સુરત: કતારગામમાં 2.97 કરોડના ખર્ચે ઢોરડબ્બા બનાવવા માટે શાસકોની મંજૂરી માંગતી દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને હાલ મુલતવી રાખવામાં આવી છે કારણ કે, મનપા (SMC) તંત્ર ઢોરડબ્બા સાથે રખડતાં કૂતરાંને (Street Dog) પણ રાખવાની વ્યવસ્થા કરવામાં માટેનું આયોજન કરવા માંગે છે. જેના પગલે હાલ કતારગામમાં ઢોર ડબ્બા બનાવવાની દરખાસ્ત પર બ્રેક વાગી છે. ઉલ્લેખનિય છે કે રખડતાં કૂતરાંઓના ત્રાસ અને હુમલાઓની વધતી ઘટનાઓના પગલે છેવટે પાલિકા તંત્ર જાગ્યું છે.
- શહેરમાં કૂતરાઓનાં ન્યુસન્સથી ત્રાહીમામ પ્રજાને બચાવવા શાસકોએ આખરે આળસ ખંખેરી
- કતારગામ ઢોર ડબ્બાની દરખાસ્ત પર બ્રેક : હવે કૂતરાંઓ રાખવાની વ્યવસ્થા સાથે ઢોર ડબ્બો બનશે
બીજી તરફ જોઈએ તો સુરતમાં વધી રહેલી રખડતાં ઢોરની સમસ્યાને કાબુમાં કરવા માટે આગામી સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોરોને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જ્યાં પણ રસ્તા પર ઢોર દેખાય ત્યાંથી પકડીને સલામત સ્થળે મોકલવા માટેનો એક્શન પ્લાન મનપાના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આથી મનપા દ્વારા હવે ઢોરડબ્બાની કેપેસિટી વધારવાનો નિર્ણય લેવાયો છે.
જે અંતર્ગત શહેરમાં નવા 3 ઢોરડબ્બા બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં કતારગામ, સરથાણા અને રાંદેરમાં ત્રણ મોટા ઢોરડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઇ હતી જે અંતર્ગત કતારગામમાં 2.97 કરોડના ખર્ચે ઢોરડબ્બા બનાવવા માટે શાસકોની મંજૂરી માંગતી દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને હાલ મુલતવી રાખવામાં આવી છે.
કારણ કે, મનપાએ ઢોરડબ્બા સાથે કૂતરાંઓને પણ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તે રીતનું આયોજન કરવાની વિચારણા કરી છે. મનપા દ્વારા પાંજરાંની સંખ્યા પણ તબક્કાવાર વધારવામાં આવી રહી છે. હાલ 72 પાંજરાં છે, જેમાં વધુ 50 પાંજરાં ઉમેરાશે. જેની કામગીરી ચાલી રહી છે અને આવનારા એક માસમાં 50 પાંજરાં વધુ બનીને તૈયાર થઈ જશે.
સુરત શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ અને હવે વધતાં કૂતરાંઓના હુમલાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. સુરતના કતારગામ, સરથાણા અને રાંદેરમાં ત્રણ મોટા ઢોરડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઇ છે. એટલું જ નહીં ટૂંક સમયમાં પાલિકાના ત્રણેય ઝોનમાં ઢોરડબ્બાની કેપેસિટી વધારી 3000 કરાશે. જે પૈકી હાલ કતારગામ ઝોનમાં ટી.પી.24, ફા.પ્લોટ 64 ઉપર એક ઢોરડબ્બો બનાવવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને સ્થાયી સમિતિ દ્વારા મુલતવી રાખવામાં આવી છે.
કેમકે હવે ઢોરડબ્બાની સાથે રખડતાં કૂતરાંની સમસ્યાનું પણ નિરાકરણ લાવવા તંત્ર વિચારી રહ્યું છે. જે અંગે વધુ માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ઢોર ડબ્બાની સાથે કૂતરાં રાખવાની પણ વ્યવસ્થા થાય તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.