અમદાવાદ: રાજ્યની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ) મેડિકલ કોલેજમાં સરકાર દ્વારા રાતોરાત 88%નો તોતિંગ ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ ફી વધારાનો ચારે તરફથી વિરોધ થતાં સરકારને ઝૂંકવું પડ્યું હતું, અને સરકારે ફીમાં ઘટાડાની જાહેરાત કરી છે. જોકે આ ફી ઘટાડા પછી પણ આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં કટોરો લઈ ભીખ માગી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ કેમ્પસ બહાર વાલી અને વિદ્યાર્થીઓએ હાથમાં કટરો લઈ ભીખ માગી વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકાર પાસે મેડિકલ કોલેજ ચલાવવાના પૈસા નથી. આથી અમે ભીખ માગીને સરકારને કોલેજ ચલાવવા માટે ભીખ માગીએ છીએ.
વિદ્યાર્થી અને વાલીઓએ કહ્યું હતું કે રાજ્ય સરકારે રાતોરાત મેડિકલની ફીમાં તોતિંગ વધારો કર્યો હતો. જોકે ચારે તરફથી દબાણ થતાં તેમજ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાતા સરકારે નમતું જોખ્યું અને ફીમાં ઘટાડો કર્યો હતો. આ ફી ઘટાડા પછી પણ 15 થી 20 ટકા જેટલો હજુ પણ ફી વધારો છે. સરકારે 88% જેટલો તોતિંગ ફી વધારો કર્યો હતો. તેમાં માત્ર થોડી ફી ઘટાડીને સરકારે લોલીપોપ આપી છે. ગત વર્ષની સરખામણીમાં હજુ પણ આ ફી વધારે છે. જેનો વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.