આણંદ: આણંદની વી. એચ. દવે હોમિયોપેથીક કોલેજમાં તેમજ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોમિયોપેથીક કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપના સ્ટાઈપેન્ડના દરમાં વધારો કરવાની માંગ સાથે સતત ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ ટાઉન હોલ પાસે યજ્ઞ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે શહેર પોલીસ દોડી આવતા પોલીસને પણ વિદ્યાર્થીઓએ ઘેરી લઈ સુત્રોચ્ચાર કર્યા હતા. આખરે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આણંદ શહેરની વી. એચ. દવે હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને આણંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોમિયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપના સ્ટાઈપેન્ડના દરમાં વધારો કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કાર્યકરો દ્વારા ટાઉન હોલ પાસે સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે યજ્ઞ કર્યો હતો.
આ સમયે શહેર પોલીસ આવી પહોંચતા વિદ્યાર્થીઓની અટકાયત કરતા વિદ્યાર્થીઓએ પોલીસની કારને ઘેરી લીધી હતી. તેમ છતાં પોલીસના કાર ચાલકે કાર ચાલું રાખીને વિદ્યાર્થીઓ ઉપર નાંખીને લઈ ગયા હતા. જેને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વિદ્યાર્થીઓએ રજુઆત કરી માંગણી કરી હતી કે હોમિયોપેથીક ઈન્ટર્નશીપ ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ પર૦૩ માંથી વધારીને ૯૦૦૦ કરવામાં આવે તેમજ સ્ટાઈપેન્ડ રેગ્યુલર ચુકવવામાં આવે તેમજ મેડીકલ ડેન્ટલ ફિઝીયોથેરાપી અને આયુર્વેદના અભ્યાસક્રમના ઈન્ટર્નશીપ અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડેન્ટને નવા નિયમ મુજબ સ્ટાઈપેન્ડ મળે છે.
જ્યારે હોમિયોપેથીક અભ્યાસક્રમના ઈન્ટર્નશીપને જુના ઠરાવ મુજબ ઠરાવ ચુકવવામાં આવે છે. ત્યારે ઈન્ટર્નશીપ સ્ટાઈપેન્ડ ચુકવવામાં હોમિયોપેથીકના તબીબોને અન્યાય શા માટે કરવામાં આવે છે તેવી માંગ કરવામાં આવે છે. એબીવીપી અને વિદ્યાર્થીઓ દ્વારા થાળીઓ વગાડી ઘંટનાદ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોલીસે વિરોધ પ્રદર્શન કરતા એબીવીપીના જીલ્લા સંયોજક ધ્રુવીલ મહેતા સરકારી યુનિવર્સિટી ઈન્ચાર્જ સિદ્ધાર્થ યાદવ, કાર્યકર રાહુલ ગોસાઈ સહિત કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને સમય વિત્યા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાથીની બંસરી રાવલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ દ્વારા સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યાં છે.