Vadodara

યુક્રેનમાં ફસાયેલા છાત્રોના પરિજનોની મુલાકાતે કલેક્ટર

વડોદરા : યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટર અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા છાત્રો અંગે જાત માહિતી મેળવી હતી. આજ રીતે અન્ય અધિકારીઓએ પણ યુદ્ધ ઉદ્વિગ્ન પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કલેકટર અતુલ ગોર તથા નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા આજે સવારે જતીનભાઈ ભટ્ટના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમના પુત્ર રોનિક વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. રોનીક કિવમાં તબીબી અભ્યાસ કરે છે અને શહેરમાં હુમલો થતાં તેઓ અન્ય લોકો સાથે કિવ શહેર છોડી ગયો હતો.હાલમાં રોનિકની ભાળ મેળવવાનો પ્રયાસ શરૂ છે. કલેકટરશ્રી ગોરે ભટ્ટ પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા માંગવામાં આવેલી વિગતોના ઓનલાઈન ફોર્મ વિશે માહિતી આપી હતી અને તેને સત્વરે ભરી દેવા જણાવ્યું હતું. આ ઓનલાઈન ફોર્મમાં યુક્રેનમાં ફસાયેલા છાત્રો અંગે જરૂરી વિગતો માંગવામાં આવી છે. જેથી તેને સરળતાથી વતનમાં લાવી શકાય.કલેક્ટર એ.બી.ગોરે કહ્યું કે મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા પ્રયત્નશીલ છે.કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે.આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે.વડોદરા જીલ્લાના અધિક અને નાયબ કલેકટર કક્ષાના ફૂલ 14 અધિકારીઓએ આજે આવા પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી વિગતો જાણી હતી.આ અધિકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપી હતી.

Most Popular

To Top