સુરતઃ થર્ટી ફર્સ્ટની રાત્રે પાર્ટીના બહાને યુવાનો નશો કરતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અહીંના યુવાનો દારૂ, ડ્રગ્સનો નશો કરવામાં પાછળ નથી. હદ તો ત્યારે થઈ જ્યારે સરસ્વતીના ધામ એવી સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં યુવાન વિદ્યાર્થીઓએ દારૂની પાર્ટી કરી હતી. જોકે, એક બાદ એક દારૂના પેગ મારતા વિદ્યાર્થીઓ પર કુલપતિએ રેઈડ કરી હતી. ત્યારે એક વિદ્યાર્થી હોસ્ટેલના પહેલાં માળેથી કૂદી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલાં વિદ્યાર્થીઓએ મહેફિલમાં જામ ભર્યા હતાં. જે અંગેની જાણ થતાં જ રેડ કરવામાં આવી હતી. હોસ્ટેલમાં ચાલતી મહેફિલ પર રેડ પડી હોવાની જાણ થતાં જ ત્રણ વિદ્યાર્થી નાસી ગયા હતાં. જ્યારે એક વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ દારૂ પીતા હોવાની જાણ થતાં રજીસ્ટ્રાર અને કુલપતિ સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતાં. હાલ ભણતા કેટલાક વિદ્યાર્થીઓ અને સસ્પેન્ડ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ મળીને અહીં દારૂની પાર્ટી કરી રહ્યા હતા. યુનિવર્સિટી વિરુદ્ધ આચરણ માટે સસ્પેન્ડ કરાયેલા એક વિદ્યાર્થી પણ તે સમયે પાર્ટીમાં હાજર હતો. બધાએ મળીને દારૂની પાર્ટી યોજી હતી.
આ અંગેની જાણકારી મળતાં વીસી સ્થળ પર પહોંચી ગયા હતા. બંધ રૂમમાં વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હતા. કુલપતિએ રૂમમાં પહોંચી તપાસ કરી હતી. કુલપતિની રેઈડમાં એક વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ રૂમની બહારથી અથવા બાલ્કનીમાંથી કૂદીને નાસી ગયા હતા.
હોસ્ટેલના વોર્ડન ડૉ. ભરત ઠાકરે ફરિયાદમાં લખાવ્યું કે, હોસ્ટેલમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા સિક્યુરિટી ગાર્ડ મેહુલ મોદી સાથે અમે હોસ્ટેલના રૂમમાં ગયા હતા. તે વખતે ચાર વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમની અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા, જેમાંથી મનોજ તિવારી અને અન્ય બે વિદ્યાર્થીઓ ભાગી છુટ્યા, જ્યારે અભિજીત ઝડપાઈ ગયો હતો. હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થી સસ્પેન્ડ છે. હાલ આ ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.