SURAT

મની હાઈસ્ટના વેશમાં વરાછા રોડ પર ખુલ્લી જીપમાં સ્ટંટ, લોકોના જીવ જોખમમાં મુક્યા

સુરતના વરાછા વિસ્તારનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જાણીતી વેબસિરિઝ મની હાઈસ્ટના કલાકારોએ પહેર્યા હતા તેવા લાલ રંગના કપડાં પહેરી કેટલાંક લોકો ખુલ્લી જીપ, કારમાં સ્ટંટ કરી રહ્યાં છે અને લોકોને ભેંટમાં મોબાઈલ આપી રહ્યાં છે.

ખરેખર વરાછાની એક મોબાઈલના દુકાનદાર દ્વારા પ્રમોશન માટે આ ગતકડું કરવામાં આવ્યું હતું, જેના લીધે જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ વરાછા પોલીસ હરકતમાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોદ્દાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે. વરાછાની આ મોબાઈલ દુકાનના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. મોબાઈલના દુકાનના પ્રમોશન અને ફોલોઅર્સ વધારવા જાહેર રસ્તા પર ટ્રાફિકજામ કર્યો હતો. કાર અને ખુલ્લી જીપમાં સ્ટંટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી રહી છે. મની હાઈસ્ટ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટંટ કરવામાં આવ્યા હતા.

મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ખુલ્લી જીપમાં દુકાનના માલિક દ્વારા રસ્તા પર જતા લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. ઓડી કારના બોનેટ પર બેસી અને ઊભા રહી વ્યસ્ત રહેતા વરાછા રોડ પર સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ સાથે ખુલ્લી જીપમાં ગિફ્ટ આપતા સમયે એક યુવતી ગિફ્ટ લેવા જતા અકસ્માત થતા બચ્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેથી વરાછા પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે જોખમી સ્ટંટની ઘટનાઓ વધી છે. કારમાં સ્ટંટના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. પોલીસ આવા સ્ટંટ કરનારાઓને પકડી માફી પણ મંગાવે છે. તેમ છતાં આવી ઘટનાઓ પર કાબુ મેળવી શકાયો નથી. હજુ પણ આવા વીડિયો અવારનવાર સામે આવી રહ્યા છે.

Most Popular

To Top