Columns

સફળ ખેલૈયા

ગુજરાતી અને ગરબાને જુદા પાડી શકાય જ નહિ. પ્રસંગ કોઇ પણ હોય, ખુશી વ્યક્ત કરવા માટે ગુજરાતીઓ ગરબે ઘૂમે જ ઘૂમે. નવરાત્રી અને શરદ પૂનમની રાતે રાસ ગરબા તો રમે જ પણ ,લગ્નનો વરઘોડો હોય કે સંગીત …ડી જે પાર્ટી હોય કે બર્થ ડે પાર્ટી કે પછી કોઈ નાનો મોટો ખુશીનો પ્રસંગ, ગુજરાતીઓ ગરબા કરે જ અને એવા હોંશીલાં કે અન્ય જે ગુજરાતી ન હોય તે બધાને પણ ગરબા શીખવાડી દે.આવો વિચાર મોટીવેશનલ લેખકને તેમની પૌત્રી નિયા પોતાની કોલેજીયન ફ્રેન્ડસને ગરબા શીખવાડતી જોઇને આવ્યો. નિયા તેની ફ્રેન્ડસને ગરબા રમતાં શીખવાડી રહી હતી.

બે પગલાં આગળ જવું, પગની ઠેસ મારવી અને સાથે જ હાથની તાળી. વળી બે પગલાં પાછળ જવું અને ગોળ ફરી, તાળી પાડી વળી આગળ વધવું. નિયા એક એક સ્ટેપ બરાબર શીખવાડી રહી હતી.આ ધીમે ધીમે શીખવતા ગરબાના સ્ટેપ જોઇને વળી મોટીવેશનલ લેખકને એક સાથે આનંદ અને આશ્ચર્યની અનુભૂતિ થઇ કે અરે વાહ, આ ગુજરાતીઓનું લોકનૃત્ય. ગુજરાતીની ઓળખ ગરબા તો માત્ર ખુશી દર્શાવવા કે ભક્તિ દર્શાવવાનું પ્રતીક નથી. આ ગરબા તો જીવન જીવવાની એક ખાસ રીત શીખવાડે છે. લેખકે તરત પોતાની ડાયરી કાઢી અને લખ્યું ગરબા શીખવે છે….ગરબા જિંદગીનો એક મહત્ત્વનો પાઠ શીખવે છે કે જીવનમાં માત્ર આગળ અને આગળ વધવું જરૂરી નથી.

થોડા આગળ વધી અટકવું અને તાલી પાડી પગની ઠેસ મારી પાછા ફરવું.તેમ જીવનમાં પણ આગળ વધવું, થોડો વિરામ લેવો, બધા સંજોગો ચકાસી લેવા.આગળ વધવાની ખુશી પણ માણી લેવી અને જરૂર લાગે તો અટકવું કે થોડા પાછા પણ ફરવું.આ કયારે અટકવું.કયારે પાછા વળવું, જેમ ગરબામાં તાલ પ્રમાણે હોય તેમ જીવનમાં સમયની ચાલ પ્રમાણે કરવું અને જેમ ગરબામાં બે પગ પાછા વળી ગોળ ફરી તાલી પાડી ફરી પાછા આગળ વધીએ તેમ જીવનમાં પાછા વળીને અટકી ન જવું …હિંમત ભેગી કરી ,સંજોગો મુજબ આવડત એકઠી કરી ફરીથી આગળ વધવું.મોટીવેશનલ લેખકે ગરબા રમવાની રીતના સ્ટેપ સાથે જીવન જોવાની રીત ભેળવીને સુંદર રીતે લખી લીધી.

આ બાજુ નિયા તેની ફ્રેન્ડસને કહેતી હતી કે ‘અરે, તમે આટલી વારમાં થાકી ગયા, અમારે ત્યાં તો બધા આખી રાત રમીને પણ થાકતાં નથી એવા ખેલૈયાઓ હોય છે.’ લેખક પુત્રીની વાત સાંભળી વળી વિચારવા લાગ્યા કે ગરબામાં રાત રમતાં થાકે નહિ તે ખેલૈયા અને જીવનમાં થાક્યા વિના સતત મહેનત કરતા રહે તે સાચા ખેલૈયા.જીવનમાં અને ગરબામાં ક્યારે પગલું આગળ વધવું અને કયારે પાછળ જવું તે આવડી જાય અને સમજાઈ જાય ત્યારે સફળ ખેલૈયા બની શકાય.

Most Popular

To Top