નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળત પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલ લક્ષ્યને સચોટ રીતે મારવામાં સફળ રહી છે. આ બ્રહ્મોસ મિસાઈલનું એડવાન્સ વર્ઝન છે. તેમાં ઘણા અપડેટ્સ કરવામાં આવ્યા છે. અપડેટ બાદ તેની ફાયરપાવર વધી ગઈ છે.
- દરિયાઈ દુશ્મનોને માત આપવા બ્રહ્મોસનું એડવાન્સ વર્ઝન
- દરિયામાં કરાયું સફળ પરીક્ષણ
- નવા અપડેટ વર્ઝનમાં ફાયરપાવર વધ્યો
ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. દરિયા કિનારે આ યુદ્ધ જહાજ પરથી છોડવામાં આવેલી મિસાઈલ લાંબી રેન્જમાં લક્ષ્યને નષ્ટ કરવામાં સફળ રહી હતી. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલની પિનપોઇન્ટિંગ દ્વારા લક્ષ્યને મારવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં ફ્રન્ટલાઈન પ્લેટફોર્મ્સ પર મિશનની સજ્જતાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે રાજપૂત વર્ગના વિનાશક INS રણવિજય અને INS રણવીરમાં 8 બ્રહ્મોસ મિસાઇલ સાથેનું લોન્ચર સ્થાપિત કર્યું છે. તલવાર વર્ગના ફ્રિગેટ્સ INS તરકશ, INS તેગ અને INS ત્રિકંડમાં 8 મિસાઇલ લોન્ચર તૈનાત કરવામાં આવ્યા છે. બ્રહ્મોસ મિસાઈલ શિવાલિક ક્લાસ ફ્રિગેટમાં પણ ફીટ કરવામાં આવી છે. તેને કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરમાં પણ તૈનાત કરવામાં આવ્યું છે. INS વિશાખાપટ્ટનમ ખાતે પણ તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
બ્રહ્મોસ મિસાઈલના ચાર પ્રકાર
સમુદ્રમાંથી છોડવામાં આવનાર બ્રહ્મોસ મિસાઈલના ચાર પ્રકાર છે. પહેલું યુદ્ધ જહાજમાંથી લોન્ચ કરાયેલ એન્ટી-શિપ વેરિઅન્ટ છે, બીજું યુદ્ધ જહાજમાંથી લેન્ડ-એટેક વેરિઅન્ટ છે. આ બંને વેરિઅન્ટ્સ ભારતીય નૌકાદળમાં પહેલેથી જ કાર્યરત છે. ત્રીજું- સબમરીન-લોન્ચ્ડ એન્ટી-શિપ વેરિઅન્ટ અને ચોથું- સબમરીન-લોન્ચ્ડ લેન્ડ-એટેક વેરિઅન્ટ છે. ભારતનું આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત મિશનની સફળતા માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.