સુરત(Surat): સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)ના કાર્યક્રમમાં કોંગ્રેસ(Congress)નાં કાર્યકરો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ(Protest) નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે લિંબાયત પોલીસે કોંગ્રેસના 4 આગેવાનોની ધરપકડ કરી હતી. આ મામલે કોંગ્રેસે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા ખોટાં અને બોગસ પાસાના ઉપજાવી કાઢેલા કેસો રદ કરવા ગુજરાત કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી.
ખોટી રીતે ધરપકડ કરાઈ હોવાનો આક્ષેપ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત શહેર લિંબાયત ખાતેનાં કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની વિવિધ નિષ્ફળતાઓ મોંઘવારી, બે- રોજગારી, અને કાયદો વ્યવસ્થાની નિષ્ફળ પરિસ્થતિ સંદર્ભે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે મામલે કોંગ્રેસના ચાર આગેવાનો આશિષ રાય ગુલાબ યાદવ સંતોષ શુક્લા અને કિશોર શિંદે વિરૂદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેથી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય પુંજાભાઈ વંશ સી જે ચાવડા સહિત કોંગ્રેસ પક્ષ ના અનેક ધારાસભ્યો અને હાઈકોર્ટ ના નામાંકીત એડવોકેટ બાબુભાઈ માંગુકિયા સાથે સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ફિરોઝ મલિક પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ધનસુખ રાજપૂત એ કોંગ્રેસના ખોટી રીતે ધરપકડ કરાયેલા કાર્યકરોના કુટુંબીજનો સાથે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળી લેખિત રજુઆત કરી હતી.
કોંગ્રેસની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી
સુરત પોલીસ તંત્રની તાનાશાહી અને રાજકીય કિન્નાખોરીથી આ પ્રકારે ખોટી અને ઊપજાવી કાઢેલીઓ કલમો લગાવી ખોટાં અને બોગસ પાસાનાં કેસો કર્યા હોય આ મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ કરી ખોટાં કેસો પરત લેવા તમામ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરો પર પાસાના ઉપજાવી કાઢેલા બોગસ કેસો સંદર્ભે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટનાં એડવોકેટ બાબુભાઈ માંગુકિયા મારફતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઈ હતી
સુરત: સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા આઈપીસી 332 અંતર્ગત ફરિયાદ ઉભી કરી કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાંઆવી હતી. જે બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચારેય કાર્યકર્તાઓને કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યા બાદ પોલીસ દ્વારા તરતજ અટકાયત કરી ચારેય કાર્યકર્તાઓ વિરૂદ્ધ પાસા ના કાયદા હેઠળ સુરત જિલ્લા બહારની જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો કોંગ્રેસે સખત શબ્દોમાં વિરોધ દર્શાવે છે. તેમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સિમિતના પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું.