Columns

અમેરિકાના ડલાસમાં 1 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આખી ભગવદ ગીતા મોઢે કંઠસ્થ પારાયણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા એ સમગ્ર માનવ જાતને જીવન સાર્થક રીતે જીવવાનો પથદર્શક સર્વકાલીન ગ્રંથ છે. જેનો દુનિયાની મહત્વની તમામ ભાષાઓમાં અનુવાદ થઇ ચૂકયો છે. અને કેટલાય દેશોમાં વિદ્યાર્થીઓથી માંડીને વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો નિત્ય નવીન એવી દેવવાણીનો લાભ લઇ રહ્યા છે. ત્યારે સનાતન સંસ્કૃતિના શિરમોર સમા ગ્રંથની યશકલગીમાં પીંછું ઉમેરવાનું શ્રેય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામી – સંચાલિત દત્તપીઠમ મૈસુરનો માર્ગદર્શન હેઠળ દેશ અને દુનિયાના કાર્યરત 46 થી વધુ આશ્રમ પૈકીના અમેરિકામાં ડલાસના ખાતે તાજેતરમાં તા. 13મી ઓગસ્ટે પરમ પૂજય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીની હાજરીમાં યોજાયેલા ઐતિહાસિક સહસ્ત્રગલા –  ભગવદ્‌ગીતાના પારાયણમાં પંદરસોથી વધુ જેટલાં બાળકો અને પુખ્ત વયના ભકતોએ 18 અધ્યાયનું  મોઢે – ગાન – પારાયણ કરી સૌને મંત્રમુગ્ધ કરી દેવા સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઐતિહાસિક સહસ્ત્રગલા (એટલે એક હજારથી વધુ લોકો એક સાથે – એક સમયે ભેગા મળી પારાયણ કરે તે) ભગવદ્‌ ગીતા પારાયણ તા. 13મી ઓગસ્ટે અમેરિકાના ડલ્લાસમાં વિશાળ એલેન ઇવેન્ટ સેન્ટર ખાતે સાંજે ચાર કલાકે યોજાયું હતું. જેમાં 1500થી વધુ ભકતોએ ભાગ લઇ કંઠસ્થ કરેલી આખી ભગવદ્‌ગીતાનું સમૂહગાન કર્યું હતું. દેશવિદેશના ભકતો અને જીજ્ઞાસુઓથી ભરચક સેન્ટરમાં સ્થાનિક દત્તયોગ સેન્ટરના ટ્રસ્ટીઓ ગીતા પારાયણ આયોજક ટીમ અને ગીતા શિખવનાર શિક્ષકોએ સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. શ્રી સ્વામીજીએ સેન્ટર ખાતે દીપ પ્રકટાવી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા – આરતી કરી. સહસ્ત્રગલા પારાયણનો શુભારંભ કરાવ્યો. સ્વામીજીએ પારાયણમાં ભાગ લેનારાઓ વચ્ચે સાષ્ટાંગ નમસ્કાર કરી -પુષ્પો વરસાવી નિષ્ઠાવાન – પારાયણકારોને આશીર્વાદ આપ્યા હતા. મોઢે – કંઠસ્થ સમગ્ર ગીતાજીનું પારાયણ ગાન ચાલી રહ્યું હતું.

તે દરમ્યાન સ્વામીજી તમામ વિભાગોમાં ફરતા રહ્યા હતા અને જેથી ભાગ લેનારાઓને ખુબ આનંદ સંતોષ થયો હતો. સામુહિક ગીતા પાયરાણના દરમિયાન સેન્ટરમાં હાજર રહેલા ગિનેસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. અને પારાયણના અંગે ગિનેસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ હિંદુ ગ્રંથના ગાન-પારાયણની ‘સૌથી મોટા એક સાથે (સામુહિક રીતે) હિંદુ ગ્રંથ’ના (મુખપાઠ) ગાન’નો એવોર્ડ-સર્ટિફિકેટ પૂ. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીને એનાયત કર્યો હતો. આ પ્રસંગે સ્વામીજીએ બાળકોને ભગવદ્‌ગીતા શીખવા અને કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહિત કરનારા વાલીઓ અને ગીતા શિક્ષકોને આશીર્વાદ આપવા સાથે તેને એક મહાનભેટ ગણાવી હતી. આ ઐતિહાસિક સહસ્ત્રગલા – ગીતા પારાયણની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નોંધ લઇ પૂજય સ્વામીજીના તથા દત્તપીઠમને પ્રશંસાપત્ર પાઠવી એવો વિશ્વાસ વ્યકત કર્યો કે પૂ. શ્રી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આ રીતે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાની પ્રવૃત્તિઓ ચાલુ રાખશે.

ટેકસાસના સીટી ઓફ ફ્રીસ્કોના મેયર જેફ ચેન્નીએ એક જાહેરનામુ બહાર પાડી જણાવ્યું કે આ શહેરમાં કાર્યસિધ્ધિ હનુમાન મંદિરના સ્થાપક અને ‘ગીતા મહાયજ્ઞ’ ના કાર્યક્રમના આયોજક શ્રી ગણપતિ સચ્ચિદાનંદની પ્રેરણાથી સ્પષ્ટ યોગ્ય – ઉચ્ચારણ સાથે ગીતા શીખવવાનું અને તેનું સમૂહગાન કરાવવા બદલ, દેશ-અને દુનિયાભરમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આખી ગીતાના 700 જેટલાં શ્લોકોને કંઠસ્થ કરાવી અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવા બદલ અને દુનિયાભરના લાખ્ખો લોકો તે જાણી શકે – માણી શકે તેવી વ્યવસ્થા બદલ હું ક્રીસ્કો શહેરના મેયર તરીકે તા. 13મી ઓગસ્ટને ‘ગીતા સહસ્ત્રગલા દિન જાહેર કરું છું. આ અગાઉ મેયર શ્રી માસોએ પૂ. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીની આધ્યાત્મિક અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓની નોંધ લઇ તા. 1લી ઓગસ્ટને શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી દિન’ જાહેર કર્યો હતો.

દિવ્ય સંગીત દ્વારા – વિવિધ રોગો – પીડામાં રાહત – શમન માટે જાણીતા દત્ત પીઠમના અધિપતિ પૂ. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જેવી કે ક્રિયા યોગ શિક્ષણ, ઓનલાઇન ગીતા શિક્ષણ, સત્સંગ સભાઓ, જ્ઞાન બોધ સભાઓ દ્વારા ભકતોમાં આધ્યાત્મિક ચેતના જાગૃતિમાં કાર્યરત છે. ઉપરાંત અન્નદાન, શિક્ષણ, તબીબી સેવાઓ, માટેના કેન્દ્રો ચલાવે છે. તેમનો ધ્યેય ન્યાત – જાત – ધર્મથી પર રહી માનવજાતનું કલ્યાણ થાય વિશ્વમાં એકતા – પ્રેમ – બંધુત્વની ભાવના વિકસે તે છે અને તે માટે તેઓ અને તેમના અનયુયાયીઓ – ભકતો નિસ્વાર્થપણે કાર્યરત છે.
-શ્રીજીવ વ્યાસ

Most Popular

To Top