Columns

ભારતનાં વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવા માટે નહીં પણ સ્થાયી થવા માટે આવે છે

ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી એક વાર તણાવ વધતાં બંને દેશોનાં લોકોના સંબંધો તંગ થઈ ગયા છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના તાજેતરના એકતરફી વલણની અસર ત્યાંનાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહી છે. આ વિદ્યાર્થીઓ માત્ર કેનેડાના શૈક્ષણિક ક્ષેત્રમાં જ ફાળો આપતા નથી, પરંતુ પાર્ટ ટાઇમ જોબ, રિયલ એસ્ટેટ, ભાડું અને પરિવહન જેવાં ક્ષેત્રોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

કેનેડાની લગભગ ૧૦૦ કોલેજો ભારતીય વિદ્યાર્થીઓની હાજરી પર નિર્ભર છે. કેનેડાની અર્થવ્યવસ્થાનો ૨૦% ભાગ પ્રત્યક્ષ કે આડકતરી રીતે ભારતીય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે. કેનેડાની સરકારે નવી ઈમિગ્રેશન નીતિઓ જાહેર કરી છે, જેના કારણે દેશના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. એકલા ઑન્ટારિયોને આગામી બે વર્ષમાં ૧ બિલિયન કેનેડિયન ડૉલરનું નુકસાન થવાની અપેક્ષા છે. ભારતીય વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓને નવી નીતિથી નુકસાન થશે, પરંતુ વાસ્તવિક નાણાંકીય બોજ કેનેડા પર પડશે, કારણ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ઘણી નવી નીતિઓ લાગુ કરી છે. આમાંની એક સૌથી મહત્ત્વપૂર્ણ નવી સ્ટડી પરમિટ પર ટોચમર્યાદા છે, જેમાં ૨૦૨૪માં ૩૫% ઘટાડો જોવા મળશે. તેનું કારણ એ છે કે કેનેડામાં પ્રવેશ કરતાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ ભણવા માટે નહીં પણ કેનેડામાં સ્થાયી થવા માટે અને નોકરી મેળવવા માટે આવતાં હોય છે. કેનેડામાં લગભગ ૧૮ લાખ ભારતીય નાગરિકો છે. આમાંથી લગભગ ૯ લાખ ભારતીયો સેવા ક્ષેત્રમાં કાર્યરત છે. ભારતીયો હવે સૌથી મોટા સ્થળાંતર જૂથ તરીકે ઉભરી આવ્યાં છે, જ્યારે અગાઉ ચીનના સ્થળાંતર કરનારાઓ આ શ્રેણીમાં નંબર વન હતાં. આનું મુખ્ય કારણ એ છે કે ભારતીય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પછી કેનેડામાં વધુ ને વધુ નોકરીઓ શોધી રહ્યાં છે. કેનેડિયન ઉદ્યોગસાહસિકો દ્વારા ભારતીય પ્રતિભાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં લગભગ પાંચ ગણી વધુ ફી ચૂકવે છે.

કેનેડાની નવી યોજનાને કારણે ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવો અને અહીં નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. સરકાર કડક નિયમો અને યોગ્યતાના માપદંડો લાવવા જઈ રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ જે અભ્યાસ પરમિટ મેળવી શકે છે તેની સંખ્યા મર્યાદિત થશે, જે પ્રવેશ પ્રક્રિયાને વધુ સ્પર્ધાત્મક બનાવશે. વિદ્યાર્થીઓ માટે વર્ક પરમિટ મેળવવી મુશ્કેલ બનશે. કેનેડા જતાં ભારતીયો માટે ત્યાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ બનશે. કેનેડાની ઇમિગ્રેશન યોજના શ્રમ બજારની માંગને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હેલ્થકેર અને સ્કિલ ટ્રેડ પર ફોકસ કરવામાં આવ્યું છે.

આના કારણે જોબ માર્કેટમાં સ્પર્ધા વધવાની છે, જેનાથી કેનેડામાં કામ કરતાં ભારતીયો અને ત્યાં અભ્યાસ કર્યા બાદ નોકરી શોધી રહેલાં વિદ્યાર્થીઓને નુકસાન થશે. જો કે, લોકોને વધુ પગાર મળશે અને નોકરીની વધુ સારી તકો મળશે.ભારતનાં વિદ્યાર્થીઓ માટે હવે કેનેડામાં પણ એક મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. આ પડકાર અન્ય કોઈ નહીં પણ ખુદ કેનેડાનાં નાગરિકો છે, જેઓ હવે તેમના દેશમાં બહારના વધુ લોકો ઈચ્છતાં નથી. તેમને લાગે છે કે ભારતનાં લોકો કેનેડામાં ઓછા પગારે નોકરી કરવા તૈયાર થઈ જાય છે, જેને કારણે તેમની સારી નોકરીની તકો છીનવાઈ જાય છે.

કેનેડિયન નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એન્વાયરોનિક્સ ઈન્સ્ટિટ્યૂટે એક સર્વે હાથ ધર્યો છે જેમાં ૬૦% કેનેડિયન નાગરિકો માને છે કે દેશમાં ઈમિગ્રેશનનું પ્રમાણ વધુ છે. આજની તારીખમાં ૭૦% કરતાં ઓછા કેનેડિયનો માને છે કે ઇમિગ્રેશન આર્થિક રીતે ફાયદાકારક છે, જે ગયા વર્ષે ૮૦% હતું. કેનેડાનાં નાગરિકો નોકરીની બાબતમાં ભારતીયો સાથે સ્પર્ધા કરી શકતાં નથી. તેને કારણે તેમને ડર લાગે છે કે લાંબા ગાળે કેનેડામાં ભારતીયો વધી જશે તો તેમણે બેકારીનો સામનો કરવો પડશે. હવે સવાલ એ થાય છે કે એવાં કયાં કારણો છે, જેના કારણે કેનેડિયનોને વિદેશીઓના ઈમિગ્રેશન વિશે વિચારવાની ફરજ પડી છે. આનો જવાબ ખૂબ જ સરળ છે. કેનેડામાં આવાસની કટોકટી ચાલુ થઈ ગઈ છે.

