વહાલા વાચકમિત્રો,
ધો. ૧૨ની પરીક્ષાનાં પરિણામો નજીકમાં જ આવશે. UG માં પ્રવેશ લેવાની પ્રક્રિયાઓની વણજાર લાગશે ત્યારે વાલીઓને મૂંઝવતા થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઇએ…
જ્હાનવીએ ધો. ૧૨ કોમર્સની પરીક્ષા આપી છે, હિનલ મમ્મીને ખૂબ ટેન્શન છે. હવે કઇ કોલેજમાં મૂકવાની? કયારે ફોર્મ આવશે? UG માં પ્રવેશ લીધા પછી CS / CFA કે CA / MBA ના કયા કલાસીસ કયાં કરાવવાના? UG માં BBA જ લેવાનું કે? સુરતની કઇ કોલેજ સારી? કે પછી બીજે? કેનેડા કેવું રહેશે?…. આવા અસંખ્ય સવાલોની વણઝાર લઇને હિનલબેન ચિંતાતુર છે અને ખૂબ જ સ્વાભાવિક છે કે આજના યુગમાં દરેક માતા-પિતાને હોય કે સર્વશ્રેષ્ઠ કોલેજનાં સર્વશ્રેષ્ઠ કોર્ષમાં પોતાનું સંતાન કારકિર્દી બનાવી સફળ બને અને પોતે પણ સફળ વાલી તરીકેનો ટેગ મેળવે.
હવે દરેક વખતે એવું નથી બનતું કે વાલીઓ બધી જ માહિતીથી માહિતગાર હોય. ત્યારે આજના વિદ્યાર્થીઓ – સંતાનોએ માહિતી ભેગી કરી વાલીઓ સાથે સંવાદ સાધવો જોઇએ અને આની તાતી જરૂર છે કેમ કે –
- જયાં સુરત શહેરમાં એક – બે યુનિવર્સિટી હતી ત્યાં આજે પાંચ કે છ યુનિવર્સિટી અસ્તિત્વ ધરાવે છે.
- શહેરમાં જયારે NGO / GO / Civil Society / સામાજિક સંસ્થા દ્વારા કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો કરવામાં આવે ત્યારે પ્રોગ્રામના આયોજકોએ વિગતવાર સ્થાપેલ યુનિવર્સિટી / કોલેજોમાં મળતાં વિકલ્પો સાથેની માહિતી શાળાઓમાં કે વેકેશન દરમ્યાન આપવી જોઇએ.
- બધી યુનિવર્સિટીની પોતાની અલાયદી પ્રવેશપ્રક્રિયા હોય છે. જેમાં કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા મેરીટ લિસ્ટ દ્વારા કે પછી દરેક કોલેજોને સ્વાયત્તતા આપવામાં આવે, માટે લેટેસ્ટ અપડેટ માટે દરેક યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરવી જરૂરી બની છે. સાથે આપણી નોટમાં નોંધ ટપકાવવાની જરૂર છે જેથી દરેક કોલેજ / યુનિવર્સિટીની જરૂરિયાત પ્રમાણે ડોકયુમેન્ટ તૈયાર રાખવા હિતાવહ છે. (સોફટ અને હાર્ડ કોપીમાં)
- વિવિધ સ્ટ્રીમમાં એટલે કે આર્ટસ – કોમર્સ – વિજ્ઞાનમાં કઇ કોલેજમાં કયા વિકલ્પો ઉપલબ્ધ છે તેની માહિતી આગોતરી હોવી જરૂરી છે જેનાથી જેતે કોલેજનું ફી સ્ટ્રકચર, કોર્ષ, કન્ટેન્ટ વગેરે જાણી શકાય છે.
- ઘરની આર્થિક પરિસ્થિતિના આધારે ફીનાં ધોરણો ખ્યાલમાં રાખી પ્રવેશફોર્મ ભરવા જરૂરી છે. દા.ત. કોઇ સામાન્ય ઘરનો વિદ્યાર્થી ઓરો યુનિવર્સિટીમાં UG માં પ્રવેશ લેવાનું ઇચ્છે તો એણે સૌ પ્રથમ તો આર્થિક પ્રબંધ કરવો પડે જે કદાચ સંઘર્ષમય પણ હોય શકે.
- હવે વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટી, પી.પી. સવાણી યુનિવર્સિટી, ઓરો યુનિવર્સિટી, વી.એન. સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી, સુરત શહેરમાં હોય તો – શિક્ષણવિદોની જવાબદારી વધે છે કે શહેરીજનોને ઊંડાણપૂર્વકની માહિતી મળે.
