વડોદરા : વડોદરા એક્સપ્રેસ વેમાં થયેલી જમીન સંપાદનના ફેક્ટર-2નું વળતર તાકીદે ચુકવવાની માંગણી સાથે ભાયલી ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરા શહેર નજીક ભાયલી ગામના ખેડૂતો પૈકી જેમની જમીન મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેમાં સંપાદન કરવામાં આવી છે.જેમાં ફેક્ટર 2 પ્રમાણે ચુકવણી બાબતે ભાયલી ગામના ખેડૂતોએ કાર્યવાહી કરવાનો દાવો રજૂ કરીને આ વળતરની રકમ તાકીદે રજૂ કરવાની માંગ સાથે રજુઆત કરી હતી. તેઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફેક્ટર 2 પ્રમાણેની ચુકવણી કરવા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી.
અને નામદાર હાઇકોર્ટ દ્વારા તે રીટ પીટીશનમાં 21 દિવસમાં ખેડૂતોને વળતર વળતરની રકમ ચૂકવી આપવા માટે જમીન સંપાદન અધિકારી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં જે ખેડૂતોએ હાઈકોર્ટમાં પીટીસન દાખલ કરી હતી.તેઓની વળતરની રકમ ખાસ જમીન સંપાદન અધિકારીની ઓફિસમાં જમા થયેલ છે.અને તે વળતરની રકમ મેળવવા માટે જરૂરી તમામ કાગળો ઘણા લાંબા સમયથી જમા કરાવેલ છે.જેની ચકાસણી કરી વળતર તમામ ખેડૂતોને એક સાથે ચૂકવવા માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.સાથે જ આ વળતરની રકમ વિના વ્યાજે સરકારમાં બે મહિનાથી જમા પડી છે.જેમાં ભાયલીના ખેડૂતોનું આર્થિક શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે તત્કાલ આ વળતરની રકમ ચૂકવવા માંગણી કરી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 4 કરોડ 56 લાખના વળતરનો વિવાદ
માંજલપુરમાં 30 વર્ષ જૂની નિર્દેશ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના કોમન પ્લોટની જમીનને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત કરવામાં આવી હતી. નિર્દેશ સોસાયટીના કોમન પ્લોટની અંદાજે 788 ચોરસ ફુટ જગ્યા માટે નિર્દેશ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીને લગભગ 4 કરોડ 56 લાખનું વળતર ચુકવવામાં આવ્યુ હતું. જોકે સ્થાનિક લોકોને સરખા ભાગે વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જેથી વળતર મુદ્દે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વળતરના રૂપિયા મળ્યા ન હોવાનું જણાવી ફ્રોડ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરી હતી તેમજ જવાબદાર અધિકારીઓ તથા અન્ય લોકો સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.