Business

ભણતર વિ સફળતા

પ્રત્યેક મા – બાપ પોતાનો દીકરો હોશિયાર છે એવું માને છે અને મોટો થતાં ડોક્ટર કે એન્જિનિયર બને તેવાં સ્વપ્ન સેવે છે. દરમ્યાનમાં બારમા ધોરણમાં ઓછા ટકા આવે તો પરીક્ષા કે પરીક્ષકને દોષ દેતા હોય છે. મા – બાપના આંધળા અભરખા બાળકના વિકાસમાં બાધક છે. આજે હરીફાઈનો યુગ છે. પ્રત્યેક બાળક આવી પસંદગીની તકો ન મેળવી શકે તો નિરાશ થવાની જરૂર નથી. કદાચ બાળકના ઓછા ટકા આવે તો તેની જિંદગીની નાવ ડૂબી જવાની નથી. મા – બાપે તો માળી તરીકે કામ કરવાનું છે. તેને પુસ્તકો, સારી શાળા અને જરૂર પડે તો ટ્યુશનનું ખાતર પૂરું પાડવાનું કામ તેમણે કરવાનું છે.

આવું કર્યા પછી પણ ધાર્યું લક્ષ્યાંક ન મેળવે તો નિરાશ થવાની જરૂર નથી. વિચાર કરો કે ભક્ત નરસિંહ મહેતા, મીરાંબાઈ, વિન્સ્ટન ચર્ચિલ, થોમસ એડિસન, મોરારિબાપુ આ બધાનું ભણતર અત્યંત નહીંવત્ છે છતાં તેમણે જે સિદ્ધિઓ મેળવી છે તેનાથી કોઈ અજાણ નથી. બાળકને તમે વિચારો છો તે વિચારોના ખીલે બાંધી રાખો નહીં. તેને સગવડ આપો. વિચારોની પાંખે તેને સ્વતંત્ર રીતે ઊડવા દો. ક્દાચ ભવિષ્યમાં તે મોટો ચિત્રકાર, અભિનેતા કે સંગીતકાર પણ બને અથવા તેને મનપસંદ ક્ષેત્રમાં નામ કાઢે.

ધ્યાન રહે, જેનાં ભજનોથી અનેક વિદ્યાર્થીઓએ પી. એચ. ડી. કર્યું છે તે ભક્ત નરસિંહ મહેતા આઠ વર્ષ સુધી બોલી શકતા ન હતા. નરસિંહ મહેતા કે મીરાંબાઈ ક્યાં નિશાળે ગયા હતા? વિન્સ્ટન ચર્ચિલ ભણવામાં ઢ હતા. ઇલેક્ટ્રીક બલ્બના શોધક થોમસ એડિસનને ચાલુ ક્લાસે શિક્ષકે અપમાનિત કરીને અક્કલનો ઓથમીર કહ્યા હતા. મોરારિબાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયેલા અને છતાં આ બધાએ કેવી કેવી સિદ્ધિઓ મેળવી છે તેનાથી સહુ કોઈ પરિચિત છે. આ લખાણ લખનારનું નામ ખબર નથી પણ તેમણે ભણતર વિ સફળતા અંગે ખૂબ જ વિસ્તૃત હેવાલ રજૂ કર્યો છે, અહીં તેનું સંક્ષિપ્ત રૂપ રજૂ કર્યું છે.લખનારે ખૂબ જ સુંદર મનન કર્યું છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

તારો જમાઈ આઈવો…
હમણાં જ નોનવેજ નહિ ખાનાર અને દારૂનો તો જેમનો દૂરદૂર સુધી કોઈ સંબંધ ન હોય એવા પરિવારની દીકરીના લગ્ન સમારંભમાં જવાનું થયું. જાન આવી. સંગીતની સાથે ગીત વાગતું હતું. ‘‘આવ રે વેવણ આવ, તારો જમાઈ આઈવો. દારૂના બાટલા લાઈવો…. દેશી મરઘીની હાથે પોટલી લાઈવો, તારો જમાઈ આઈવો ત્યારે હસવું રોકી ના શકાયું. આપણું ગુજરાત ‘ડ્રાઈ સ્ટેટ’ જો કે છાને છપને મુક્ત છાંટાપાણી થકી ભીનું થતું રહે છે. મૂળ વાત એ કરવાની કે ગીતના શબ્દોને બાજુએ મૂકીને વિચારીએ તો દેશી ગીત-દેશી નાચના સંગીતની મઝા માણવી આંતરિક રીતે તો બધાને ગમતી જ હોય છે. એના તાલે હાથ-પગ આપોઆપ થીરકવા તો લાગે જ છે અને કદાચ એટલે જ તો RRRનું ‘નાટુ નાટુ (હિન્દીમાં નાચો નાચો)’ મિચ્ચા ખાકે ઐસા નાચો, બિચ્છુ કાટે ઐસા નાચો ગીત વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મેળવી ‘ગોલ્ડન ગ્લોબ, બેસ્ટ ઓરિજીનલ સોંગ’ જેવા એવોર્ડ મેળવી શક્યું હશે ને !
સુરત જ્યા યોગેશ હલાટવાળા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top