કેનેડાની આર્થિક સ્થિતિ પણ સારી નથી અને સરકાર દ્વારા આ સમસ્યાને યોગ્ય રીતે હાથ ધરવામાં ન આવતાં લોકોમાં રોષ વધી રહ્યો છે. કેનેડાનાં લોકો મોટાં ઘરોમાં રહેવાને ટેવાયેલાં હતાં. તેમને ઓછા ભાડાંમાં મકાનો મળી જતાં હતાં. ભારતનાં વસાહતીઓ હવે તેમનાં મકાનો કબજે કરી રહ્યાં છે, જેને કારણે મકાનોનાં ભાડાં વધી રહ્યાં છે. ભારતનાં લોકો તો એક મકાનમાં ૮-૧૦ રહી શકે છે, જેને કારણે તેમને વધુ ભાડાં પણ પરવડે છે. કેનેડાનાં નાગરિકોને વધુ ભાડાં પરવડતાં ન હોવાને કારણે તેમને ઘર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર હવે ઇમિગ્રેશનને મર્યાદિત કરવાના દબાણનો સામનો કરી રહી છે.

કેનેડામાં સૌથી વધુ વસાહતી ભારતીયો છે. ભારતીય વસાહતીઓ પ્રત્યે કેનેડિયન નાગરિકોની માનસિકતામાં બદલાવની લાગણી તેમના પર નોંધપાત્ર અસર કરશે. એવું માનવામાં આવે છે કે કેનેડામાં નોકરી મેળવવી ભારતીયો માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે કેનેડિયન કંપનીઓ દેશનાં નાગરિકોને પ્રાથમિકતા આપવાનું શરૂ કરે તેવી સંભાવના છે. ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ ન લગાવી શકાય, પરંતુ વિઝાના નિયમો ચોક્કસપણે કડક કરી શકાય છે. કેનેડામાં આવાસની વધી રહેલી અછત અને પરિવહન વગેરે જાહેર સેવાઓ પર વધી રહેલા દબાણને કારણે ભારતીયો માટે કેનેડામાં સહેલાઈથી સ્થાયી થવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.

કેનેડામાં રહેતી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કોમ્યુનિટીમાં વધુ એક ગંભીર વાત બની રહી છે, જે દરેકને આશ્ચર્યચકિત કરી દે છે. અહીં ઘણાં વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. એક ખાનગી ફ્યુનરલ હોમના મેનેજર હરમિન્દર હાંસી કહે છે કે તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો થયો છે. મૃત્યુનાં કારણ અંગેના પ્રશ્ન પર તેઓ કહે છે કે મોટા ભાગના મૃત્યુમાં એકાદ-બે કેસ એવા હશે કે જેમના મૃત્યુ કુદરતી કારણોસર થયાં હોય, પરંતુ બાકીનાં મૃત્યુનું કારણ આત્મહત્યા છે. આ ઉપરાંત દવાના ઓવરડોઝને કારણે પણ મોત થઈ રહ્યાં છે. નશામાં ડ્રાઇવિંગને કારણે થતા અકસ્માતો પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મૃત્યુનું કારણ બની રહ્યા છે. હરમિન્દર હાંસીએ જણાવ્યું કે તેઓ દર મહિને ચાર-પાંચ મૃતદેહો ભારત મોકલે છે. આ સિવાય કેટલાંક લોકો કેનેડામાં તેમના અંતિમ સંસ્કાર પણ કરે છે, જેનો ડેટા ઉપલબ્ધ નથી. હાંસીના મતે આ ફ્યુનરલ હોમનો આંકડો છે. જીટીએમાં હાલમાં ઘણા ફ્યુનરલ હોમ છે. તેમણે કહ્યું કે જો આખા કેનેડાના આંકડા ઉમેરવામાં આવે તો આંકડો મોટો થઈ શકે છે.

ડિસેમ્બર ૨૦૨૩ માં વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ૪૦૩ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં મૃત્યુ પામ્યાં છે, જેમાંથી સૌથી વધુ ૯૪ મૃત્યુ કેનેડામાં થયાં છે. જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે આમાંથી કેટલાંક મૃત્યુ કુદરતી હતાં અને કેટલાંક અકસ્માતોને કારણે થયાં હતાં. ડિસેમ્બર ૨૦૨૩ માં ભારતીય વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતથી કેનેડા જનારાં વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય દેશો કરતાં ઘણી વધારે છે. કેનેડામાં જતાં વિદ્યાર્થીઓને પહેલાં એજન્ટો દ્વારા મોટાં મોટાં સપનાંઓ દેખાડવામાં આવે છે. તેને કારણે તેઓ લાખો રૂપિયાનો ખર્ચો કરીને કેનેડા જાય છે, પણ ત્યાંની મુશ્કેલ પરિસ્થિતિનો ખ્યાલ આવતાં ભાંગી પડે છે. કેનેડા જતાં ભારતીયોને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપવો જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top