ભારત સહિષ્ણુ દેશ તો છે જ પણ શરણમાં આવેલાને રક્ષણ આપવા પોતે કોઇ પણ પીડા ભોગવવા તૈયાર રહે છે. 1961-62ની વાત કરીએ તો તિબેટના ધાર્મિક વડા દલાઈ લામાને ભારતે શરણું આપેલું અને ચીન આપણા પર ખફા થયેલું. 1962નું ભયંકર ચીન-ભારતનું યુદ્ધ આનું જ પરિણામ હતું. નુકસાન તો આપણે જ ભોગવેલું અને ભોગવી રહ્યાં છીએ. શેખ હસીનાને ભારતે શરણું દીધું. રાજકીય ઉથલપાથલ વચ્ચે બીજો જ મોડ આવી ગયો. ત્યાંનાં હિંદુઓ પર અત્યાચાર દમન, મંદિરો-ઘરબાર-હિંદુઓની દીકરીનાં અપહરણ આ બધું જ હિંદુઓ પર થઇ રહ્યું છે.
વિશ્વના દેશો પણ આંખ આડા કાન કરી કોઇ બોલ્યું જ નહિ. આ બધું આપણી પરોપકારની નીતિ પર આધારિત છે જે બાંગલાદેશ માટે પાકિસ્તાની અત્યાચારી સામે ચારથી પાંચ હજાર ભારતીય સૈનિકની બલિ ચઢેલી તે જ બાંગલાદેશ, હિંદુઓ તરફ આજે અત્યાચાર ગુજારી રહ્યાં છે. જે બાંગલાદેશીઓ ભારતની સંસ્કૃતિ સમીપ છે. રાષ્ટ્રગાન રવીન્દ્રનાથ ટાગોરનું બાંગલા ભાષામાં ગવાય છે. ‘આમાર બાંગલા દેશ’ અને ત્યાં ભાષા પણ બંગાળી સંસ્કૃતિમિશ્રિત બોલાય છે ત્યાં આજે આવું પરિવર્તન? અન્યાય જ અન્યાય કહેવાય. શાંતિપ્રિય કહેવાતા ત્યાંના નવા સૂત્રધાર મોહમ્મદ યુનુસખાન પણ હિંદુ ધર્મને રક્ષણ ત્યાં આપી શકયા નથી. કોઇ વાર તો નોબેલ માટે પણ શંકા જાય છે કે કોને આપો છો? ભારતે જ હિંદુ ધર્મને રક્ષવા માટે તનતોડ પ્રયાસ કરવા પડે છે. તેમાં દેશને માનસિક-ધાર્મિક-આર્થિક નુકસાન પણ વહોરવું પડે છે. પ્રજાના માનસને બદલવા એ સરળ વાત નથી પણ પ્રજાએ સમજવું જોઇએ કે પાકિસ્તાનના પંજાથી ભારતે બચાવી અલગ બાંગલા દેશ રચ્યું તેનો આવો બદલો?
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શું મંકીપોક્સ મહાબીમારી બની શકશે?
વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ મંકીપોક્સનું નામ બદલીને એમપોક્સ કર્યું છે. ૨૦૨૨માં એમ પોક્સના કલેડ૨ વાઇરસે દુનિયાના ૭૦ દેશોમાં બીમારી ફેલાવી હતી. આ વખતે કોંગોમાં ફેલાયેલા એમપોકસના કલેડ ૧ વાઇરસે આફ્રિકાના લગભગ ૨૦ દેશો ઉપરાંત સ્વિડનને પણ ઝાપટમાં લીધું છે. એમપોકસનો કલેડ ૧ વાઇરસ એમપોકસના કલેડ ૨ વાઇરસ કરતાં વધારે ખતરનાક છે છતાં પણ તે કોરોના જેવી મહામારી લાવી શકે એવી શક્યતા નહિવત છે. કારણ કે છેલ્લાં બે વર્ષમાં એમપોકસની રસી પણ શોધાઈ ચૂકી છે, એની દવા પણ શોધાઈ ચૂકી છે. આ ઉપરાંત આ બીમારી હવા દ્વારા ફેલાઈ શકતી નથી. માત્ર ને માત્ર તે ગાઢ સંપર્કમાં રહેવાથી અથવા શારીરિક સંબંધ બાંધવાથી જ થાય છે. રસીના બે ડોઝ ખૂબ જ રક્ષણ પૂરું પાડે છે. કદાચ આ બીમારી જો ભારતમાં આવે તો પણ તેનાથી મૃત્યુ થવાની શકયતા કે બીમાર થવાની શક્યતા ઘણી ઓછી રહેશે. ભારત સરકારના સ્વાસ્થ્ય વિભાગે અગમચેતીનાં લીધેલાં પગલાં કદાચ ઘણાં જ ઉપકારક સાબિત થશે.
અમેરિકા -ડૉ. ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે