આજે દરેક જણને રાતોરાત સફળ થવું છે. કોઈને પણ સખત પરિશ્રમ કે ધીરજ રાખવામાં રસ નથી. આજના સમયમાં અલગ – અલગ કૌભાંડ બહાર આવી રહ્યા છે એના માટે એક આ કારણ પણ જવાબદાર છે. ઘણાં લોકો સફળ માણસને નસીબદાર ગણતા હોય છે પણ તેઓ સફળ માણસોની સફળતા પાછળના પરિશ્રમથી અજાણ હોય છે.સચિન તેંડુલકરને લોકો ‘ક્રિકેટ જગતના ભગવાન’ ગણે છે, પણ અહીં સુધી પહોંચવા તેમણે કરેલા પરિશ્રમની કોઈ વાત કરતું નથી. કહેવાય છે કે તેઓ રોજ સવારે નિયમિતપણે ૩૦૦ બોલની પ્રેક્ટીસ કર્યા પછી જ તેમની દિનચયૉની શરૂઆત કરતાં. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો એક વાર એક મહિલાને મહાન ચિત્રકાર ‘ પાબલો પિકાશો’ બજારમાં મળ્યા. એ મહિલાએ એમને મદદ માટે આજીજી કરી. એટલે પિકાશોએ ૩૦ સેકન્ડમાં એક કાગળ પર ચિત્ર બનાવી આપી કહ્યું કે આની કિંમત ૫૦ લાખ રૂપિયા છે. મહિલા આ ચિત્ર લઇ બજારમાં ગઇ તો લોકો ચિત્ર જોઈને જ સમજી ગયા કે ચિત્ર મહાન ચિત્રકાર ‘પાબલો પિકાશો’નું છે અને તેઓ ૫૦ લાખ કિંમત આપવા તૈયાર થયાં. આથી મહિલાએ ‘ પાબલો પિકાશો’ની શોધ શરૂ કરી અને ઘણી મહેનત પછી એમને મળી શકી. મહિલાએ તેમને મળતાં જ કહયું કે મારે પણ ૩૦ સેકન્ડમાં ૫૦ લાખની કમાણી થાય તેવું ચિત્ર બનાવતાં શીખવું છે. ત્યારે મહાન ચિત્રકાર ‘પાબલો પિકાશો’ એ જવાબ આપ્યો કે આ ૩૦ સેકન્ડના ચિત્રની પાછળ મારી ૩૦ વષૅની મહેનત રહેલી છે. આથી દરેકે સમજવું જોઈએ કે સફળતા માટે નસીબને શોધશો તો એ પરિશ્રમ પાસે જ ઊભેલું જોવા મળશે. સફળતાનો કોઈ મંત્ર કે શોર્ટકટ નથી પણ એ તો માત્ર પરિશ્રમનું જ ફળ છે.
સુરત – સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.