રામનવમી આવી એટલે ભગવાન શ્રી રામના અનેક ગુણો સ્મરણમાં આવ્યા. આજે એક ગુણની વાત કરું તો એ છે નિઃસ્વાર્થ મૈત્રી અને પ્રેમ. ભગવાન શ્રી રામે એક કેવટ પર કૃપા કરી, નિષાદરાજને આલિંગન આપ્યું. શબરીનાં બોર ખાધાં. વાનર અને રીંછોની સેના બનાવી, “વાનરયુથમુખ્યમ્” હનુમાનજી પર ભરપૂર દિવ્ય પ્રેમની વર્ષા કરી તેમને “ભરત સમ ભાઈ” ગણાવ્યા. આ બધામાં ક્યાંય તેમને ક્ષત્રિયપણું નડ્યું? તેમના કુળ અને જ્ઞાતિનો ભેદ આડો આવ્યો? તેથી વિપરીત તેનાથી જ તો તેમને રઘુકુળનંદનનું બિરુદ મળ્યું! આપણે રામનવમી ઉજવીએ છીએ.પણ આપણે નાતજાતના ભેદભાવને છોડી શકીએ છીએ ખરા? હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું પટેલ, હું દલિત,હું આદિવાસી, તેમાંથી બહાર નીકળી, “હું હિન્દુ” એ ભાવ અપનાવ્યો છે ખરો? “હિન્દુ” શબ્દ આવતાં કોઈને લાગશે કે આ સંકુચિત વિચાર છે.
ના, આ સંકુચિત નહીં, પણ રાષ્ટ્રીય અને સર્વસમાવેશક અને વિશ્વ સમગ્ર માટે એક પ્રેરક વિચાર છે. હિન્દુ શબ્દનો શુધ્ધ અર્થ એ છે કે હિન્દમાં રહે છે તે હિન્દુ! ભગવાન શ્રી રામની સાચી આરાધના કરવી હોય તો આપણે આપણા હિન્દુ ભાઈઓને પ્રેમથી ગળે મળીએ, પછી તે કોઈ પણ જ્ઞાતિનો હોય! સાથે મળીને કંઈક રચનાત્મક કાર્યો કરીએ, ખભેખભા મિલાવી દેશ માટે કામ કરીએ. નાતજાતના ભેદભાવ છોડીએ, તે “રઘુકુળનંદન”ની જેમ આપણા કુળનું પણ સાચું ગૌરવ બની રહેશે.બધા ભેગાં મળીને સૌ આપણે ગગનભેદી નારાથી કહીએ “જય રામજીકી”
ભરૂચ -વીરેન્દ્રસિંહ અટોદરિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.