Sports

વિદ્યાર્થીઓએ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના ગેટને તાળાં માર્યા, રસ્તા પર વિરોધ કર્યો, શું છે માંગણી જાણો..

સુરત: નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન શરૂ થયું છે. એબીવીપી દ્વારા રાજ્યભરમાં GCAS પોર્ટલને લઈને આંદોલન છેડવામાં આવ્યું છે.

  • એડમિશનમાં છબરડાંને પગલે વિદ્યાર્થીઓ નારાજ, એબીવીપીએ રાજ્યભરમાં આંદોલન છેડ્યું
  • સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાંબંધી કરાઈ
  • પોલીસે આંદોલનકારી એબીવીપીના કાર્યકરોને અટકાયતમાં લીધા

આજે તા. 24 જૂનને સોમવારના રોજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ રસ્તા પર આડા પડી ટ્રાફિક અવરોધી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. યુનિવર્સિટીના ગેટને બહારથી તાળું મારી દીધું હતું.

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળ પર પહોંચી જઈ પોલીસે એબીવીપીના આંદોલનકારી કાર્યકરોની અટકાયત કરી હતી.

એબીવીપી દ્વારા આજે તા. 24 જૂનના રોજ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યકમ આપવામાં આવ્યો હતો. GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતં. એબીવીપી દ્વારા રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી. અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોવાનું એબીવીપી દ્વારા કહેવાયું હતું.

એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતાં. જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઉભી થઈ છે. લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે. ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી.

Most Popular

To Top