સફળતા કયારેય એમ જ આપવામાં આવતી નથી એને કમાવવી પડે છે અને તેના માટે મહેનત કરવી પડે છે. જો તમારે સફળ વ્યકિત બનવું હોય તો તેના માટે કાર્યબધ્ધ થતા શીખવું પડશે, તમારાં પ્રયત્નોને શરૂ કરવાં પડશે. સફળતા તો તમારાં દ્વારા જીવનમાં કરેલાં પ્રયત્નોનું પરિણામ છે. આને સમજવાં એક ઉદાહરણ જોઇએ.
ધારો કે કોઇ સફળ બિઝનેસમેનનો છોકરો એની ગાદી પર બેસે છે. પિતાએ કારોબારને પોતાની મહેનત, લગન અને વર્ષોનાં અનુભવનાં આધારે એક અલગ ઉંચાઇ હાસીલ કરી છે. જયારે પિતા પોતાના પુત્રને ગાદી પર બેસાડે છે ત્યારે એમનાં સ્ટાફનાં ઘણા લોકોને ઇર્ષ્યા થાય છે કે તૈયાર ગાદી પર બેસવા મળે છે. લોકો એવું વિચારે છે કે પુત્રએ કંઇ પણ મહેનત કરવી પડશે નહીં. એને તો ફકત કારોબારની વ્યવસ્થા જ સંભાળવાની છે.
બાકી બધું એના પિતાએ કરેલું જ છે. થોડા જ સમયમાં કારોબારમાં ખોટ આવે છે. શેરનાં ભાવ માર્કેટમાં પડી જાય છે, કારોબારની પ્રતિષ્ઠા તથા ગ્રાહકોનો વિશ્વાસ પડી ભાંગે છે. કારણકે પુત્રને સાચાં નિર્ણયો કરવાનો અનુભવ નથી. સાચાં-ખોટા વ્યકિતઓ ને પરખવાનો અનુભવ નથી. ગ્રાહકની ઇચ્છા સર્વોપરી છે. શેર હોલ્ડરોનો વિશ્વાસ કાયમ બનાવી રાખવો પડે છે. રોકાણકારોની જોડે સંબંધો વ્યવસ્થિત સાચવવાં પડે છે. આ બધી જ આવડત પુત્રમાં નથી જેથી સફળતા એને નથી મળતી અને કારોબાર બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે. હકીકતમાં સફળતા મેળવવા માટે સખત મહેનતની સાથે સાથે સંબંધો સાચવવાનો અનુભવ, મેનેજમેન્ટ બધું જ શીખવું જરૂરી છે.
કારણકે નાનકડાં વ્યકિતથી લઇને મોટાં હોદ્દાનાં વ્યકિતઓ સાથેનાં સંબંધો અને ઓળખાણ ઘણીવાર આપણાં પ્રયાસોમાં આવતાં અડચણોને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એવી જ રીતે જીંદગીનાં સંબંધો કમાવવા માટે પણ થોડું નમવું પડે છે. વાત કરવા માટે અહમને બાજુ પર મૂકીને પહેલ કરવી પડે છે. સમાજમાં ઘણાં એવાં સંબંધો છે જે ઇર્ષ્યા, અહમનાં લીધે તૂટી જાય છે અને પાછળ અફસોસ મૂકીને રહી જાય છે. જીંદગીમાં બધું કાંઇ એમ જ મળી જતું નથી, પછી એ સંબંધો, નોકરી, પૈસા કે સફળતા હોય, તમારે એને કમાવવી જ પડે છે. હંમેશા પ્રયત્નો કરવા એને નિષ્ફળ થવાં તૈયાર રહો, એ જ સફળ થવાની ચાવી છે. તો ભવિષ્યમાં કોઇ સફળ વ્યકિતને મળો તો એની સફળતા કમાવવાની વાતો સાંભળજો અને પ્રેરણા ચોકકસ લેજો.