navsari : નવસારી જિલ્લામાં લગભગ અઠવાડિયા કરતાં વધુ દિવસોથી કોવિશિલ્ડ રસી ( covishield vaccine) નો જથ્થો આવતો નથી. આ કારણે 45 વર્ષથી વધુ વયના લોકોએ જેમણે પહેલા ડોઝમાં કોવિશિલ્ડ લીધી છે, તેમને બીજો ડોઝ મળતો નથી. આ સંજોગોમાં હવે નવસારીના ધારાસભ્ય પિયૂષ દેસાઇએ નવસારીને કોવિશિલ્ડ રસી ફાળવવમા આવે એવી રજુઆત મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નરને કરી છે.નવસારી જિલ્લામાં લગભગ અઠવાડિયાથી કોવિશિલ્ડ રસીનો જથ્થો આવતો નથી. હાલમાં કેટલાક સ્થળોએ કોવિક્સિન મળે છે. પરંતુ જે લોકોએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હોય, તેમને બીજો ડોઝ કોવિશિલ્ડનો જ આપવાનો હોય છે. એ સંજોગોમાં હાલમાં બીજો ડોઝનું કામ પણ ખોળંગાતુ ચાલે છે.
ગુરૂવારે જ સુરત જિલ્લાને કોવિશિલ્ડનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, ત્યારે પડોશમાં આવેલા નવસારી જિલ્લાને કોવિશિલ્ડનો જથ્થો ફાળવવામાં આવે તો બીજા ડોઝનું રસીકરણ શરૂ થઇ શકે એમ છે. ત્યારે જિલ્લામાં કોવિશિલ્ડનો જથ્થો વહેલો મળે એ માટે નવસારીના ધારાસભ્ય પિયૂષ દેસાઇ ( piyush desai) એ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને રાજ્યના આરોગ્ય વિભાગના કમિશ્નરને રજુઆત કરી છે.
18 + માટે રસીકરણ ( vaccination) કરવા દસ જિલ્લામાં નવસારીનો સમાવેશ કરવા માંગ
હવે દેશભરમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોનું રસીકરણ કરવા માટે મોદી સરકારે ભલામણ કરી છે. પરંતુ ગુજરાતમાં ફક્ત 10 જ જિલ્લામાં તેનો પ્રારંભ થયો છે. આ 10 જિલ્લામાં નવસારીનો સમાવેશ થતો નથી અને તેને કારણે નવસારીમાં 18 થી 45 વર્ષની વયના લોકોનું રસીકરણ થઇ શક્યું નથી. હવે નવસારીમાં પણ યુવાનોનું રસીકરણ થઇ શકે એ માટે નવસારીમાં પણ 18 + ના લોકોના રસીકરણનો પ્રારંભ કરવા માટે પણ પિયૂષ દેસાઇએ રજુઆત કરી છે
નવસારી જિલ્લામાં કોરોનાએ ગુરૂવારે પણ વધુ એક સદી નોંધાવી હતી. જિલ્લામાં ગુરૂવારે કુલ 135 કેસ નવા નોંધાયા હતા, તો એક દર્દીનું મોત થયું હતું. જિલ્લામાં એક્ટિવ કેસો વધીને 1192 થયા છે. જોકે ગુરૂવારે વાંસદા તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. એ સારી નિશાની કહેવી કે વાંસદા તાલુકામાં ટેસ્ટ જ બંધ કરી દેવાયા અને તેને કારણે એક પણ કેસ નોંધાયો ન હોય એવી આશંકા પણ રહે છે.
છેલ્લા ઘણા દિવસથી નવસારી જિલ્લામાં દરરોજ કોરોનાના નવા કેસ સદી ફટકારતા રહ્યા છે. સૌથી વધુ કોરોનાના નવા કેસ મંગળવારે 160 કેસ નોંધાયા બાદ બુધવારે 136 કેસ નોંધાયા હતા. મોડી સાંજે એ યાદી સુધારીને નવસારી જિલ્લામાં બુધવારે 216 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. જેમાં ચીખલી તાલુકામાં 69, વાંસદા તાલુકામાં 10 અને ગણદેવી તાલુકામાં 1 કેસ વધુ નોંધાયા હતા. જ્યારે ગુરૂવારે 135 કેસ નોંધાયા છે, આ પૈકી સૌથી વધુ કેસ ગણદેવી તાલુકામાં 38 નોંધાયા છે, નવસારી તાલુકામાં 37, જલાલપોર તાલુકા અને ચીખલી તાલુકામાં 27-27, ખેરગામ તાલુકામાં 6 અને વાંસદા તાલુકામાં એક પણ નવો કેસ નોંધાયો ન હતો.