- વાલી – વિદ્યાર્થીની સાથેનું અન્ય એક તારણ એવું નીકળે છે કે સ્નાતક ડિગ્રી સાથે અન્ય અભ્યાસક્રમો કરાવવાની કે એમાં પ્રવેશ લેવાની ખૂબ જ ઉતાવળ રાખતા હોય છે. એવું વિચારાતું હોય છે કે મારું બાળક પાછળ રહી જશે તો? અથવા પ્રવેશ ન મળે તો? જેમનાં બાળકો ભણી ગયાં છે તે વાલીઓ પોતાના અનુભવને આધારે કહે છે કે પહેલા સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ લઇ લેવો જે મુખ્ય કારકિર્દીમાં મહત્ત્વ ધરાવે છે અને એમાં થોડી અનુકૂલનતા મેળવી એની સાથે ઇચ્છા ધરાવતા અન્ય અભ્યાસક્રમો કરી શકાય તો સંતાનો સ્ટ્રેસ લેવલ ઓછું અનુભવે છે. હવે જ્હાનવીને ફાયનાન્સમાં આગળ વધવું છે, તો કયો અભ્યાસક્રમ – CA / CFA / MBA in finance કે અન્ય કોઇ પ્રોગ્રામ. એની ઇચ્છા ધરાવતા ક્ષેત્રે એને લઇ જશે પણ સાથે જ BBA / B.Com ની મુંઝવણ. જ્હાનવી અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે. સારી ટકાવારી લાવવાની મહેનત કરી છે. તો પછી સરકારી # Grant in aid / કે સ્વનિર્ભર પ્રવેશ લેવો?
- જ્હાનવી હોંશિયાર હોવાને લીધે શૈક્ષણિક સિધ્ધિ સારી આંબવાની છે તો શહેરમાં GIA કોલેજીસ પણ સારી છે એટલે એની યુનિવર્સિટીનું direction મળી જાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણી છે તો અંગ્રેજી માધ્યમની કોલેજો પણ GIA છે. વાત રહી BBA / B.Com. ની, તો B.Com ના વિષયો ટ્રેડિશનલ હોવાથી ફાયનાન્સમાં આગળ વધવામાં મદદ કરશે. એકાઉન્ટસ અને સ્ટેટેસ્ટીકસમાં મજબૂત પાયો થશે તો ફાયનાન્સના ક્ષેત્રે કાર્ય કરવામાં ખૂબ જ મદદગાર થશે. આમ દરેક પ્રશ્નોના જવાબોનાં મૂળ સુધી જવાથી તમારી દિશાનકકી થશે અને પછી તમારી સ્વ-જાણકારી તમને સરળતા કરી દેશે.
- સામાન્ય રીતે વાલીઓ – વિદ્યાર્થીઓ જયારે બીજા વાલીઓ કે સહમિત્રો જોડે આ બાબતે ચર્ચા કરે ત્યારે સ્ટેટસનો ખ્યાલ રખાતો હોય છે. ખાસ કરીને કુટુંબનો આર્થિક મોભો – મારું સંતાન ફલાણી યુનિવર્સિટી, ફલાણી કોલેજમાં ભણે માટે મિત્રવર્તુળમાં ચોકો પડે પણ હંમેશાં Quality of Educationનો પણ ખ્યાલ રાખવો પડે. સ્નાતક અભ્યાસક્રમને દરેક જગ્યાએ લોકલ લેવલે પૂરતો ન્યાય આપવાની કોશિશ થતી હોય છે.
વિદ્યાર્થી હજુ શાળાના વાતાવરણમાંથી બહાર આવતો હોય, કોલેજના વાતાવરણમાં – વધુ જવાબદારી ભર્યા વર્તનની અપેક્ષાઓ હોય છે – અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યારે કુટુંબની હૂંફ, ભાવનાત્મક સપોર્ટ મળી રહે તે વધુ જરૂરી છે. છતાં મેડિકલ જેવા અભ્યાસક્રમમાં ગુજરાતની અન્ય GIA કોલેજમાં પ્રવેશ મળે તો જવું જ પડે છે અને સરસ રીતે એડજસ્ટ થતા હોય છે. વાલીમિત્રો, તમારા સંતાનની જિંદગીમાં ખૂબ જ નાજુક વળાંક આવી રહ્યો છે. જયાં વાદવિવાદ કરતાં સંવાદની જરૂર વધારે છે. માટે જ વાલી – સંતાનો એકબીજાના પરિપ્રેક્ષ્યને સમજે તે ખૂબ જરૂરી છે. ઓછું પરિણામ આવે તો જિંદગીની રેસમાં પછીથી દોડાશે પણ એને લીધે જિંદગી હારી નથી જવાની.