નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી, પીપલવાડા ગામની વિદ્યાર્થીનીઓએ ડાકોર એસ.ટીના ડેપો મેનેજરને આવેદનપત્ર આપી બસ ચાલુ કરવાની માંગ કરી હતી. ડાકોર જવા માટે વિદ્યાર્થીઓને એસ.ટી બસો મળતી ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વિદ્યાર્થીઓ બસ ન મળવાને કારણે શાળાએ નિયમીત પહોંચી શકતાં નથી. જેને પગલે વિદ્યાર્થીઓના શિક્ષણમાં અસર પડી રહી છે.
આ અંગે પીપલવાડા તેમજ આસપાસના ગામોમાંથી દૈનિક ડાકોરની મુસાફરી કરતાં વિદ્યાર્થી દ્વારા થોડા દિવસો અગાઉ ડાકોર એસ.ટી તંત્ર સમક્ષ રજુઆત કરી સવારે શાળાના સમયે પીપલવાડાથી ડાકોરથી તેમજ સાંજે શાળા છુટવાના સમયે ડાકોરથી પીપલવાડાની બસ શરૂ કરવા માંગ કરી હતી. જોકે, એસ.ટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની આ રજુઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. અવારનવાર રજુઆતો કરવા છતાં પોતાની માંગણી ન સંતોષાતા રોષે ભરાયેલી પીપલવાડા ગામની વિદ્યાર્થીનીઓએ મંગળવારે ડાકોર એસ.ટીના ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે, સવારના દશેક વાગ્યાના અરસામાં ફાગવેલ તરફથી આવતી બસ મુસાફરોથી ખિચોખીચ ભરાયેલી હોવાથી ક્યારેક ઉભી પણ રહેતી નથી. જેને પગલે વિદ્યાર્થીઓને એસ.ટી બસનો પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સવારે ૧૦ વાગે હિંમતનગરલાટ રૂટ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગ છે. જો તંત્ર દ્વારા બસ ચાલુ કરવામાં નહી આવે તો, આગામી તા.૧૭મી સપ્ટેમ્બર,૨૧ ના રોજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.