતું. જેના કારણે 2017 માં તમિલનાડુમાં એક માર્ગ અકસ્માતમાં એક મોટરસાઇકલ ચાલકે પોતાનો ડાબો પગ ગુમાવવો પડ્યો હતો.
મંગળવારે ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, હાઇવેની વચ્ચે ડ્રાઇવર દ્વારા અચાનક વાહન રોકવું ભલે તે વ્યક્તિગત કટોકટી હોય તેને વાજબી ઠેરવી શકાય નહીં. ન્યાયાધીશ ધુલિયાએ કહ્યું, હાઇવે પર વાહનોની ઝડપી ગતિ અપેક્ષિત છે અને જો કોઈ ડ્રાઇવર પોતાનું વાહન રોકવાનો ઇરાદો ધરાવે છે, તો તે તેની જવાબદારી છે કે તે રસ્તા પર પાછળ દોડતા અન્ય વાહનોને ચેતવણી આપે અથવા સંકેત આપે.
શું મામલો છે?
કોર્ટે આ નિર્ણય એન્જિનિયરિંગના વિદ્યાર્થી એસ. મોહમ્મદ હકીમની અરજી પર આપ્યો છે. 7 જાન્યુઆરી, 2017 ના રોજ, હકીમ કોઈમ્બતુરમાં તેના મિત્ર સાથે મોટરસાયકલ પર ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં તેની સામેની કાર અચાનક બંધ પડી ગઈ અને તેની બાઇક કાર સાથે અથડાઈ અને જમણી બાજુ પડી ગઈ. આ દરમિયાન રસ્તા પર દોડતી બસ તેના પગ પરથી પસાર થઈ ગઈ. આ પીડાદાયક માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન હકીમનો ડાબો પગ કાપી નાંખવો પડ્યો.
કોર્ટે શું કહ્યું?
કેસની સુનાવણી કરતી વખતે બેન્ચે કહ્યું, એ સાચું છે કે અપીલકર્તાએ આગળના વાહનથી પૂરતું અંતર જાળવવામાં બેદરકારી દાખવી હતી અને માન્ય લાઇસન્સ વિના મોટરસાઇકલ ચલાવી હતી. જોકે, બેન્ચે સ્પષ્ટતા કરી કે અકસ્માતનું મૂળ કારણ કાર ચાલક દ્વારા અચાનક બ્રેક મારવી હતી તે અવગણી શકાય નહીં.
બેન્ચે કહ્યું, હાઇવેની વચ્ચે અચાનક કાર રોકવા માટે કાર ચાલક દ્વારા આપવામાં આવેલ સમજૂતી કોઈપણ દૃષ્ટિકોણથી વાજબી નથી. આ કેસમાં હાઇવે પર અચાનક બ્રેક લગાવનાર કાર ચાલકે દલીલ કરી હતી કે તે તેની પત્ની સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો અને તે સમયે તેની પત્ની ગર્ભવતી હોવાથી અને તેને ઉબકા આવતી હોવાથી તેણે અચાનક કાર રોકી દીધી હતી. પરંતુ કોર્ટે આ દલીલ સાથે સહમત ન થઈ અને કાર ચાલકને અકસ્માત માટે 50 ટકા દોષિત ઠેરવ્યો.