World

પાંચ ભારતીયોને હિંસાગ્રસ્ત સુદાનમાંથી મુક્ત કરાવાયા: ફ્રેન્ચ એરફોર્સ દ્વારા કાર્યવાહી

ભારતીયો માટે એક સુખદ સમાચાર સામે આવ્યા છે. હિંસાગ્રસ્ત સુદાનમાંથી ફ્રેન્ચ એરફોર્સે 28 જેટલા દેશોના ફસાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 388 લોકોને મુક્ત કરાવી શકાયા છે અને તેમાં પાંચ ભારતીય સામે હોવાનું સામે આવ્યું છે. ભારત દ્વારા પણ સુદાનમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરાવવા માટે એરફોર્સ તેમજ નેવી દ્વારા બચાવ પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.

હિંસાગ્રસ્ત સુદાનમાં સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. સૈન્ય તેમજ અર્ધસૈનિક દળો વચ્ચે ત્રણ દિવસનો યુદ્ધવિરામ જાહેર કરાયો હોવા છતાં પણ ઘણાં વિસ્તારોમાં હિંસા અવિરત ચાલુ રહી છે. અલબત્ત વિવિધ દેશો દ્વારા પોતાના દેશના લોકોને સુદાનમાંથી મુક્ત કરાવવા માટે અભિયાન શરૂ થઈ ગયા છે.

આ અભિયાન અંતર્ગત ફ્રેન્ચ એરફોર્સને મોટી સફળતા મળી છે. ભારતમાં સ્થિત ફ્રાન્સની એમ્બેસી દ્વારા આધિકારીક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં એવું કહેવાયું છે કે ફ્રેન્ચ એરફોર્સે સુદાનમાંથી 28 દેશોના 388 નાગરિકોને મુક્ત કરાવ્યા છે, જેમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. આ સાથે જ સાઉદી અરબે પણ પોતાનું મુક્તિ અભિયાન વેગવંતુ બનાવ્યું છે. જેમાં સુદાનમાં ફસાયેલા 66 લોકોને મુક્ત કરાવાયા છે અને તેમાં પણ કેટલાક ભારતીયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ તરફ વડાપ્રધાન મોદીએ બે દિવસ પૂર્વે જ હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી વિવિધ આદેશ કર્યાં હતાં. જે દિશા-નિર્દેશ મુજબ ભારતીય વાયુદળ દ્વારા સુદાનમાં બે હેવી લિફ્ટ મિલીટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જેદ્દાહમાં તહેનાત કરવામાં આવ્યા છે. સાથે જ નૌકાદળનું એક જહાજ પણ સુદાનના બંદરે લાંગરવામાં આવી ચૂક્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બારેક દિવસથી સુદાન હિંસામાં હોમાયું છે અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. સુદાનની રાજકીય સ્થિતિ મુજબ છેલ્લે સુદાનના સૈન્ય અને અર્ધ સેનિક દળ વચ્ચે સત્તા સંભાળવાનું સમાધાન થયું હતું. પરંતુ કોઈ કારણોસર આ સમાધાન તૂટી પડતાં સૈન્ય અને અર્ધ સૈનિક દળો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો, જે ઉત્તરોત્તર વધી રહ્યો હતો.

સુદાનમાં અનેક વિદેશીઓ રહે છે જેમાં 3000 કરતાં વધુ ભારતીયો પણ રહે છે. જેથી આ ભારતીયોને સુદાનમાંથી વતન પરત લાવવા ભારત સરકારે પ્રયત્નો શરૂ કરી દીધાં છે. સુદાનમાં સામસામે આવી ગયેલા સૈન્ય અને અર્ધ સૈનિક દળ દ્વારા ત્રણ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વની રજૂઆત બાદ આ યુદ્ધવિરામ જાહેર કરાયો હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં હિંસા ચાલુ રહી છે. ત્યારે સુદાનમાં ફસાયેલા ભારતીય સહિત અન્ય વિદેશીઓને મુક્ત કરાવવાનું કઠિન સાબિત થઈ રહ્યું છે.

Most Popular

To Top