SURAT

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીને બદનામ કરવા વિદ્યાર્થીએ કાવતરું રચ્યું, કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મુકી

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ લઈને ઘૂસેલા વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને બટ્ટો લગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો ચકચાર મચાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

  • માસ કમ્યુનિકેશનનો બીજા સેમેસ્ટરનો વિદ્યાર્થી વિજય કટારિયા સીસીટીવી ફૂટેજમાં બોટલો ભરેલો કોથળો લાવતા અને ઠાલવતાં દેખાયો
  • યુનિવર્સિટીને ગંભીર રીતે બદનામ કરવા ન્યૂઝ ચેનલની રિપોર્ટરને પણ સાથે લાવ્યો હતો
  • કુલપતિ હોલમાંથી નીકળતાં જ વિદ્યાર્થી અને પત્રકાર ઘેરી વળ્યા અને ગંભીર આક્ષેપ કર્યા

વિશ્વ વિદ્યાલયના માસ કમ્યુનિકેશન વિભાગના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થી વિજયભાઈ નારણભાઈ કટારિયા દ્વારા આ ષડયંત્ર રચાયું હોવાનું સામે આવ્યું છે.

સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું કે આ વિદ્યાર્થી દારૂની ખાલી બોટલનો થેલો યુનિવર્સિટીના કન્વેન્શન હોલ પાસે મુકવા માટે પોતે જ લાવેલો હતો. આ ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવવાના પ્રયત્નમાં, આ વિદ્યાર્થી પોતાની સાથે એક ન્યૂઝ ચેનલની રિપોર્ટરને પણ લાવ્યો હતો. ત્યારબાદ, યુનિવર્સિટી પરિસરમાં બોટલોની હાજરીને આધારે કુલપતિને ઘેરવા પ્રયાસ કર્યો હતો.

કુલપતિ હોલમાંથી નીકળતા જ આ વિદ્યાર્થી અને પત્રકારે દારૂની બોટલો દેખાડી અને યુનિવર્સિટીના પરિસરમાં અનિયમિતતાઓના આરોપો મૂક્યા હતા. વિશ્વવિદ્યાલયની ફરિયાદના આધારે વેસુ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી વિજય કટારિયા વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

સીસીટીવી ફૂટેજમાં ખુલ્યું ષડયંત્ર
યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા આ સમગ્ર નાટકનો ભાંડો ફૂટ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટ થયું કે બોટલનો કોથળો આ વિદ્યાર્થીએ પોતે જ લાવ્યો હતો અને ઈચ્છાપૂર્વક તેને કન્વેન્શન હોલ પાસે મૂક્યો હતો. આ નાટક યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આચરવામાં આવ્યું હતું.

શિસ્તભંગ કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે
કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ આ ઘટનાને ગંભીરતાથી લેતાં નિવેદન આપ્યું છે કે આ પ્રકારની અણધારેલી અને શિસ્તવિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે શિસ્તભંગ કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અમલમાં રાખવામાં આવશે.

Most Popular

To Top